ગુજરાતમાં હજુ ત્રણ દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી, નોંધી લેજો આ તારીખો…

Gujarat Unseasonal Rains: ગુજરાતમાં હજી પણ આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પણ રાત્રે 10 વાગ્યા સુધી હવામાન વિભાગ (Gujarat Unseasonal Rains) દ્વારા રાજકોટ, જામનગર, કચ્છ સહિત 10 જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, કચ્છ, રાજકોટ જિલ્લામાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વાવાઝોડા અને વીજળી સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે. રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં વરસાદની શક્યતા છે.

વિસનગર પંથકમાં કમોસમી વરસાદ
વિસનગરમાં પણ જોરદાર વરસાદ ચાલુ થયો છે. આખા દિવસના ઉકળાટ બાદ ભારે વરસાદ પડ્યો હતો. તાલુકાના તરભ ગામ નજીક ભારે વરસાદ જોવા મળ્યો છે.

અરવલ્લીના ભિલોડા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ
સાંજના સમયે અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. લીલછા, જુમસર, સુનસર, અને ભિલોડામાં વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદના કારણે બાજરી અને મકાઈના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

સાબરકાંઠાના ઈડરમાં બે કલાકમાં પોણા ચાર ઈંચ વરસાદ
સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જિલ્લાના ઈડર, વડાલી, ખેડબ્રહ્મા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો. ઈડરનમાં બે કલાકમાં પોણા ચાર ઈંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.

રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાયા
કોટડાસાંગાણી તાલુકાના નવી ખોખરી, જૂની ખોખરી, ભાડવા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સતત ત્રીજા દિવસે કમૌસમી વરસાદ જૂની ખોખરીના સિમ વિસ્તારમા ખેતરોમાં પાણી ભરાયા.

જુનાગઢમાં સતત ત્રીજા દિવસે વરસાદ
જૂનાગઢ શહેર અને ભવનાથ વિસ્તારમાં આજે ધોધમાર વરસાદ થયો હતો. કાળવા ચોક, ચિતાખાના ચોક, મોતીબાગ સહિતના વિસ્તારોમાં રસ્તા પર પાણી ફરી વળ્યાં. બપોર બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસેલા વરસાદે સમી સાંજ સુધી વરસાદી માહોલ જળવાઈ રહ્યો. ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ નોંધાયો છે. સતત વરસતા કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા વધી છે અને ઉભા પાક તથા બાગાયતી પાકોને નુકસાન થવાની ભીતિ વધી છે.

બનાસકાંઠાના પાલનપુરમાં ભારે પવન સાથે વરસાદ
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પંથકના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. પાલનપુર અને વડગામના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. પાલનપુરનાધનિયાણા ચોકડીના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે.