હિમાલયના પહાડો સર કરવા છે? તો વાંચો ધવલ પટેલની કલમે ઉત્તરાખંડના કુમાઉ પ્રવાસન સ્વાનુભવો: ભાગ 5

નામ: ધવલ પટેલ
કુમાઉ યાત્રા ભાગ- 5:
આશા રાખું કે તમારે વધુ રાહ જોવી નહિ પડી હોય. છેલ્લા એપિસોડમાં જણાવ્યા મુજબ અમે તલ્લી માતાજીના મંદિર દર્શન કરીને રાનીખેત તરફ જવા નીકળ્યા. અમારે સાંજ સુધીમાં 80 કિલોમીટરની સફર કરવાની હતી. પહાડી વિસ્તાર માટે આ અંતર ઓછું નથી કારણકે સાંકડા અને સતત વળાંક વાળા રસ્તા હોવાને કારણકે તમે 20-30 કિમી/કલાક થી વધુ ઝડપથી સ્કૂટીના ચલાવી શકો. કોઈ વાર સ્પીડ મિટરનો કાંટો 40 આજુબાજુ અમુક સેકન્ડ માટે માંડ પહોંચે અને આટલા સૌંદર્યથી ભરપૂર સુંદર રસ્તો હોય તો પછી ઉતાવળ પણ શેની હોય. સફરની મજા લેતા લેતા સફર ખેડવાની મજા કંઈક અલગ જ હોય છે. અમુક વાર મંજિલ કરતા સફરની સાહેલગાહ ખુબ જ મહત્વની હોય છે. અમૂકવાર અમુક ટુરિસ્ટ જ્યારે સિમલા મનાલી પેકેજ માટે પૂછપરછ કરે તો કહે કે ત્યાં કોઈ એરપોર્ટ નથી ? કહે દિલ્હી-ચંડીગઢથી મુસાફરી વધી જાય છે. પહાડની મુસાફરી લાંબી થઈ જાય છે.

પછી એમને એજ સમજાવું કે પહાડોમાં ફક્ત હિલ સ્ટેશન પર જવું એજ આનંદ નથી પણ સાથે સાથે ત્યાં પહોંચવા માટે સફરની મજા લેવી પણ જરૂરી છે. મંદિરથી થોડા આગળ નીકળ્યા પછી સામે હિમાલયના બર્ફીલા પહાડોનો નજારો ખુબજ સુંદર લાગતો હતો. મનીલા વિસ્તાર માંથી હિમાલય રેંજની પર્વતમાળાનો નજારો ખુબ જ સુંદર દેખાય છે. અહિંથી નેનાદેવી, ત્રિશુલ અને પંચચુલીના શિખરો ખુબજ નયનરમ્ય લાગે છે. અમે પણ સ્કૂટીની સફર કરતા કરતા જ આ રેન્જ જોઈ લીધી. બર્ફીલા પહાડોને જોઈને મન એકદમ પ્રફુલ્લિત થઈ ગયું. હિમાલયની સુંદરતા જોઈને એવું થાય કે બસ અહીજ રોકાઈ જઈને ને નીરખ્યા કરીયે. નીરખતા નીરખતા મનરૂપી પાંખો વડે વચ્ચેના પર્વત ઉડતા ઉડતા ક્રોસ કરી હિમાલય રેન્જના એ બર્ફીલા પહાડો ઉપર પહોંચી જવાય.

