તક્ષશિલા બાદ ઊંઘી ગયેલું તંત્ર રાજકોટની દુર્ઘટનાથી સફાળું જાગ્યુ; સુરતની સ્કૂલોમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરુ

Rajkot Gamezone Fire: શનિવારે સાંજે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડે આખાય રાજ્યને હચમચાવી મુક્યું છે. આ ગોઝારી દુર્ઘટનામાં 28 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાત હાઈકોર્ટ પણ આ ઘટના બાદ હચમચી ઉઠ્યું છે. રાજ્ય સરકાર અને તંત્રની(Rajkot Gamezone Fire) સખ્ત શબ્દોમાં હાઈકોર્ટે ઝાટકણી કાઢી છે.ત્યારે હવે સુરત ફાયર વિભાગને પણ પોતાની ફરજ, ડ્યૂટી યાદ આવી છે.

ગેમઝોન કાંડ બાદ અધિકારીઓ આળસ ખંખેરી કામે લાગ્યા
આજે સવારથી સુરતના ફાયર વિભાગે મનપાના વિવિધ ઝોનમાં ચેકિંગ, સીલીંગની કામગીરી શરૂ કરી છે. માર્કેટ, દુકાનો, હોટલ, હોસ્પિટલો, સ્કૂલો બધા ઠેકાણે જઈને ફાયરના કર્મચારીઓ ફાયર સેફ્ટીના સાધનો છે કે નહીં તે ચેક કરી રહ્યાં છે અને જ્યાં નહીં હોય ત્યાં સીલીંગની કામગીરી કરી રહ્યાં છે.આથી સુરત ફાયર અને ઈમરજન્સી સર્વિસ દ્વારા સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારોમાં આવેલા ઈમારત જેવી કે માર્કેટ, હોસ્પિટલ, હોટલ, ક્લિનિક, ટ્યુશન ક્લાસ, રેસ્ટોરન્ટ, કોમર્શિયલ ઈમારત વગેરેમાં અપૂરતી ફાયર સિસ્ટમ હોય, ફાયર સિસ્ટમ કાર્યરત ના હોય આજ રોજ 28/05/24 ના વહેલી સવારે જાહેર સલામતીને ધ્યાને લેતા તાકીદ અસરથી સીલ કરવામાં આવી છે.

આ માર્કેટ, દુકાન, હોટલ, ટ્યૂશન ક્લાસ સીલ કરાયા
લિંબાયત ઝોન માં ઋતુરાજ માર્કેટ, મિલેનિયમ માર્કેટની સામે કુલ 20 દુકાન, સાકાર માર્કેટ, જે,જે,માર્કેટની બાજુમાં કુલ 08 સાડીના ગોડાઉન તથા ટેસ્ટ ઓફ ભગવતી હોટલને સીલ કરવામાં આવી છે જયારે સેન્ટ્રલ ઝોનમાં સલાબતપુરાની એશિયન ટેક્સટાઇલ માર્કેટ, દિલ્હી ગેટ પાસે આવેલી હોટલ ડાયમંડ પ્લાઝાને સીલ કરાઈ છે. ઉધના ઝોનમાં આવેલી ઉધના બસ ડેપો સામે આવેલું અનુપમ એમેન્ટી સેન્ટર, ઉધના નવસારી મેન રોડ ખાતે આવેલું આસોપાલવ હોસ્પિટલ, આસ્થા ડેન્ટલ ક્લિનિક, લૉજિક ક્લાસ, વિશાલ કમ્પ્યુટર એજ્યુકેશન તથા સિંગિંગ એન્ટ આર્ટ ક્લાસ, સ્વીટ ક્લાસ તેમજ 2 જીમ અને તુલસી રેસ્ટોરન્ટ ને સીલ કરાઈ છે જયારે રાંદેર ઝોનમાં જકાત નાકા પાસે આવેલા રાજ કોરીન કોમ્લેક્સની 13 દુકાન સીલ કરાઈ છે.

વારંવાર નોટિસ આપવા છતાં સુવિધાનો અભાવ જણાયો
માનદરવાજા ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે, અમારા વિસ્તારમાં અમે બે માર્કેટ ઓશીલ કરી છે અને હોટલ પણ સીલ કરી છે. ઘણા સમયથી એનઓસી લીધી ન હતી. વારંવાર અમે તેમને નોટિસ આપતા હતા. છતાં પણ તેઓ આ બાબતને ગંભીર હોય તેવું જણાતું ન હતું. જેથી વહેલી સવારે અમારે ટીમ દ્વારા માર્કેટ અને સીલ મારવામાં આવી છે. તેમજ હોટલને પણ સીલ મારી દેવામાં આવી છે. ચીફ ફાયર ઓફિસરના માર્ગદર્શન હેઠળ ફાયર વિભાગની અલગ અલગ ટીમ દ્વારા અલગ અલગ જનમા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

કોઈ ઘટના બને ત્યાર બાદ જ કેમ તંત્રને ફરજ યાદ આવે છે?
અહીં પ્રશ્ન એ થાય છે કે શું કોઈ દુ:ખદ ઘટના બને ત્યાર બાદ જ તંત્રને ડ્યૂટી યાદ આવે છે. પાંચ વર્ષ પહેલાં સુરતના સરથાણામાં તક્ષશિલા એપાર્ટમેન્ટમાં ગેરકાયદે ચાલતા ટ્યૂશન કલાસમાં આગ લાગી હતી, તે ઘટનામાં 22 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો હતો.ત્યાર બાદ એવું લાગતું હતું કે શહેરમાં હવે ફાયર સેફ્ટીના નિયમોનો કડકાઈથી અમલ થશે, પરંતુ થોડા થોડા દિવસે કાપડ માર્કેટ, હોટલ, કમર્શિયલ કોમ્પલેક્સમાં સીલીંગની કામગીરીના દેખાડા સિવાય કશું થતું નથી. જ્યારે કોઈ આગજનીની ઘટના બને ત્યારે ફાયરનો સ્ટાફ ચેકિંગ-સીલીંગનું નાટક કરે અને પછી સ્થિતિ જૈસે થે થઈ જાય છે. શું આ વખતે પણ એવું જ બનશે? થોડા દિવસ બાદ બધું જેવું હતું તેવું જ થઈ જશે?