બુલેટ ટ્રેનની કામગીરી સમયે 600 ટનની મહાકાય ક્રેન અચાનક ધરાશાયી થતા 2 લોકો ઈજાગ્રસ્ત, અમદાવાદ-મુંબઈ વચ્ચેની 25 ટ્રેન રદ

Bullet Train Operation: ગઈકાલ રાત્રે બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન અમદાવાદના વટવા હાથીજણ વિસ્તારમાં રોપર બ્રિજ પાસે અચાનક એક મોટી ક્રેન (Bullet Train Operation) તૂટી જતાં આ ઘટનામાં 2 લોકો ઘાયલ થયા હતા. ત્યારે પશ્ચિમ રેલ્વેએ કેટલીક ટ્રેન ડાયવર્ટ કરાઈ છે.

રેલ વ્યવહાર ખોરવાયો
અમદાવાદમાં બુલેટ ટ્રેનના થાંભલા પર મૂકેલી ક્રેન કોઈ કારણોસર અચાનક પડી જતાં અકસ્માત સર્જાયો હતો. આ બાબતની તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ બાબતની જાણ નેશનલ હાઈ સ્પીડ રેલ્વે ઓથોરિટીના અધિકારીઓને પણ કરવામાં આવી હતી અને તેઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

આ અકસ્માતમાં ટ્રેનનો ઓવરહેડ વાયર તૂટી ગયો હતો, જેના કારણે મુંબઈ અને અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો. હાલમાં નેશનલ હાઇ સ્પીડ કોર્પોરેશન લિમિટેડ (બુલેટ પ્રોજેક્ટ) એ વધુ ત્રણ ક્રેન મોકલીને પુનઃસ્થાપન કાર્ય શરૂ કર્યું છે. રેલ્વે વિભાગ પણ ઓવરહેડ લાઇનનું સમારકામ અને ટૂંક સમયમાં રેલ ટ્રાફિક પુનઃસ્થાપિત કરવામાં વ્યસ્ત છે.

વડોદરાથી અમદાવાદ જતી સયાજીનગરી અને એકતાનગર-અમદાવાદ સહિત 10 ટ્રેનોને રાત્રે વિવિધ સ્ટેશનો પર રોકવામાં આવી હતી. હાલમાં અપલાઇન ચાલુ રાખવામાં આવી છે અને ડાઉનલાઇન બંધ કરવામાં આવી છે, જેના કારણે મુંબઈ તરફ જતી ટ્રેનો રદ કરવામાં આવી છે.

અમદાવાદ-વડોદરા-મુંબઈ વચ્ચે દોડતી 25 ટ્રેનો રદ કરવામાં આવી છે. તો, 5 ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જ્યારે 6 ટ્રેનો અન્ય રૂટ પર દોડાવવામાં આવી રહી છે. વડોદરા સ્ટેશન પર મુસાફરો માટે તાત્કાલિક ધોરણે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યો. અમદાવાદ અને મુંબઈ વચ્ચેના રેલ ટ્રાફિક પર અસરને કારણે, રેલ્વે વિભાગે અમદાવાદ, સાબરમતી, વિરમગામ મહેસાણા, ગાંધીધામ અને પાલનપુર રેલ્વે સ્ટેશનોના રેલ્વે હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા છે જેના પરથી લોકો ટ્રેનોની અવરજવર વિશે માહિતી મેળવી શકશે.