સુરતમાં ચારેબાજુ પાણી જ પાણી, મોડી રાતથી અવિરત વરસાદ, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

Surat Heavy Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસાએ બરાબર જમાવટ કરી છે જેના કારણે રાતથી જ વરસાદ પડી રહ્યો છે. વહેલી સવારથી જ સુરત, વલસાડ, વાપી અને નવસારીમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વાપીમાં માત્ર 2 કલાકમાં 4 ઈંચ જેટલો વરસાદ પડવાથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સુરતના રસ્તા પણ જાણે નદીઓમાં(Surat Heavy Rain) ફેરવાઈ ગયા છે અને અનેક વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં ભાવનગરના મહુવામાં અઢી ઈંચ વરસાદ પડ્યો હતો.

સુરતમાં મેઘરાજા ગઈકાલ રાતથી જ મહેરબાન
સુરત શહેરમાં મોડી રાતથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. બે ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે અને હજુ પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. મોડી રાતથી જ પડતા ભારે વરસાદને કારણે શહેરના કતારગામ હાથીવાળા મંદિર વિસ્તાર, અખંડ આનંદ કોલેજની આસપાસ, વેડરોડ વિસ્તારમાં, ઉધના ગરનાળુ, અઠવા ગેટ, મજુરા ગેટ સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં ભારે પાણીનો ભરાવો થયો છે. મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકો અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે.ગરમી અને ઉકળાટથી સુરતીઓ પરેશાન હતા તો ખેડૂતોની વાવણી લાયક વરસાદની આતુરતાનો અંત આવ્યો છે.

વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો
સુરતના અમુક વિસ્તારોમાં જ્યાં પાણીના નિકાલની બરાબર વ્યવસ્થા નથી ત્યાં બે-બે ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે અને વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. શહેરમાં વાહન ચાલકોને પણ ઘણી મુશ્કેલી થઈ રહી છે. વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે. હજી પણ વરસાદ વરસવાનું શરૂ છે. વરાછા, પાલનપુર પાટિયા, અડાજણ, પર્વત પાટિયા વિસ્તારમાં પાણી ભરાવા લાગ્યા છે. આવી જ સ્થિતિ સાઉથ ગુજરાતના બીજા કેટલાક જિલ્લાની પણ છે.

વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા
તમને જણાવી દઈએ કે સુરત શહેરમાં મોડી રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. 2 ઇંચ વરસાદ ખાબકતાં અનેક જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ઉધના રેલવે સ્ટેશન ગરનાળુ, અઠવા ગેટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સુરતના વેડરોડ વિસ્તારમાં રસ્તા પર પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું. જેને પગલે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

અહીંયા વરસાદની શક્યતા
આજે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, સુરત, ડાંગ, તાપી, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવાથી મઘ્યમ વરસાદની શક્યતા છે.