લોથલ હેરિટેજ સાઈટ પર ભેખડ ધસી પડતાં બે મહિલા અધિકારી દટાયાં, એકનું મોત

Lothal Heritage Site: લોથલમાં દિલ્હી અને ગાંધીનગરથી પહોંચેલી રિસર્ચની ટીમને મોટો અકસ્માત નડ્યો છે. લોથલમાં માટીના સેમ્પલ લેવા માટે મોટા ખાડામાં ઉતરેલી બે મહિલા ઉપર અચાનક માટીની ભેખડ ધસી પડી હતી, આ દુર્ઘટનામાં સુરભિ વર્મા (Lothal Heritage Site) નામની મહિલાનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક યામા દિક્ષીત નામની મહિલાને ગંભીર ઇજા પહોંચી છે. આ બંને મહિલાઓ આઇઆઇટી દિલ્હીમાં પીએચડી કરી રહી છે.

ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ભેગા થયા
ઘટનાની જાણ થતાં 108 ની ટીમ સહિત પોલીસ અને અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી બંને મહિલાઓને બહાર કાઢવામાં આવી હતી. મૃતક સુરભિ વર્માની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે. જ્યારે ઇજાગ્રસ્ત યામા દિક્ષીતને ઇજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતાં આસપાસમાંથી લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા છે.

માટી ભીની હોવાથી થઇ આ ઘટના
લોથલમાં આસિસ્ટન્ટ પ્રોફેસર અને PHDના રિસર્ચર મહિલા આવ્યા હતા. તેઓ અલગ અલગ જગ્યા પરથી જીયોલોજીકલ સેમ્પલ લેવા માટે લોથલ પહોંચ્યા હતા. તેમની સાથે ગાંધીનગરની ટીમ રિસર્ચ માટે ગઇ હતી. જો કે આજે સવારે 9.30 વાગ્યાની આસપાસ આ ટીમમાંથી બે લોકો 12 ફુટ જેટલો ઉંડો ખાડો કરી સેમ્પલ કલેકટ કરવા ખાડામાં ઉતર્યા હતા. આ જ સમયે માટી ભીની હોવાથી તે ધસી પડી હતી.

જાણો શું છે લોથલનો ઇતિહાસ
લોથલ ગુજરાતના પ્રાચીન વારસાનું એક મહત્વપૂર્ણ સ્થળ છે. લોથલ એ સિંધુ ખીણની સંસ્કૃતિનું દક્ષિણનું સ્થળ છે, જે બહાઈ પ્રદેશમાં સ્થિત હતું. તે આજના સમયમાં ગુજરાત તરીકે ઓળખાય છે. ભાલ વિસ્તારમાં આવેલા લોથલની શોધ 1954માં નવેમ્બર મહિનામાં કરવામાં આવી હતી. લોથલ શબ્દનો અર્થ મૃત્યું પામેલા એવો થાય છે. લોથલને એપ્રિલ 2014માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે નોમિનેટ કરવામાં આવ્યું છે.

લોથલને ખૂબ જ જૂની સંસ્કૃતિનું સ્થળ ગણવામાં આવે છે, જેનો સમયગાળો 2450 થી 1900 સુધીનો હોવાનું પણ માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં લોથલ એક મહત્વપૂર્ણ અને સમૃદ્ધ વેપારીમથક હતું. એવું પણ કહેવામાં આવે છે કે લોથલમાં માનવવસ્તીનો સૌથી પ્રથમ વસવાટ થયો હતો. ત્યારબાદ 2350 માં જ્યારે કુદરતી હોનારત સર્જાઇ ત્યારે તમામ ઘર અને આવાસો નાશ પામ્યા હતા. ત્યારબાદ એક ઉંચા ટેકરા પર નવું નગર વસાવવામાં આવ્યું હતું.

અહીં પ્રાપ્ત થયેલા અવશેષોના આધારે જાણવા મળે છે કે લોથલમાં વર્ષો પહેલાં સુઆયોજિત નગર-વ્યવસ્થા હતી. તે સમયગાળા મોટા અને વિશાળ મકાનો હતા. સુવ્યવસ્થિત નગર રચના જોવા મળે છે, જેમાં બજારો, રસ્તાઓ, ગટર વ્યવસ્થા, તે સમયના લોકોની સુઝબુઝનો પરિચય આપે છે. ખાસ કરીને અહીંના મકાનો ભઠ્ઠીમાં પકવેલી ઈંટોમાંથી બનાવવામાં આવ્યા હતા.