ગુજરાતમાં વધુ એક ગોઝારો અકસ્માત: વડોદરા બોલેરો અને બાઈકની ટક્કર થતાં 3ના કરુણ મોત

Vadodara Accident: રાજ્યમાં સતત હિટ એન્ડ રનની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે વડોદરા નજીક એક બોલેરો ચાલકે બાઇકને અડેફેટે લેતા 3 લોકોના મોત (Vadodara Accident) નીપજ્યા છે. મૃતકોમાં એક પોલીસકર્મીનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતમાં સુરેશ નેરસિંગ રાઠવા અનેહરેશ રામસિંગ રાઠવાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થઈ ગયું હતુ.

જ્યારે ગંભીર રીતે ઘાયલ મુકેશ રાઠવાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ યુવકને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. જે બાદ આ ઘટના અંગે 108ની ટિમ તથા પોલીસને જાણ થતા જ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બોલેરો અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા નજીક આવેલા ડભોઇના ગોપાલપુરા પાસે બોલેરો અને બાઇક વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ક્વાંટ ગામે લગ્નમાં હાજરી આપવા ગયેલા ત્રણ મિત્રોને પરત ફરતી વખતે બોલેરોએ ટક્કર મારી હતી.

અકસ્માતમાં મોતને ભેટેલા મુકેશ રાઠવા કપુરાઇ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવતા હતા. તેઓ મૂળ તુરખેડા જિલ્લો છોટાઉદેપુરના રહેવાસી છે.જ્યારે મૃતક સુરેશ રાઠવા અને હરેશ રાઠવા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના કનલવા ગામના રહેવાસી છે અને તેમણે તાજેતરમાં પીએસઆઇની પરીક્ષા આપી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

બોલેરો ચાલાક અકસ્માત સર્જી થયો ફરાર
અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ બોલેરો ચાલકની શોધખોળ માટે તજવીજ હાથ ધરાઇ છે.