શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગુરૂવારે સાંજે 6.42 વાગ્યે મહારાષ્ટ્રના 19મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. મુંબઈના ઐતિહાસિક શિવાજી પાર્ક મેદાનમાં આયોજિત ભવ્ય શપથગ્રહણ સમારંભમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ઉદ્ધવ ઠાકરેને શપથ અપાવ્યા હતા. આ સાથે 59 વર્ષીય ઉદ્ધવ ઠાકરે પરિવારમાંથી પહેલી વખત કોઈ મુખ્યમંત્રી બન્યું છે. જય ભવાની જય શિવાજીના ગગનભેદી નારાથી ગાજી ઉઠેલા શિવાજી- પાર્કના વિશાળ મેદાનમાં હજારોની સંખ્યાની મેદની વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ મંચ પરથી નતમસ્તક કરીને જનતાના આર્શીવાદ લીધા હતા. આમ હિંદુ હૃદય સમ્રાટ શિવસેના દિવંગત પ્રમુખ બાળાસાહેબ ઠાકરેનું મહારાષ્ટ્રમાં શિવસેનાના મુખ્યપ્રધાન બનાવવાનું સ્વપ્ન સાકાર કર્યું હતું.
આ સાથે જ રાજ્યમાં છેલ્લા એક મહિનાથી ચાલતા સરકાર રચવાના સંઘર્ષનો અંત આવ્યો હતો અને શિવસેના- એન.સી.પી.- કોંગ્રેસના ગઠનબંધન મહાવિકાસ આઘાડીએ ‘ત્રિરંગી’ સરકારે સત્તા ગ્રહણ કરી હતી. શપથ લીધા પછી ઉદ્ધવ ઠાકરેએ સહપરિવાર સિદ્ધિવિનાયકના દર્શન કરી ભગવાન ગણેશની આરતી ઉતારી હતી. ઉદ્ધવ ઠાકરેએ સહ્યાદ્રી ગેસ્ટહાઉસ ખાતે કેબિનેટ બેઠક બોલાવી કામગીરી શરૂ કરી દીધી હતી. શિવસેનાના પહેલા મુખ્યપ્રધાન મનોહર જોશીએ ચોવીસ વર્ષ પહેલાં શપથ લીધા હતા. એ સ્થળે ઠાકરે પરિવારના પહેલા વ્યક્તિ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યપ્રધાન તરીકે સોગંદ લીધા હતા. અરબી સમુદ્રના કાંઠે શિવાજી પાર્કમાં ઉમટેલા ‘જનસાગર’ને ઉદ્ધવ ઠાકરેએ મંચ પરથી નમન કર્યું હતું. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સહિત કેબિનેટ મંત્રી તરીકે શિવસેનાના વિધાનસભ્ય એકનાથ શિંદે, સુભાષ દેસાઈ, એન.સી.પી.થી છગન ભુજબળ, જયંત પાટીલ તેમજ કોંગ્રેસ તરફથી વિજય ઉર્ફે બાળાસાહેબ થોરાત તથા ડૉ. નિતીન રાઉતે શપથ લીધા હતા.
ઠાકરે સરકારમાં નાયબ મુખ્યમંત્રી અને અધ્યક્ષના નામ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. સૂત્રો મુજબ નાયબ મુખ્યમંત્રીપદ એનસીપી તથા સ્પીકરપદ કોંગ્રેસના ફાળે ગયું છે. મહાવિકાસ ગઠબંધનના ભાગરૂપ કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ ઉદ્ધવ ઠાકરેના શપથ સમારંભમાં હાજર ન રહેવાનો નિર્ણય કર્યો હતો. જોકે, તેમણે ઉદ્ધવ ઠાકરેને શુભેચ્છા પાઠવી હતી. ઠાકરે પરિવાર માટે મુંબઈનું શિવાજી પાર્ક હંમેશા મહત્ત્વનું રહ્યું છે. આ એ જ મેદાન છે જ્યાંથી તાજેતરમાં શિવસેનાની દશેરા રેલીમાં પાર્ટીના નેતા સંજય રાઉતે જાહેરાત કરી હતી કે મહારાષ્ટ્રના આગામી મુખ્યપ્રધાન શિવસેનાના જ હશે. શિવસેનાના પ્રમુખ દિવંગત બાળાસાહેબ ઠાકરેના અંતિમ સંસ્કાર પણ અહીં જ કરાયા હતા. શપથ ગ્રહણ સમારોહ માટે જ્યાં સ્ટેજ પુણેના શનિવાર પેઠના આબેહૂબ બનાવવામાં આવ્યું હતું તેની પાછળ જ શિવાજી મહારાજની મોટી પ્રતિમા છે. તે સાથે જ બાળાસાહેબ ઠાકરેનું સ્મારક પણ બનાવવામાં આવ્યું હતું.
શિવસેનાએ શપથના દિવસને 15 ઓગસ્ટ 1947 સાથે સરખાવ્યો
મહારાષ્ટ્રમાં શિવસેના ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળ મહાવિકાસ આઘાડી સરકાર રચી રહી છે. ઉદ્ધવ ઠાકરે શપથ લેવાના હોવાથી આજે નવો સૂર્યાદય થઈ રહ્યો હોવાનું શિવસેનાના મુખપત્ર સામના તંત્રી લેખમાં લખવામાં આવ્યું છે. સાથોસાથ મહારાષ્ટ્રમાં જ નહિં આખા દેશમાં 15 ઓગસ્ટ 1947 એટલે કે આઝાદીના દિવસ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ઉદ્ધવ ઠાકરે મુખ્યપ્રધાન પદે બિરાજમાન થઈ રહ્યા છે. તે મહારાષ્ટ્રનું ભાગ્ય છે. આ સમારંભથી મરાઠી માણસ ધન્યતા અનુભવ કરનારો છે, એમ તેમાં લખવાાં આવ્યું છે. ઉદ્ધવ ઠાકરેની ખાસિયત અંગે લખવામાં આવ્યું છે કે બહાર ગમે તેટલું તોફાન હોય તેમ છતાં તેઓ શાંત રહે છે અને શાંત રહેવા પર તોફાન ઊભુ કરી દે છે. આ ઉપરાંત ઉદ્ધવ ઠાકરે કોઈના દબાણ આગળ ન ઝૂક્યા, સ્વાભિમાનને ગિરવે ન રાખ્યું તેમજ ઢોંગીઓ સાથે હાથ ન મિલાવ્યો તેવું પણ લખવામાં આવ્યું છે. આ સિવાય ઉદ્ધવ ઠાકરે કોઈપણ જવાબદારી સ્વીકારે છે તો પૂરા મનથી તેને પૂરી પણ કરે છે, એવો લોકોમાં વિશ્વાસ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.