જગતના તાતના મોઢે આવેલો કોળીયો છીનવાયો: કમોસમી વરસાદથી સેંકડો ખેડૂતોને થયું મોટા પાયે નુકસાન; જુઓ વિડીયો

Unseasonal Rain: રાજ્યમાં કમોસમી વરસાદથી ઉનાળુ પાકને મોટા પાયે નુકસાન થયું છે. પંચમહાલ જિલ્લામાં પવન અને માવઠાને કારણે બાજરી, મગ સહિત ઘાસચારાને મોટા પાયે નુકસાન થયું છે.ગોધરા, કાલોલ તાલુકાનાં વિસ્તારમા ઉનાળુ ખેતી પાકને મોટા ભાગે નુક્શાન થયું છે.સાથે જ અમદાવાદ, સુરત, રાજકોટ, ભરૂચ, અમરેલી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર, વલસાડ સહિત જિલ્લાઓમાં વૃક્ષો ધારાશાયી(Unseasonal Rain) થવાની સાથે ઠેર-ઠેર લાગેલાં હોડિંગ્સ અને બેનરો ફાટ્યાં હોવાનાં દૃશ્યો સામે આવ્યાં છે.તો બીજી તરફ કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. પાકને નુકસાન પહોંચતા ખેડૂતો માટે સંકટના વાદળ સર્જાયા છે. ભર ઉનાળે વરસાદ અને તે પણ તેજ પવન સાથે મિનિ વાવાઝોડાની સ્થિતિએ ખેડૂતોની કમર તોડી નાખી છે.

દક્ષિણ ગુજરાતમાં ખેડૂતના તૈયાર પાકને નુકસાન
ગઈકાલે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો દેખાયો હતો. હવામાન વિભાગ દ્વારા પહેલાંથી જ 16 મે સુધી પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરી દેવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ ઊભી થતા ખેતીના પાકોને ભારે નુકસાન થયું છે. ગુજરાતમાં ભારે પવન ફુંકાતા અને વરસાદ થતાં ખેડૂતને તૈયાર પાક પરથી હાથ ધોવાનો વારો આવ્યો છે. આજે 14 મેના રોજ પણ વહેલી સવારથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણમાં જોવા મળતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.

કુલ 18 વૃક્ષ તૂટી પાડ્યા હતા
શહેરના અલગ અલગ વિસ્તારમાં કુલ 18 વૃક્ષ તૂટી પાડ્યા હતા. સેન્ટ્રલ ઝોનમાં 4, રાંદેર 9, લિંબાયત 1, કતારગામ 3 અને વરાછામાં 1 ઝાડ પડ્યું હતું. ફાયરના કર્મચારીઓ આખી રાત દોડતા રહ્યાં હતાં. અડાજણમાં એક મહાકાય વૃક્ષ ઘર પર પડ્યું હતું. જેના લીધે ભારે નુકસાની થઈ હતી. ફાયર ઓફિસર સંપત સુથારે જણાવ્યું હતું કે, અડાજણની સુગમ સોસાયટીમાં વૃક્ષ ઘર પર તૂટી પડ્યું હતું. જેના પગલે 3થી 4 લાખનું નુકસાન થયું હતું. કોઈ જાનહાનિ થઈ નથી.

સુરત ફાયર વિભાગે કંટ્રોલ રૂમ શરૂ કર્યો
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે પવનો સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના ભાગરૂપે સુરત શહેર ફાયર વિભાગ એલર્ટ મોડ ઉપર છે. ફાયર વિભાગ દ્વારા એક્સ્ટ્રા એક કંટ્રોલરૂમ ઊભું કરવામાં આવ્યું છે. ફાયર કંટ્રોલ રૂમ અધિકારી દિપલ સ્કપાલએ કહ્યું કે, તમામ કર્મચારીઓ એલર્ટ મોડ પર રાખી દેવામાં આવ્યાં છે. જેથી કોઈપણ કામગીરી હોય તો તાત્કાલિક કરી શકાય. સાથે જ લોકોને કોઈ અગવડ ન પડે તે માટેની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે.

માવઠાંના લીધે ઉનાળું પાકને નુકસાન, વળતર આપવા ખેડૂતોની માંગ
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી ઉનાળું પાકને નુકસાન થયું છે. તલ, મગ સહિત બાગાયતી પાક અને કેરીને નુકસાન પહોંચ્યું છે. જેથી નુકસાનનો સર્વે કરવાની ખેડૂતોએ માગ કરી છે. ખેડૂત આગેવાન જયેશ પટેલે કહ્યું કે, સર્વે કરી સરકારે ખેડૂતોને વળતર આપવું જોઈએ. હાલ તલ અને મગ પાક પર છે. જ્યારે આંબા પર મોટી સંખ્યામાં કેરી લાગી છે. વાવાઝોડાના કારણે કેરીઓ આંબા પરથી ખરી પડી છે. જેથી તાત્કાલિક સરકારે વળતર આપવું જોઈએ.

માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવાની સૂચના
કૃષિ મંત્રીએ ખેતીવાડી વિભાગને માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવાની સૂચના આપી દીધી છે. કમોસમી વરસાદની આગાહીને લઈ ખેડૂતોને સતર્ક રહેવા અપીલ કરાઇ છે. ખેડૂતોને ખેતીપાકોને ઢાંકીને રાખવા કૃષિ વિભાગે સૂચના આપી હતી. 17 મે બાદ નુકસાનીનો રિપોર્ટ આવવાની શક્યતા છે. માવઠાથી ખેતી પાકોને વ્યાપક નુકસાનીનો અંદાજ છે. મુખ્યમંત્રીએ ગતરાત્રિના રોજ ઉચ્ચ અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. કૃષિમંત્રીએ કહ્યું હતું કે રાજ્યમાં ઉદભવેલી સ્થિતિ અંગે સરકાર ચિંતિત છે.