ગીર-સોમનાથમાં જળબંબોળ: સુત્રાપાડામાં 21 ઈંચ વરસાદ, નદીઓ થઈ ગાંડીતૂર, ઘરોમાં ઘુસ્યા પાણી- જૂઓ મેઘ તાંડવના દૃશ્યો

Heavy rain in Sutrapada of Gir Somnath: ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ પણ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગની આગાહીને અનુસાર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 163 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં(Heavy rain in Sutrapada of Gir Somnath) મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી છે. ગીર સોમનાથ જિલ્લામાં આભ ફાટ્યું છે. સુત્રાપાડામાં 24 કલાકમાં 21.5 ઈંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે.

ચારેબાજુ પાણી-પાણી જ જોવા મળી રહ્યું છે. વેરાવળની દેવકા નદીમાં ભારે પૂર આવ્યું છે. ગીરની હિરણ નદી ગાંડીતૂર બની છે. સૂત્રાપાડા અને વેરાવળમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. લોકોની ઘરવખરી પાણીમાં પલળી જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નાના-મોટા વાહનો પાણીમાં ડૂબી ગયા ગયા છે. ભારે વરસાદને કારણે વેરાવળની તમામ શાળાઓ, કોલેજો અને ટયુશન કલાસીસમાં રજા જાહેર કરાઇ છે.

સોનારીયા ગામની સ્થિતિ ભયંકર
ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડતા વેરાવળ-કોડીનાર હાઈવે પણ બંધ કરાયો છે. સુત્રાપાડા ફાટક નજીક હાઈવે પર પાણી ફરી વળ્યું છે. જેના કારણે હાઈવે બંધ કરાયો છે. આ ઉપરાંત ડાભોર રોડ પર પાણી ભરાયા છે. ધોધમાર વરસાદના કારણે હીરણ નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે સોનારીયા ગામમાં નદીના પાણી ઘૂસી ગયા છે.

સોનારીયા ગામમાં હાલ ઉપર આભ નીચે પાણી જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આખુ ગામ હીરણ નદીના પાણીથી બેટમાં ફેરવાઈ ગયું છે. નાના મોટા અંસંખ્ય વાહનો ડૂબી ગયા છે તો કેટલાય પાણીમાં તણાઈ ગયા છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે પી.એસ.વાડીયા પંપની બાજુમાં પુલ તૂટ્યો છે. સોનારીયા નજીક પણ પુલ તૂટ્યો છે.

ગીરની હિરણ નદી ગાંડીતૂર બની
ગીર પંથકમાં મૂશળધાર વરસાદના કારણે ગીરની હિરણ નદી ગાંડીતૂર બની છે.તાલાળામાં હિરણ નદીના પૂરનાં પાણી ઘૂસ્યા છે. નરસિંહ ટેકરી, આંબેડકર નગર, ગુંદરણ ચોકડી વિસ્તારમાં પાણી ઘૂસ્યા છે. નદીકાંઠા નજીકના વિસ્તારોમાં ભરાયા પાણી છે. પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. લોકોને સ્થળાંતર કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે.

દેવકા નદીનું પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યું
ગીર સોમનાથના વેરાવળમાં આખી રાત ધોધમાર વરસાદ પડ્યો છે. વેરાવળમાં 24 કલાકમાં 15 ઈંચ વરસાદ પડતા દેવકા નદી બે કાંઠે વહેતી જોવા મળે છે. વેરાવળની દેવકા નદીનું પાણી રહેણાંક વિસ્તારમાં ઘુસી ગયું છે. વેરાવળની ભાલકા સોસાયટીના અનેક ઘરોમાં પાણી ભરાયા છે. લોકોની ઘરવખરી પાણીમાં પલળી જતાં લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

ધારાસભ્ય ભગવાન બારડ લોકોની મદદે પહોચ્યા
જિલ્લામાં ભારે વરસાદને કારણે હિરણ ડેમ મોડી રાત્રે જ ખોલવો પડ્યો હતો. ડેમના દરવાજા રાત્રે જ ખોલવા પડ્યા હતા. ભારે વરસાદને પગલે ધારાસભ્ય ભગવાન બારડ ટ્રેક્ટર લઈ ગ્રામ્ય વિસ્તારમાં લોકોની મદદે પહોચ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *