અમેરિકામાં આડેધડ ફાયરિંગમાં વડોદરાના યુવાનનું મોત: પત્ની બચાવવા દોડી પણ…જાણો સમગ્ર ઘટના

America Accident: અમેરિકાના ગેસ સ્ટેશન પર થયેલા આડેધડ ગાળી બારમાં વડોદરાના યુવકનું મોત થયું છે. નોર્થ કેરોલિના પોલીસે આ મામલામાં(America Accident) ગોળીબાર કરનાર આરોપી સગીરની ધરપકડ કરી છે.

અમેરિકામાં ફાયરિંગમાં વડોદરાના યુવકનું મોત
અમેરિકાના નોર્થ કેરોલાઈનામાં લૂંટના ઈરાદે શૂટ કરાયેલા ગુજરાતી મૈનાંક પટેલ વિશે કેટલીક ચોંકાવનારી વાતો સામે આવી છે. મંગળવારે સવારે 11 વાગ્યાની આસપાસ મૈનાંક ઉર્ફે માઈક પટેલની લૂંટના ઈરાદે તેમના સ્ટોરમાં ઘૂસેલા એક છોકરા દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, માઈક પર ઉપરાછાપરી કેટલાક રાઉન્ડ્સ ફાયર કરવામાં આવ્યા હતા, તેમના શરીર પર પણ અનેક ગોળી વાગતા તેમનો જીવ બચી શક્યો નહિ.

બંદૂકથી મૈનાંક ઉપર આડેધડ ગોળીઓ વરસાવી
યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના ગુજરાતી દુકાનદારો અને મોટેલ માલિકો ઉપર હુમલાના બનાવો માં વધારો થયો છે ત્યારે મૂળ વડોદરાનાં અકોટા રોડ નાં રહીશ મૈનાંક નિલેશભાઈ પટેલ ઉ .36 ઉપર થયેલા ગોળીબારમાં એનું મોત નિપજ્યું છે. વડોદરામાં ધોરણ 12 સુધીનું શિક્ષણ મેળવ્યા બાદ વધુ અભ્યાસ માટે મૈનાંક અમેરિકા ગયો હતો અને બી.બી. એ નો અભ્યાસ શરૂ કર્યો હતો.અભ્યાસ પૂર્ણ થયા બાદ મૈનાંક નોર્થ કેરોલિના રાજ્યના સેલીસબરી ખાતે રહેતો હતો અને એરપોર્ટ પાસેના મિલર ચેપલ રોડ ઉપર ગેસ સ્ટેશન ખાતે સ્ટોર શરૂ કર્યો હતો.જ્યાં 13 મીના સવારે સ્થાનિક સમય મુજબ 11.15 વાગે સ્ટોર માં આવેલા બુકાનીધારી એ લૂંટના ઇરાદે પોતાની પાસે રહેલી બંદૂકથી મૈનાંક ઉપર આડેધડ ગોળીઓ વરસાવી હતી.અને ભાગી છૂટ્યો હતો.

પોલીસ પહોંચી ત્યારે મૈનાંક ગંભીર હાલતમાં હતો
રોવાન પોલીસે મીડિયા ને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે અમને મળેલા કોલ માં કોઈ બોલતું નહિ હોવાથી અમે લોકેશન નાં આધારે સ્ટોર ઉપર પહોંચ્યા હતા જ્યાં ઘાયલ મૈનાંક લોહીથી લુહાણ હાલતમાં હતો તેને સારવાર માટે તુરંત લઇ જવાયો હતો પરંતુ સારવાર વેળા મોત થયું હતું.

લોકોએ સ્ટોર પર ભેગા થઈને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
મૈનાંક પટેલ નોર્થ કેરોલાઈનાની રોવાન કાઉન્ટીમાં આવેલા સેલિસબરી સિટીમાં પોતાનો કન્વિનિયન્સ સ્ટોર ચલાવતા હતા. ટોબેકો હાઉસ કન્વિનિયન્સ સ્ટોરમાં ફાયરિંગ થયું ત્યારે માઈક પટેલ એકલા જ હતા કે કેમ તેની કોઈ વિગતો નથી મળી શકી. તેમના આકસ્મિક મોતના બીજા દિવસે તેમને ઓળખનારા લોકોએ સ્ટોર પર ભેગા થઈને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. છેલ્લી માહિતી પ્રમાણે માઈક પટેલની અંતિમ વિધિ અમેરિકામાં જ કરવામાં આવશે.

બાળક પિતાનું મોઢું જોવે તે પહેલા જ યુવકે દુનિયા છોડી
મૈનાંક ઉર્ફે માઈક પટેલ પોતાની પાછળ પત્ની અને એક દીકરીને વિલાપ કરતા મૂકી ગયા છે, એટલું જ નહીં તેમના પત્ની થોડા જ દિવસોમાં બીજા બાળકને જન્મ આપવાના છે, પરંતુ પોતાનું બીજું બાળક આ દુનિયામાં આવે તે પહેલા જ માઈક પટેલ ભરજવાનીમાં સ્વર્ગે સિધાવ્યા છે.