પહલગામ આતંકી હુમલાની અસર: સપ્ટેમ્બરમાં રમાનારા એશિયા કપને લઈને મોટું અપડેટ, જાણો વિગતે

Asia Cup 2025: IPL 2025 પછી ટીમ ઈન્ડિયા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વ્યસ્ત રહેશે. ભારતીય ટીમને ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો છે, જ્યાં ટેસ્ટ શ્રેણી રમવાની (Asia Cup 2025) છે. આ પછી, બાંગ્લાદેશનો પ્રવાસ સુનિશ્ચિત થયેલ છે, જેમાં ODI અને T20 શ્રેણીનું આયોજન કરવામાં આવશે. પરંતુ હવે આ પ્રવાસ પર ખતરો મંડરાઈ રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ પ્રવાસનો બહિષ્કાર થઈ શકે છે અને આ શ્રેણી રદ્દ થઈ શકે છે. આનું કારણ બાંગ્લાદેશ તરફથી તાજેતરના આક્રમક અને ભારત વિરોધી નિવેદનો માનવામાં આવે છે.

ભારત-બાંગ્લાદેશ વચ્ચે ODI-T20 શ્રેણી
હાલના દિવસોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સૌથી ખરાબ તબક્કામાં છે. પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ બંને દેશો વચ્ચે યુધ્ધની સ્થિતિ ઉભી થઈ છે. આવા સમયે, ભારત-પાકિસ્તાન ક્રિકેટની સતત ચર્ચા થઈ રહી છે અને એવું માનવામાં આવે છે કે હવે ભારતીય ટીમ ICC ઈવેન્ટ્સ અથવા એશિયા કપ જેવી ટુર્નામેન્ટમાં પણ પાકિસ્તાન સાથે રમવાનો ઈનકાર કરી શકે છે. પરંતુ માત્ર ભારત-પાકિસ્તાન જ નહીં, ભારત-બાંગ્લાદેશ વચ્ચે પણ હાલ પરિસ્થિતિ સારી નથી અને તે બંને દેશોના ક્રિકેટને અસર કરી શકે છે.

બાંગ્લાદેશના નિવેદનોથી ભારત નાખુશ
હકીકતમાં, ગયા વર્ષે થયેલા બળવા પછી બાંગ્લાદેશમાં અશાંતિનો માહોલ છે. હિન્દુ લઘુમતીઓ પર થતા અત્યાચારોને કારણે ભારતમાં પણ બાંગ્લાદેશ વિરુદ્ધ વાતાવરણ છે. આમ છતાં બાંગ્લાદેશની ટીમ ગયા વર્ષે ભારતની મુલાકાતે આવી હતી.

જે બાદ બંને ટીમો આ વર્ષે ફેબ્રુઆરીમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ટકરાઈ હતી. પરંતુ થોડા દિવસો પહેલા જ બાંગ્લાદેશ સરકારના નજીકના એક ભૂતપૂર્વ લશ્કરી અધિકારીએ ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યો પર કબજો કરવા અંગે નિવેદન આપીને તણાવ વધાર્યો હતો, જેના પર ભારત સરકારે પણ આકરી પ્રતિક્રિયા આપી હતી.

બાંગ્લાદેશ પ્રવાસ રદ્દ થઈ શકે છે
તેની અસર હવે ભારત-બાંગ્લાદેશ ક્રિકેટ પર જોવા મળી શકે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલમાં સૂત્રોના હવાલેથી દાવો કરવામાં આવ્યો છે કે બાંગ્લાદેશ પ્રવાસ ચોક્કસપણે ટીમ ઈન્ડિયાના કેલેન્ડરનો એક ભાગ છે, પરંતુ તેના પર હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. સૂત્રોના હવાલેથી એવું પણ કહેવામાં આવ્યું છે કે હાલના સંજોગોને જોતા ટીમ ઈન્ડિયા આ પ્રવાસ માટે બાંગ્લાદેશ ન જાય તેવી પ્રબળ શક્યતા છે. તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ODI અને T20 શ્રેણી રમવાની છે.