અનડીટેકટ મર્ડરનો ગુનો ડીટેકટ કરી આરોપી તથા બાળકિશોરને ગણતરીના કલાકોમાં પકડી પાડતી વરાછા પોલીસ

Surat Crime News: સુરત શહેરના વરાછા વિસ્તારમાં શુક્રવારે રાત્રે સામાન્ય બાઇક યુ ટર્નના મુદ્દે થયેલી તકરારના પગલે એક હૃદયદ્રાવક ઘટના સર્જાઈ હતી. યાત્રા સમાપ્ત (Surat Crime News) કરીને ભાઈને મળવા આવેલા એક વૃદ્ધને માત્ર થોડોક વિવાદ થયાના કારણે બે સગીર બાળકોએ પીછો કરીને ચાકુથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. આરોપી સગીરો પૈકી એકના પિતા એમ્બ્રોઇડરી કારખાના ધરાવે છે અને બીજાના પિતા હીરા બજારમાં કામ કરે છે. પોલીસે બંનેની ઝડપથી અટકાયત કરી છે અને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જાણો સમગ્ર મામલો
ઘટના અંગે મળતી માહિતી મુજબ મૃતકનું નામ જયેશભાઈ દયારામભાઈ નિમાવત (ઉ.વ. 59) છે. જેઓ મૂળ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાણેલી ગામના રહેવાસી હતા અને હાલમાં સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી વ્રજભૂમિ સોસાયટીમાં પોતાના ભાઈ ભરતભાઈ સાથે રહેતા હતા. થોડા દિવસ અગાઉ જ પવિત્ર નર્મદા પરિક્રમા પૂર્ણ કરીને તેઓ સુરત આવ્યા હતા. ગત શુક્રવાર, તારીખ 11 એપ્રિલના રોજ સાંજે લગભગ 8 વાગ્યાના સુમારે તેઓ તેમના ભાઈ ભરતભાઈ અને મિત્ર સુરેન્દ્રભાઈ સાથે ત્રિકમનગર વિસ્તારમાં પોતાની દુકાન બંધ કરીને બાઇક દ્વારા ઘરે જઈ રહ્યા હતા.

યુ ટર્નના વિવાદે જિંદગી છીનવી લીધી
આ દરમિયાન તેઓ લાભેશ્વર મંદિર તરફ જઈ રહ્યા હતા ત્યારે જાનકી જ્વેલર્સ પાસેની ગલીમાંથી સિલ્વર કલરની સ્કૂટી પર બે સગીર વયના બાળકો સામે આવી ગયાં અને રસ્તો અવરોધ્યો હતો. જેથી મૃતકના ભાઈ ભરતભાઈએ બંને બાળકોને ધીમે ચાલવાની સલાહ આપી, પરંતુ બાળકોએ બદલામાં ઉગ્ર ભાષામાં અપશબ્દો બોલી તકરાર શરૂ કરી હતી. જેથી મૃતક જયેશભાઈ અને સુરેન્દ્રભાઈ બંને તરફ આગળ વધ્યા અને બંને પક્ષોમાં બોલાચાલી થઈ હતી. આ દરમિયાન મૃતક જયેશભાઈએ એક બાળકને થપ્પડ મારી દીધી હતી.

પીઠમાં ચાકુથી ઘા મારી વૃદ્ધની હત્યા
આ બનાવ બાદ ત્રણેય મિત્રો જયેશભાઈ, ભરતભાઈ અને સુરેન્દ્રભાઈ તેમની બાઈક લઈ આગળ વધ્યા હતા. જ્યારે તેઓ એક હોસ્પિટલ પાસે પહોંચ્યા, ત્યાં પાછળથી એ જ બંને સગીર બાળકો ફરી તેમની સ્કૂટી લઈને આવી પહોંચ્યા હતા. જેમાંથી સ્કૂટી ચલાવતા સગીરે જયેશભાઈની પીઠમાં ચાકુથી ઘા કર્યો હતો અને સ્કૂટી પર પાછળ બેઠેલા બીજા સગીરે ચીસ પાડી હતી કે, “મારી નાખ, જીવતો બચવો નહીં જોઈએ”, જેનાથી એનો ઈરાદો સ્પષ્ટ હતો કે, ઘટના કોઈ તાત્કાલિક ગુસ્સામાં નહીં પરંતુ ઉગ્ર મનોભાવ સાથે ઘટના અંજામ આપી હતી.

હત્યા નીપજાવનાર બંને સગીર વયના આરોપી
સ્થાનિક લોકોએ ઘટના જોઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી. જયેશભાઈને પહેલા સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી તેમની ગંભીર હાલતને લઈને કિરણ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ ત્યાં તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટના અંગે મૃતકના ભાઈ ભરતભાઈ નિમાવતની ફરિયાદના આધારે વરાછા પોલીસ મથકે અજાણ્યા બંને સગીર સામે IPC કલમ 302 (હત્યા) હેઠળ ગુનો નોંધી ગુનેગારની ધરપકડ કરી છે.

પોલીસે બંનેની અટકાયત કરી તપાસ શરૂ કરી
પોલીસને ઘટના સ્થળ નજીકના સીસીટીવી કેમેરા અને સ્કૂટીના નંબરની માહિતીને આધારે તપાસ શરૂ કરી હતી. જેથી આજે બંને આરોપી સગીર વયના બાળકોની અટકાયત કરાઈ છે. પોલીસ હાલ તપાસમાં છે કે સમગ્ર ઘટનાની પાછળ કોઈ પૂર્વ રંજિશ હતી કે, પછી વાત તાત્કાલિક ગુસ્સાની હતી. જોકે, માત્ર થપ્પડ ખાવાની ઘટનાને લીધે કોઈ વ્યક્તિ પીછો કરીને ચાકુથી હત્યા કરે, એ એક ગંભીર સામાજિક પ્રશ્ન ઉભો કરે છે.