પ્રશાંત દયાળ: આઝાદી પહેલા પ્રજાના પ્રશ્નોને વાચા આપવા ગાંધીજીએ નવજીવન અને હરિજન સાપ્તાહીકની સ્થાપના કરી હતી. ગાંધીજીના ત્રણ લેખ જે અંગ્રેજ શાસનને પડકારતા હતા તેમાં તેમને છ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ જ રીતે ઈંદિરા ગાંધીએ પણ કટોકટી કાળમાં કટોકટીનો વિરોધ કરનાર અનેક પત્રકારોને જેલની પાછળ ધકેલી દીધા હતા. હવે લાગે છે કે તમે પણ એ જ રસ્તે આગળ વધી પત્રકારોને પરેશાન કરી રહ્યા છો.
કોરોનાની લડાઈમાં ભારતના અને ગુજરાતના પત્રકારોએ જે મર્યાદા જાળવી અને શાસનની સાથે રહીને આખી લડાઈ જાણે પોતાની હોય તે રીતે પત્રકારો આ લડાઈ લડ્યા પરંતુ અમને ખબર છે તમને ભલું કરનારની તથા ભલા રહેનારની કદર નથી. તમારી ચુક ઈરાદા પૂર્વકની ન હતી અને તમારી દાનતમાં ખોટ ન હતી એવું અમે માનતા હતા અને શક્ય ત્યાં સુધી તમામ ભૂલો તરફ આંખ આડાકાન કરી અમે રિપોર્ટિંગ કરતા રહ્યા છતાં પ્રજાની વ્યથા તમારી સામે મુકવાની અમારી ફરજને અમે પ્રાધાન્ય આપ્યું. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં તંત્રની ટીકા કરતાં પત્રકારોને વિવિધ કાયદા હેઠળ જેલમાં ધકેલી દેવાની ધમકી આપવી એ આમ વાત બની ગઈ હતી.
ગુજરાતના જાણિતા અખબાર સંદેશના પત્રકાર રોનક શાહએ શ્રમિકોની હાડમારી અંગે રજુ કરેલો એક સ્વાનુભાવ તમને એટલો તો ખટકી ગયો કે, શ્રમિકોને મદદ કરવાને બદલે રોનક શાહ જાણે ત્રાસવાદી હોય તે રીતે ક્રાઈમ બ્રાન્ચે તેની પુછપરછ કરી. સંદેશ માતબર અખબાર છે, તેના પત્રકારને પુરી દેવાની કિંમત કેટલી છે તેની તમને ખબર છે તમે ગજા બહારની હિંમત કરી પરંતુ તમને સંદેશના માલીકનો ફોન આવતા તમે ઘટનાની માંડવાળ કરી. પરંતુ ફેશ ઓફ નેશન નામની એક નાનકડી વેબસાઈટ જે તમારા તંત્ર માટે એક તણખલા સમાન છે આ વેબસાઈટના પત્રકાર ધવલ પટેલે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની શક્યતા તે મતલબના સમાચાર લખ્યા જેનું તમને બહુ માઠું લાગ્યું.
આ સમાચારની સત્યતાના માપદંડ અલગ હોઈ શકે, સમાચાર ખોટા પણ હોઈ શકે છે પરંતુ તેના કારણે પત્રકારની અભિવ્યક્તિ સ્વતંત્રતાને કોઈ નિયંત્રીત કરી શકતું નથી પણ તમે તો સત્તાના મદમાં તમામ મર્યાદાઓ નેવે મુકી અને એક નાનકડા પત્રકારને ક્રાઈમ બ્રાન્ચ બોલાવી તેની ધરપકડ કરી જેને તમે તમારી બહાદુરી સમજી રહ્યા છો. આ જ રીતે અમે ઈંદિરા ગાંધીને કામ કરતી જોઈ છે, અમે સત્તાના તખ્ત પણ બદલતા જોયા છે. મહેરબાની કરી તમે આવી ભૂલો કરતાં નહીં, એક જુની કહેવતને તમને યાદ અપાવીએ કે ઝાઝી કીડીઓ સાપને તાંણે. તમે જે પત્રકાર અને પ્રજાને તુચ્છ સમજો છો તેઓ જો સંગઠીત થયા તો તમારા તખ્તને બદલાતા વાર નહીં લાગે.
અત્રે ઉલ્લેખનીય છે કે જો આ જ માપદંડને આધારે અફવા ફેલાવાનો ગુનો નોંધાતો હોય તો, ભાજપના જ નેતા સુબ્રમણિયન સ્વામીએ ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન કરી આનંદીબહેન પટેલને મુકવા જોઈએ તેવો મત વ્યક્તિ કર્યો હતો. તેવી જ રીતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલાએ ગુજરાતમાં અધિકારીઓનું રાજ ચાલે છે તેવું કથિત નિવેદન કર્યું હતું. ભાજપના આ નેતાઓ સામે પર ધવલ પટેલના માપદંડ પ્રમાણે ગુનો નોંધાવવો જોઈએ?