પરંતુ પછી જ્ઞાત થાય કે સફર હજુ ઘણી બાકી છે, સફર અહીં પૂરતી સીમિત નથી. ત્યારે હિન્દી ફિલ્મનું ઓલું ગીત યાદ આવી જાય કે “નદીયાં ચલે ચલે રે ધારા…તુઝકો ચલના હોગા” . અમે પણ પહાડો જોતા જોતા આગળ વધ્યા. ઉપર જણાવ્યા મુજબ અમારે પણ મંજિલની કોઈ ઉતાવળ ન હતી બસ સુંદર સફરને માણતા રહેવાનું હતું. રસ્તામાં રોડની આજુ બાજુ આવેલ સુંદર વનરાજી, ખુશનુમા મોસમ અને પહાડી સર્પાકાર રસ્તાની સહેલગાહ કરતા કરતા ધીમે ધીમે જઇ રહ્યા હતા. સ્કૂટી અત્યારે મારો મિત્ર ચલાવી રહ્યો હતો. પહાડોમાં સ્કૂટી કે બાઈકનો અનુભવ મારી પાસે ઝીરો હતો. મેદાની વિસ્તારમાં વાહન ચલાવવાનો અનુભવ હતો અને હવે પહાડી વિસ્તારના હેરપીન બેન્ડ જેવા રસ્તાઓમાં પણ વાહન ચલાવાનો અનુભવ લેવાનો હતો. રસ્તામાં જૈનલ નામનું ગામ આવ્યું. ગામની બાજુમાંથી રામગંગા નદી પાસ થઈ રહી હતી. નદીનું ખળખળ વહેતુ જળ જોઈને અમે ત્યાં બ્રેક લીધો.

અને નદીના કિનારે ખળખળ વહેતા જળને જોઈને મનને પરમ શાંતિનો અનુભવ થયો. નદી ઉપર એક લોખંડનો બ્રિજ બનાવેલ છે. જ્યાંથી નદીનો નજારો ખુબજ સુંદર દેખાતો હતો. ત્યાંથી જોતા રામગંગા નદીનો વિશાળ પટ દેખાતો હતો. શિયાળામાં પાણી ઓછું હોવાથી વચ્ચે નદી અને આજુ બાજુ સુંદર પટ જોવા મળે છે. રામગંગા ઉત્તરાખંડના નમીક ગ્લેશિયર માંથી પોતાની સફર શરૂ કરે છે અને 596 મીટરની યાત્રા કરીને ઉત્તરપ્રદેશમાં આવીને માં ગંગામાં ભળી જાય છે. ઉત્તરાખંડની ઘણી નદીઓ ગંગાજી માં ભળી જતી હોય એના નામ પાછળ ગંગા લાગતું હોય છે. નદી હંમેશા આપડને શીખવે છે કે કોઈ પણ પરિસ્થિતિ હોય વહેતા રહેવું. જૈનલમાં એક ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પમ્પ ઉપર સ્ટોપ લઈને ત્યાંથી સ્કૂટીની ટેન્ક ફુલ કરાવી. અને સફરને આગળ ધપાવી. આગળ જતાં રસ્તામા ભીકીયાસેન નામનું નગર આવ્યું, એ મિત્રના ગામથી નજીકનું માર્કેટ હતું. ત્યાં નાનીમોટી ખરીદી કરવી હોય તો કરી શકો. મુખ્ય રસ્તા ઉપર આખું માર્કેટ આવેલું હતું. બપોરનો સમય હોવાથી ખાસો એવો ટ્રાફિક હતો.

