ભવ્ય લગ્ન સમારોહ ‘ચુંદડી મહિયરની’ સંપન્ન: બે દિવસમાં પિતા વિહોણી 300 દીકરીઓએ લીધી વિદાય- આવતા વર્ષે આ નામથી થશે લગ્નોત્સવ

સુરત(Surat): પી.પી.સવાણી ગ્રુપ(PP Savani Group) આયોજિત “ચુંદડી મહિયરની” લગ્નોત્સવનો ચોથો તબક્કો ગઈકાલે સાંજે કન્યા વિદાયથી સંપન્ન થયો હતો. પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ ખાતે પિતાવિહોણી દીકરીઓનું લગ્ન સમારોહમાં દીપ પ્રાગટ્ય જે કોરોનાકાળમાં ગંગા સ્વરૂપ થયેલી બહેનોના હસ્તે કરાવીને સામાજિક સંદેશ આપ્યો હતો. પી.પી.સવાણી પરિવારે દરેક ધર્મ અને જ્ઞાતિની દીકરીઓના લગ્નનું આયોજન કરી સામાજિક એકતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

લગ્નસમારોહમાં જે પિતા વિહોણી દીકરીઓના લગ્ન થયા છે, તે તમામ દીકરીઓનું જે ઘરે સાસરે જવાની છે, તેમના સાસુ-સસરા દ્વારા આ દીકરીઓનું શક્તિ અને લક્ષ્મી સ્વરૂપ માનીને દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું. જેમાં પી.પી.સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી(Maheshbhai Savani), વલ્લભભાઈ સવાણી(Vallabhbhai Savani) તથા માનવંતા મહેમાનો સહભાગી બન્યા હતા. દીકરી એટલે ઈશ્વરે આપેલું કન્યાદાન.

દીકરી જન્મે ત્યારથી એનો પરિવાર એના ઘરસંસારની ચિંતા કરતા હોય છે. કમનસીબે આવી દીકરીઓના જીવનમાં અચાનક કરુણા સર્જાઈ અને પિતાની છત્રછાયા માથેથી હટી જાય ત્યારે અંધારું છવાઈ જતું હોય છે. આવા સમયે આવી દીકરીઓના લગ્ન ધામધૂમથી કરાવી આપવાનું અદ્ભુત અને સંવેદનસભર કાર્ય છેલ્લા એક દાયકાથી કરે છે. એ જ કડીમાં આ વર્ષે ચુંદડી મહિયરની નામે પિતા વિહોણી ૩૦૦ દીકરીઓના લગ્ન પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલના આગણે યોજાયા હતા. મહેશભાઈ સવાણી હવે લગભગ ૫૦૦૦ જેટલી પિતા વિહોણી દીકરીઓના પાલક પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવે છે

લગ્ન સમારોહમાં સ્વાગત પ્રવચન કરતા પી.પી.સવાણી પરિવારના મહેશભાઈ સવાણી દીકરીઓનું અમુલ્ય મહિમાનું દર્શન કરાવ્યું. એમણે જણાવ્યું હતું કે દીકરી અને અગરબત્તી બન્ને સરખા, જે અન્યના જીવનને સુગંધિત કરે છે. દીકરી એ ત્યાગની પ્રતિમા છે. વેવાઈઓને વિનંતી કરી કે આ પિતાવિહોણી દીકરીઓના માતા-પિતા બનીને તેઓના સ્વપ્ન સાકાર કરશો. દીકરીઓને મન ભરીને જીવવાની પ્રેરણા આપીને કહ્યું હતું કે દીકરી તું ત્રણ પેઢી તારજે.

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આજે પિતા વિહોણી દીકરીઓને કન્યાદાન કર્યું હતું. આ પ્રસંગે મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, આ પ્રસંગ અને આ કાર્ય એ પરિવાર ભાવનાનું, સર્વધર્મ સમભાવનું શ્રેષ્ઠ ઉદાહરણ સમાજ સમક્ષ પ્રસ્તુત કર્યુ છે. સમૂહ લગ્ન આખા દેશમાં અનેક જગ્યાએ થાય છે પણ એ એક વિધિ કે ઔપચારિકતા જેવા હોય છે આજે મેં જે જોયું છે એ અભૂતપૂર્વ છે. ગયા જન્મમાં કરેલા અનેક પુણ્ય કર્યો કરનારને આ કામ કરવાનો અવસર મળ્યો હશે. એમણે દિલ્હી સરકાર અને દિલ્હીવાસીઓ વતી સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમમાં આપ નેતા ગોપાલ ઈટાલીયા, ઇસુદાન ગઢવી, મનોજ સોરઠીયા જેવા અનેક આગેવાન હાજર હતા. સમાજના અનેક અગ્રણીઓની સાથે આજના લગ્ન સમારોહમાં ડોક્ટર, સી.એ., વકીલ, પત્રકાર જેવા આગેવાનોના હાથે કન્યાદાન કરવામાં આવ્યું હતું.

આગામી વર્ષમાં લગ્નોત્સવનું નામ “દીકરી જગત જનની” જાહેર કરવામાં આવ્યું. સમાજ માટે કરવામાં આવેલી સામાજિક સેવા માટે સમાજ અગ્રણીઓ  લવજીભાઈ બાદશાહ, મનહરભાઈ સાસપરા, કેશુભાઈ ગોટીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ભારતની આઝાદી બાદ શરૂ થયેલ અખંડ ભારતની મુહિમ સૌ પ્રથમ પોતાનું રજવાડું સોંપનાર પ્રજા વત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીના વારસદાર અને ભાવનગર રાજયના યુવરાજ સાહેબ જયવીરરાજસિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને એમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત રબર ગર્લ તરીકે જાણીતી અવની જાજંરૂકીયાની વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એક મુક- બધીર દીકરીએ મહેશભાઈનું તેલચિત્ર બનાવીને અર્પણ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *