લાંચના પૈસા ઈમાનદારીથી વહેંચતા ટ્રાફિક પોલીસનો વિડીયો થયો વાયરલ

Delhi Police Viral Video: દિલ્હી પોલીસનો એક ખુબ જ શરમજનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ટ્રાફિક પોલીસવાળાએ એક ઝૂંપડીને ઉઘરાણીનો(Delhi Police Viral Video) અડ્ડો બનાવી દીધો હતો. આ ઝૂંપડામાં પોલીસકર્મીઓ ડ્રાઇવરોને પકડીને તેમની પાસેથી પૈસા વસૂલતા હતા અને પૈસા ભેગા કર્યા પછી, તેઓએ પૈસાની વહેંચણી પણ કરી હતી. ત્યારે આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

લાંચનો વિડીયો વાયરલ થતા મચ્યો ખળભળાટ
આ મામલો દિલ્હીના ગાઝીપુરમાં પોલીસ ચોકીનો છે. શનિવારે ટ્રાફિક વિભાગમાં તૈનાત ત્રણ પોલીસકર્મીઓનો વીડિયો વાયરલ થયો હતો. એક ટ્રાફિક પોલીસકર્મી લાંચ લેતા કેમેરામાં રેકોર્ડ થયો હતો, જ્યારે પૈસા પાછળથી ત્રણ પોલીસકર્મીઓમાં વહેંચવામાં આવ્યા હતા. ત્યારે આ વહેંચણીનો વિડીયો પણ કેમેરામાં કેદ થયો હતો અને આ વિડીયો વાયરલ થતા વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો.

પોલીસકર્મી લાંચ લેતા કેમેરામાં રેકોર્ડ થયો
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં એક પોલીસકર્મી ગાઝીપુરના થરલ લોરી સર્કલમાં પોલીસ ચોકીની અંદર એક વ્યક્તિ સાથે દલીલ કરતો જોઈ શકાય છે. ટૂંકી વાતચીત પછી, પોલીસકર્મી વ્યક્તિ તરફ ઈશારો કરે છે અને તે વ્યક્તિ પોલીસકર્મીની પાછળની ખુરશી પર પૈસા મૂકીને જતી રહે છે. જ્યારે તે વ્યક્તિ પૈસા આપીને જતો રહ્યો ત્યારે પોલીસકર્મીએ તેને ઉપાડીને પોતાના ખિસ્સામાં રાખ્યો હતો.

પોલીસકર્મીઓ એકબીજા સાથે પૈસા વહેંચતા જોવા મળ્યા
થોડા સમય પછી તે પૈસા ગણે છે. ત્યારપછીના વીડિયોમાં ત્રણ પોલીસકર્મીઓ એક જ જગ્યાએ બેસીને એકબીજા સાથે વાત કરતા અને પૈસા વહેંચતા જોવા મળે છે. પૈસા લેનારા પોલીસકર્મીઓના ચહેરા પર સ્મિત છે. પોલીસકર્મીઓનો વીડિયો વાયરલ થયા બાદ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ કહ્યું કે ત્રણ પોલીસકર્મી, બે આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર (એએસઆઈ) અને એક હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

વાયરલ વીડિયો પર લોકોની કોમેન્ટ
એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું છે કે વાંધો નહિ કોઈ કંઈ પણ કહે, લાંચની રકમ ખૂબ જ ઈમાનદારીથી વહેંચવામાં આવી છે. એકે લખ્યું કે દેશની જનતાએ એક થઈને ટેક્સ ભરવાનો ઈન્કાર કરવો જોઈએ અને જ્યાં સુધી ભ્રષ્ટાચારીઓને જેલમાં ધકેલી દેવામાં નહીં આવે ત્યાં સુધી અમે ટેક્સ નહીં ચૂકવીએ. એકે લખ્યું કે દિલ્હીમાં ભાગ્યે જ કોઈ એવી જગ્યા હશે જ્યાં ઉઘરાણી ન થઈ હોય. એકે લખ્યું કે આ નાના પોલીસકર્મીઓ છે, તેમના માટે કેમેરા લગાવવામાં આવ્યા છે પરંતુ જેઓ મોટી લાંચ લે છે તેમનું શું થશે.