આજુ બાજુમાં આવેલ દુકાનો, બેન્ક જોતા જોતા ટ્રાફિક માં પાસ થઈ રહ્યા હતા. આજુ બાજુના ગામના લોકો ખરીદી માટે અહીં આવે છે એવું મિત્ર દ્વારા જાણવા મળ્યું. માર્કેટમાં લોકોની સારી એવી ચહલ પહલ હતી. શાળાએ જતા વિધાર્થી દેખાઈ રહ્યા હતા. હવે માર્કેટ પૂરું થવા આવ્યું અને સામે એક નાનકડું લાલ કલરનું મંદિર દેખાય છે અને ત્યાંથી અમારે જમણી બાજુ વળાંક લઈને ફરીથી રામગંગાજી ઉપર આવેલ લોખંડના પુલને ક્રોસ કરવાનો છે. હવે અમારું આગળનું સ્ટોપ શ્રીબિનસર મહાદેવનું મંદિર હતું જે રાનીખેત પહેલા આવતું હતું. પરંતુ રસ્તામાં અમે એક ચા ની નાનકડી દુકાન પર બ્રેક લીધો. ત્યાં ગરમ ગરમ ચાની ચૂસકીની મજા લીધી. સાથે સાથે તડકામાં બેસી તડકાની પણ મજા લીધી. હવે વધારે સમય વેસ્ટ ના કરતા અમે નીકળી પડ્યા શ્રી બિંનસર મહાદેવજી ના મંદિર તરફ. બિનસર મહાદેવનું મંદિર રાનીખેતથી ફક્ત 15 કિલોમીટર પહેલા પડતું હતું અને ત્યાં જવા માટે એક અલગથી રસ્તો પડતો હતો. ત્યાંથી માંડ 5 મિનિટનો રસ્તો હશે મંદિર જવા માટે. પરંતુ આ રસ્તો ખુબજ સુંદર હતો. રસ્તાની બેય બાજુ ઊંચનીચ ટેકરા વાળું લીલા કલરના ઘાસ થી ભરપુર મેદાન હતું. અને દેવદાર, ઓક અને પાઇનના ઝાડનું જંગલ તો ખરુજ. વાતાવરણ એકદમ નીરવ શાંતિ પથરાયેલ હતી.

ઝાડના પાંદડા માંથી કપાઈને આવતા સૂર્યના કિરણો કંઈક અલગ જ દ્રશ્ય ઉભું કરતા હતા. ખુબજ સુંદર નજારો હતો. વધારે વર્ણન માટે મારી પાસે શબ્દ નથી. સુંદર વ્યુ માટે તમે યુ-ટ્યુબ વિડિઓ જોઈ લેજો એટલે આઈડિયા આવી જશે. ટેકનોલોજીનો આજ ફાયદો છે. અમે હવે બિનસર મહાદેવના પાર્કિંગ માં પહોંચી ગયા હતા. ત્યાંથી મંદિરનો એક દમ સુંદર વ્યુ દેખાઈ રહ્યો હતો. (Image-14,15) સામે પાર્કિંગ છે. પાર્કિંગની પાછળ આશ્રમ છે અને આશ્રમ થી પહેલા સુંદર મંદિર છે. મંદિર માં જવા માટે સફેદ કલરની ટાઇલ્સ લગાડેલ સુંદર પિલરનો મોટો ઇવો ગેટ બનાવેલ છે. ગેટની ઉપર સુંદર નાનકડા ત્રણ મંદિર છે. મંદિર સ્ટેપમાં બનેલ હોય એવું દૂર થી જોતા લાગે છે. મંદિરની પાછળ ઉપરના ભાગે ઢોળાવમાં દેવદાર અને પાઈનના વૃક્ષ સુંદર બેકગ્રાઉન્ડ પૂરું પાડીને મંદિરની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેછે. આ મંદિર પોતાના પ્રાકૃતિક અને નૈર્સગિક લોકેશન માટે જાણીતું છે. એકાંત અને સાધના માટે આ ખુબજ પર્કફેક્ટ લોકેશન છે. રાનીખેત જતા લગભગ આ મંદિર 20 કિલોમીટર પહેલા આવી જાય છે. મુખ્ય મંદિર 9-10 મી સદીમાં બાંધકામ કરેલ છે. આ મંદિરનું બાંધકામ રાજા પીથું એ પોતાના પિતાશ્રી બિંદુની યાદમાં કરેલ હોવાથી આ મંદિરને બિનદેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે.

