ફરી 8 ગુજરાતીઓ સહિત 119 ગેરકાયદે ભારતીયોને અમેરિકાએ ડિપોર્ટ કર્યા; અમૃતસરમાં પહોંચશે આજે બીજું વિમાન

US Deportation: વધારે કમાવા માટે અને ડોલરની ઘેલછામાં કંઈ પણ કરીને અમેરિકા જવા માગતા લોકોની કેવી હાલત થાય છે તે વધુ એકવાર જોવા મળશે. અમેરિકાનું (US Deportation) સૈન્ય કાર્ગો પ્લેન શનિવારે (15 ફેબ્રુઆરીએ) વધુ 120 લોકોને લઈને ભારત આવી રહ્યું છે. રાત્રે લગભગ 10 વાગ્યે અમૃતસર એરપોર્ટ પર આવી પહોંચશે, જેમાં કુલ 120 લોકોને બીજા તબક્કામાં ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. આ ડિપોર્ટ થઈ રહેલા લોકોમાં 8 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે.

અમેરિકાએ મેક્સિકો સહિતની બોર્ડર પર ગતિવિધિ તેજ કરી
અમેરિકાએ આ પહેલા 5 ફેબ્રુઆરીએ 104 લોકોને ડિપોર્ટ કર્યા હતા જેમાં ગુજરાતના 33 લોકોનો સમાવેશ થતો હતો. જેઓ ગેરકાયદે અમેરિકામાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને રોકવા માટે અમેરિકાએ મેક્સિકો સહિતની બોર્ડર પર ગતિવિધિ તેજ કરી દીધી છે.

અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા અને પકડાયેલા લોકોને જે તે દેશમાં ડિપોર્ટ કરવા માટે ટેક્સાસમાં અમેરિકાએ તખ્તો ગોઠવ્યો છે. ફેબ્રુઆરીની શરુઆતમાં જેમને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા તેમના હાથ અને પગમાં સાંકળો બાંધેલી જોવા મળી હતી હવે આ વખતે પણ આવી સ્થિતિમાં જ ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવશે કે કેમ તે જોવાનું રહેશે કારણ કે જે રીતે લોકોને લવાયા હતા તેની સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.

ગુજરાતના 8 લોકો કરશે વાપસી
અમેરિકાથી આવી રહેલા લોકોમાં ઉત્તરપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, દિલ્હી, ચંદીગઢથી કબૂતરબાજીથી ગયેલામાં લોકોનો સમાવેશ થાય છે. શનિવારે રાત્રે આવનારી ફ્લાઈટમાં ગુજરાતના જે લોકોનો સમાવેશ થાય છે તેમાં કલોલ, અમદાવાદ, માણસાના રહેવાસી છે. આ લિસ્ટમાં એક પરિવાર પણ છે કે જેમની સાથે એક બાળકનો પણ સમાવેશ થાય છે. ગુજરાત આવી રહેલા 8 લોકોમાં સ્ત્રી અને 8 પુરુષોનો સમાવેશ થાય છે, પરત આવી રહેલા તમામ લોકોની ઉંમર 35ની અંદર છે જ્યારે બે બાળકો પણ છે જેમની ઉંમર 7 અને 6 વર્ષ છે. આ લિસ્ટમાં ત્રણ યુવાનો એવા છે કે જેમની ઉંમર 20, 19 અને 18 વર્ષ છે. અમેરિકા તેના સૈન્ય કાર્ગો પ્લેન દ્વારા આ લોકોને અમૃતસર પહોંચાડશે.

150થી વધુ લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા
બીજા તબક્કામાં અમેરિકાથી ડિપોર્ટ થયેલા લોકોને શનિવારે પરત ભારત મોકલવામાં આવી રહ્યા છે, જે બાદ રવિવારે પણ એક ફ્લાઈટ આવી રહી છે જેમાં પણ 150થી વધુ લોકોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં પણ ગુજરાતના લોકોનો સમાવેશ થાય છે. અમેરિકામાં સત્તામાં આવતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ઈલીગલ ઈમિગ્રન્ટ્સને પરત મોકલવાનો રેકોર્ડ બનાવવાની વાત કરી હતી, તેમણે સત્તામાં આવતા જ યુએસ બોર્ડર પેટ્રોલ અને ઈટેલિજન્સને આ દિશામાં કામ કરવાની સૂચના આપી દીધી હતી.