ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ: 8 શહેરમાં 16 ડિગ્રીથી નીચે તાપમાન, જાણો હવામાન વિભાગની આગાહી

Unseasonal Rain Forecast: હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે. આગામી કલાકોમાં રાજ્યમાં વરસાદી માહોલ (Unseasonal Rain Forecast) જામે તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતથી લઇને મધ્ય ગુજરાત અને અને દક્ષિણ ગુજરાતથી લઇને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની શકયતાઓ છે.

આગામી 48 કલાકમાં ભારે માવઠાની આગાહી
હવામાન વિભાગે ભારે વરસાદને લઇને ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે. આગામી 48 કલાકમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં 40થી 50 કિલોમીટર પવન સાથે કરા પડવાની આગાહી છે. જ્યારે આવતીકાલે એટલે કે 28 ડિસેમ્બરે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કરા પડવાની આગાહી છે.

ઉત્તર ગુજરાતમાં માવઠાથી થઈ શકે છે ભારે નુકસાન
બીજી તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું અનુમાન છે કે માવઠાની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં જોવા મળી શકે છે. સાબરકાંઠા અને બનાસકાંઠામાં માવઠું ભારે નુકસાન કરી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ થઇ શકે છે.

રાજ્યમાં બે-ત્રણ દિવસ દરમિયાન ધુમ્મસભર્યું વાતાવરણ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઇસાનના ચોમાસાની અસરને કારણે રાજસ્થાનના ઉત્તર-મધ્ય ભાગો ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેને બંગાળની ખાડી તરફથી પૂરતો ભેજ મળી રહ્યો છે, જેને કારણે આ સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત બન્યું છે. જેથી રાજ્યમાં બે-ત્રણ દિવસ દરમિયાન ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી શકે છે.ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં 27મી તારીખે માવઠાની તીવ્રતા વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોર્ડર લાગુ એક-બે સેન્ટર એવા હશે જ્યાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી પણ થઈ શકે છે. જ્યાં ગાજવીજ અને પવન સાથે તીવ્ર માવઠું થઈ શકે છે. જ્યારે બીજા વિસ્તારોમાં હળવા ઝાપટા પડી શકે છે.

અરવલ્લીમાં પડ્યો વરસાદ
રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતનાં જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. અરવલ્લી જિલ્લાનાં જિલ્લાના માલપુર, મેઘરજ, ઉભરાણમાં વરસાદ મોડી રાતે વરસાદ પડ્યો છે,સાથે સાથે ભિલોડાના સુનોખ, વશેરા કંપામાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. આ વરસાદ ખેતીપાકો માટે આફત બનીને આવ્યો છે અને ખેડૂતોના તૈયાર થયેલ પાકમાં પાણી ફરી વળ્યું છે.

આ વિસ્તારમાં કમોસમી ઝાપટા પડ્યા
હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદી ઝાપટા પડયા છે. જિલ્લાનાં ચાંદરણી, ગાંધીપુરા, મોરડુંગરા, ચાંપલાનાર ગ્રામ્ય વિસ્તારોમા બદલાયેલા વાતાવરણની વચ્ચે વહેલી સવારે વરસાદી છાંટા પડ્યા છે. ઉપરાંત જિલ્લાનાં રૂપાલકંપા, બાવસર, ટીંબા કંપા, હાથરોલ ગામોમાં રાતનાં સમયે કમોસમી વરસાદી ઝાપડાં પડયા છે. કમોસમી વરસાદથી ઘઉં, રાયડો, બટાકા સહિતના રવિ ખેતી પાકોને નુકસાન થવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.