કહેવાય છે કે આ મંદિરનું બાંધકામ ફક્ત એકજ દિવસમાં પૂર્ણ થઈ ગયેલું. આ મંદિરનું પૌરાણિક મહત્વ ખુબજ છે કારણકે મંદિરની કથા મહાભારતના પાંડવો સાથે પણ વણાયેલી છે. મંદિરમાં મુખ્યત્વે ભગવાન શિવ, શ્રી ગણેશ, પાર્વતી માતા અને માહિસાશૂર મર્દીની માં દુર્ગા વિરાજે છે. મંદિરની સામે ખુબજ સુંદર નજારો અને લેન્ડસ્કેપ નજર આવે છે. મંદિરની બહાર નિકડ્યા પછી ક્યાંય સુધી ત્યાં જોઈ રહ્યો. આમતો જ્યારે અહીં આવ્યા ત્યારેજ એ દ્રશ્ય મનને ભાવી ગયું હતું. સુંદર ઘાસનું મેદાન અને પછી દેવદારના ઘટાદાર વૃક્ષ બેકગ્રાઉનમાં એક દમ સાફ નીલા રંગનું ગગન આ લેન્ડસ્કેપમાં પોતાનો સુંદર ફાળો આપી રહ્યું હતું. હવે અમે રાનીખેત તરફ જવા નીકળ્યા. હવે ડામરનો રોડ થોડો સાંકડો હતો પણ નવોજ બનાવેલ અને ખુબજ સારી પરિસ્થિતિમાં હતો. ઉપરાંત બિનસર મહાદેવ પછી પહાડી સૌંદયમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો હતો. રોડની આજુ બાજુ ઊંચા દેવદારના વૃક્ષ આવેલા હતા,એ પણ પહાડી ઢોળાવ માં સ્ટેપ બાય સ્ટેપ હતા. જંગલની નીચેની ભુમી પણ ઘાસની ચાદરથી ઢંકાયેલી હતી.

પ્રકૃતિમાં વધી રહેલી સુંદરતા એ વાતની ચાડી ખાઈ રહી હતી કે રાનીખેતનો સુંદર વિસ્તાર આવી રહ્યો છે. રાનીખેત જતા રસ્તામાં તારીખેત નામનું નાનકડું ગામ આવ્યું. મુખ્ય રસ્તો ગામની વચ્ચેથી પસાર થતો હતો. અને મુખ્ય રસ્તા ઉપર જ લોકલ માર્કેટની બધી દુકાનો આવેલી છે. અહીં આ વિસ્તારની નવોદય વિધાયલ આવેલી છે. રોડ પર લાગેલા રાજકીય પોસ્ટર જોઈને ચૂંટણી નજીક આવી રહી છે એ દેખાઈ રહ્યું હતું. પોસ્ટરનો સૌથી વધુ ખર્ચ કદાચ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે એવું મને લાગ્યું. અમુક તો જંગલના રસ્તે પથ્થર પર પણ પોસ્ટર લગાવેલ હતું. હવે અમે નીકળી પડ્યાં રાનીખેતની સફરે. “રાનીખેત” નામમાં ખુબજ સુંદરતા ભરી છે. કુમાઉ કત્યુરી વંશજ રાજા સુધીરની પત્નીને આ જગ્યા અને એનું કુદરતી સૌંદર્ય ગમી ગયેલું એટલે એમને ત્યાં રહેવાનું નકકી કર્યું અને એટલે આ જગ્યાનું નામ રાનીખેત પડી ગયું. રાનીખેત ઉત્તરાખંડના અલમોડા જિલામાં આવેલ એક નનકડું નગર છે. રાનીખેતના રોડપર ફરવાની કંઈક અલગજ મજા છે. એક દમ શાંતિ, ઘણો ઓછો ટ્રાફિક વાળું શાંતિપ્રિય ટાઉન છે. આમતો રાનીખેત ભારતીય સ્વાતંત્ર સેવા બલ અને કુમાઉ રેજીમેન્ટ અને ITBT ની છાવણી છે.

