સુરતના એક જ્વેલર્સ માલિક 9 કરોડના દાગીના લઇ રફુચક્કર થતા મામલો પોલીસ કમિશનર પાસે પહોંચ્યો

સુરતના પાર્લેપોઇન્ટ ઉપર આવેલા એક જ્વેલર્સના માલિકે કતારગામ અને વરાછા વિસ્તારના અલગ અલગ જ્વેલરી પાસેથી રૂ. 9 કરોડની કિંમતનો 15 કિલો સોનુ લઇને રફુચક્કર થઇ જતા મામલો પોલીસ કમિશનરના દરબારમાં પહોંચ્યો હતો. ત્યારબાદ ઉમરા પોલીસને આ બાબતે રજૂઆત કરીને જ્વેલર્સ એસોસ. દ્વારા ચીટીંગ ક૨ના૨ જ્વેલર્સના માલિક સહિત અન્ય જવાબદારો સામે ગુનો નોંધવાની તજવીજ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વરાછા અને કતારગામ જ્વેલર્સ એસોશીયેશન તેમજ સુરત જ્વેલર્સ એસો.ના પ્રમુખ પ્રતાપભાઇ પટેલે માહિતી આપતા કહ્યું હતું કે, સુરતના વરાછા તેમજ કતારગામના અનેક જ્વેલર્સના માલિકોએ અંદાજીત રૂા. છ કરોડની કિંમતનું 15 કિલો સોનાના દાગીના કે જેમાં વીંટી, બ્રેસલેટ, બુટી, સોનાના હાર, ચેઇન સહિતના દાગીના હતા. આ તમામ દાગીના પાર્લેપોઇન્ટ ઉપર આવેલા વર્મન જ્વેલર્સ (Varman Jewellers Surat) ના માલિક વર્ષાબેન માણેકભાઇ લાઠીયા તેમજ જાગૃતિબેન મીહિરભાઇ કોશિયાને વેચવા માટે આપ્યા હતો.

અહીં કામ કરતા કારીગરો નામે સતીષ તેમજ સૈનિક ઉપરાંત અન્ય કારીગરોને પણ આ બાબતની જાણ છે. આ બાબતે વર્મન જ્વેલર્સના માલિકોએ તેઓને ત્યાં દાગીના આવ્યા જ ન હોવાનું જણાવ્યું હતું. જેને લઇને તમામ જ્વેલર્સો વચ્ચે માથાકૂટ થઇ હતી. તમામ દાગીનાનો વહીવટ મીહિરભાઈ કોશિયા કરી રહ્યા હતા અને તેઓએ આ દાગીના ક્યાં મુક્યા તે અંગે કોઇ માહિતી આપતા ન હતા. ત્યારબાદ આ મામલે બધાએ ભેગા થઇને પોલીસ કમિશનર કચેરીમાં રજૂઆત કરી હતી. અને ત્યારબાદ ઉમરા પોલીસના પીઆઇને વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. આ મામલે જ્વેલર્સના માલિકો દ્વારા ભેગા થઇને વિવિધ ડોક્યુમેન્ટ એકત્ર કરાઈ રહ્યા છે અને વર્મન જ્વેલર્સના માલિકની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ કરી છે. ત્યારે હવે જોવું રહ્યું કે જવેલર્સ માલિકોને કેવી રાહત મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *