સુરત/ સિટી બસ બે કલાક જેટલી ચાલુ રાખી ડ્રાઈવર ઊંઘતો હોવાનો વીડિયો વાયરલ

Surat City Bus: સુરત શહેરમાં અકસ્માતના બનાવો બનતા રહે છે. તેમજ ભૂતકાળમાં સિટી બસ ચાલકોએ લોકોને અડફેટે લીધા બાદ મોત થયાની ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે. ત્યારે સુરત સિટી બસ(Surat City Bus)નો એક વીડિયો વાયરલ થયો છે.જેમાં સિટી બસના મહાશય બસ ચાલુ રાખીને રાજાશાહીની જેમ મીઠી નીંદર માણી રહ્યા છે. પરંતુ અહીં સવાલ એ ઉભો થાય છે કે કોઈએ બસને ગેરમાં નાખી દીધી અને અકસ્માત સર્જાયો તો જવાબદારી કોની તેવા પ્રશ્નો સાથેનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. જેની સામે તપાસ કરવા માટેની માંગ પણ કોર્પોરેટર દ્વારા કરવામાં આવી છે.

સાંજ સુધીમાં 10 થી 15 બસો રોડ ઉપર બંધ હાલતમાં જોવા મળે છે
આ અંગે પૂર્વ કોર્પોરેટરએ જણાવ્યું હતું કે,મહાનગરપાલિકાની તમામ બસોની વિજિલન્સ તપાસ કરવી જોઈએ બસની હાલત શું છે? કન્ડિશન મુજબ બસો ચાલે છે કે બસની હાલત ભંગાર થઈ ગઈ છે કોન્ટ્રાક્ટરો બરાબર ધ્યાન નથી આપતા એ તમામ તપાસ થવી જોઈએ. સાથે સાથે ડીઝલ કયા પંપે પુરાવે છે એના પણ પુરાવાઓ સુરત મહાનગરપાલિકાના જવાબદાર અધિકારી એ લેવા જોઈએ. કારણ કે સાંજ સુધીમાં 10 થી 15 બસો રોડ ઉપર બંધ હાલતમાં જોવા મળે છે ત્યારે કોઈક વાર એવું લાગે છે કે આ બસને ડીઝલ પુરાવતા ક્યાંય જોઈ નથી તો એની અંદર ડીઝલ નાખે છે કે બાયોડીઝલ નાખે છે કે અન્ય અંકલેશ્વર થી કેમિકલ લાવીને નાખવામાં આવે છે.

બસ સંચાલકો ગુંડાગીરી પર ઉતરી આવે છે
ક્યારેક એવું લાગે છે તક્ષશિલા ઘટના કરતાં પણ મોટી ઘટના બીઆરટીએસ બસમાં બનશે.આખે આખી બસ ભડથું થાય જેવી ઘટના બની શકે છે.તેની અંદર 40 થી 50 મુસાફરો હોઈ છે અને એકવાર મારા દ્વારા રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આવી તપાસ કરવાનો કોઈ અધિકારી પાસે ટાઈમ નથી. તમામ બસ સંચાલકો ગુંડાગીરી પર ઉતરી આવે છે જ્યારે તપાસની વાત કરીએ છીએ ત્યારે આનું કારણ શું?

હાલમાં જવાબદારી નવા અધિકારીઓને મળી છે હું આપને જણાવવા માગું છું કે આ તમામ તપાસ કરવામાં આવે જેથી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી ખબર પડે.નહિતર અમને પણ એવું લાગશે કે તમે પણ બસ સંચાલકોના સેટિંગમાં બેસી ગયા છો અને રૂપિયા બનાવવા નું ચાલુ કરી દેવામાં આવ્યું છે. તેવા સવાલો અને આક્ષેપો પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા દ્વારા ઉભા કરાયા છે.

લોકો આ વિડીયો જોઈ આક્ષેપો કરી રહ્યા છે કે આ અંગે આવી તપાસ કરવાનો કોઈ અધિકારી પાસે ટાઈમ નથી.જો કે આ કોઈ નવાઈની વાત નથી,જયારે દરવખતની કોઈ મોટી દુર્ઘટના સર્જાશે ત્યારે અધિકારી ખાલી તપાસનો ડોળ કરશે.પરંતુ એ પહેલા કોઈ કાર્યવાહી નહિ કરે એ તો ચોક્કસ છે.