એટલે અમે જ્યાં જ્યાં પણ રસ્તામાં જોઈએ ત્યાં તમને સેનાના જવાનો અવશ્ય દેખાય. રાનીખેત નગરનું સંચાલન છાવણી પરિસદ દ્વારા જ કરવામાં આવે છે. રાનીખેતમાં દાખલ થતા ત્રણ રસ્તા પડે છે ત્યાંથી એક રસ્તો નગરની અંદર જાય છે અને બીજો રસ્તો મિનિગોલ્ફ થઈ કૌસાની તરફ જય છે. આ રસ્તાના ત્રિભેટે સુંદર ક્રીડાગણ આવેલું છે. જેનું નામ નરસિંહ ગ્રાઉન્ડ છે. અહીં કેટલાક આર્મી યુવાનો કસરત કરી રહયા હતા. સમય લગભગ 4 વાગ્યાનો થવા આવ્યો હતો. સુંદર પહાડી સાંજનો માહોલ બની રહ્યો હતો. અમારે રાત્રી રોકાણ અહીજ કરવાનું હતું. રાનીખેતમાં વધુ હોટેલ નથી રાનીખેતથી આગળ જતાં હોટેલ મળી જાય છે. અમારે રાત્રી રોકાણ રાનીખેતમાં કરવાની હતી એટલે અમે KMVN ટુરિસ્ટ રેસ્ટ હાઉસનો રસ્તો પકડ્યો. તે રાનીખેતના ઉપરના ભાગે મોલ રોડ વિસ્તારમાં આવેલું હતું. ત્યાં જઈ રૂમ રાખી અમે સમાન મૂકીને રાનીખેતની સફરે નીકળ્યા. અમારે આમતો કોઈ સ્થલ જોવાના ન હતા બસ આ સુંદર નગરની મુલાકાત લેવાની હતી.

ડામરના પાક્કા રસ્તા, પહાડ હોય એટલે ચડ-ઉતર અને વળાંકો તો ખરાજ. અને આખું નગર મુખ્યત્વે દેવરદાર અને પાઈનના અને ઓકના ઝાડથી ઢંકાયેલું લાગ્યું. આ પહેલા હું રાનીખેત આવેલો ત્યારે બપોરનો સમય હતો પરંતુ એટલા બધા વૃક્ષો છે કે તડકો ભાગ્યેજ દેખાય. હું રાનીખેતની આંખો બંધ કલ્પના કરૂ તો મને સુંદર શાંત હિલ સ્ટેશન દેખાય કે જેમાં પુષ્કળ વૃક્ષ આવેલા છે. સાંજનો માહોલ હતો તો કેટલાક આર્મી ઓફિસર પોતાની ડ્યુટી પરથી ઘરે જઈ રહ્યા હતા. તો અમુક ચાલવા માટે નીકળ્યા હતા. અમે ફરતા ફરતા મિનિગોલ્ફ વાળા રસ્તે આવ્યા ત્યાં અંદર જવાનો રસ્તો હવે બંધ કરી દીધો છે. આ પહેલા હું આવ્યો ત્યારે રસ્તો ખુલ્લો હતો. અમે બહાર થી જ મીની ગોલ્ફ મેદાન જોયું. મેં ક્યાંક વાંચેલું કે રાજા હિંદુસ્તાની ફિલ્મના અમુક અંશ રાનીખેત ગોલ્ફમાં શૂટ કરવામાં આવ્યા છે. ત્યાં આગળ એક રેસ્ટોરાંમાં મેગી ની મજા લીધી અને ત્યાર બાદ ઠંડીના મોસમમાં ચા ની ચુસ્કી તો કેમ ભુલાય. હવે સૂર્ય ધીમે ધીમે અસ્ત થવા જઈ રહ્યો હતો. અમે રેસ્ટ હાઉસથી ખાસા દૂર આવી ગયા હતા જેથી હવે સમયસર પાછું જવું જરૂરી હતું. અમે ત્યાંથી રેસ્ટ હાઉસ જવા નીકળ્યા.

રસ્તામાં એક દુકાન આવી ત્યાં છાસ લેવા ઉભા રહ્યા, જમવાનો તો ઓર્ડર રેસ્ટ હાઉસમાં આપી દીધો હતો. અહીં છાસની કોથળી તો ના મળી પરંતુ અમુલ મસ્તી મસાલા છાસની પેપર બોટલ મળી ગઈ. આતો દૂધ માંગતા ખીર મળી ગઈ એવું થયું. છાસ લઈને રેસ્ટહાઉસ તરફ જવા નીકળ્યા. સૂર્ય અસ્ત થઈ ગયેલ હતો. પર્વતની ઉપરના ભાગે હજુ થોડું લાલાશ પડતું ગગન દેખાતું હતું. અંધારા એ પોતાનું સામ્રાજ્ય બિછાવાની શરૂઆત કરી દીધી હતી. ઘરની અંદર તથા બહારની તેમજ સ્ટ્રીટ લાઈટો ચાલુ થઈ ગઈ હતી. તોય અંધારાની પોતાની આગવી એક છટા હતી. અમે રાનીખેતની બહાર અને થોડી ઉંચાઈ ઉપર આવ્યા હતા જેથી હવે નીચે તરફ જતા જતા નીચે વસેલ ઘરોની લાઈટ કંઈક અલગ જ તરી આવતી હતી. રૂમ પર પહોંચી ફ્રેશ થઈ ને ડિનર લીધું. ત્યાર બાદ આરામ ફરમાવ્યો. આવી સુંદર ઠંડીમાં નિંદ્રા તો આવીજ જાય. સવારે વહેલા ઉઠી ગયા, આજે સાંજે કૌસાની પહોંચવાનું અમારું પ્લાનિંગ હતું. ફ્રેશ થઈ કિચનમાં જઈને ફક્ત ચા પીધી. નાસ્તો ક્યાંક રસ્તામાં કરવાનું પ્લાનિંગ કર્યું.

અમે 8 વાગે રાનીખેતથી નીકળી પડ્યા કૌસાની જવા માટે. ગઈ કાલે સ્કૂટી ઉપર મેં પણ હાથ અજમાવેલો, અનુભવ સારો રહેલ અને રાનીખેતમાં ટ્રાફિકમાં પણ રાઈડ કરેલ તો સારો એવો કોન્ફિડન્સ આવી ગયો તો જેથી આજે સવારે પણ સ્ટિયરિંગ મારા હાથમાં હતું. હેલ્મેટ પહેરેલ હતું, હાથમાં મોજા પણ પહેરેલ હતા અને સ્વેટર પણ ખરું જેથી ઠંડીથી બચી શકાય. પરંતુ તોય હેલ્મેટના કાચની જગ્યા અને શ્વાસ લેવાની જગ્યા માંથી આવતી ઠંડી હવા વિચલિત કરી રહી હતી પછી ત્યાં પણ મફલર બાંધીને હેલ્મેટનો કાચ લગાવી દીધો. રસ્તામાં ફરીથી મીની ગોલ્ફનું મેદાન આવ્યું જેને જોતા જોતા આગળ વધ્યા. આ ઉપરાંત રાનીખેતમાં ફરવા લાયક સ્થનમાં રાનીઝીલ, ઝુલા દેવી મંદિર અને કુમાઉ રેજીમેંટ મ્યુઝિયમ પણ છે. ઝુલા દેવી મંદિરમાં માં માં દુર્ગા બિરાજે છે. જ્યાં માતાજીને બેલ (ટોકરી) ચડાવવાથી માતાજી મનની અરજ પુરી કરે છે. ત્યાં મંદિરની આજુ બાજુ કેટલાય ટોકરા બાંધેલ છે. હવે રાનીખેતને અલવિદા કહી અમે કૌસાની તરફની સફરની શરૂઆત કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *