ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ સમગ્ર ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહ્યું છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ લોકો વિચારવા મજબૂર છે કે 27 વર્ષથી ભાજપે ગુજરાતને શું આપ્યું? હવે લોકો ઈચ્છે છે કે શિક્ષણ, આરોગ્ય, રોજગાર જેવા મુદ્દાઓ પર કામ કરનારી સરકાર બને. જનતાનો અભિપ્રાય જાણીને આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઇસુદાન ગઢવીને જાહેર કરવાના નિર્ણયને જનતાએ પણ ભરપૂર સમર્થન આપ્યું છે. આમ આદમી પાર્ટીને ઇસુદાન ગઢવીના કારણે ગુજરાતની જનતાનો ઘણો પ્રેમ મળી રહ્યો છે અને હવે જનતા પરિવર્તન ઇચ્છે છે. પરિવર્તનના આ અનુક્રમને આગળ વધારતા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં જેવા કે હોળી ચકલા રોડ-ચમનપુરા, ખમાશા-જમાલપુર અને શાહ આલમ રોડ-દાણીલીમડામાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત રોડ શોમાં ભાગ લીધો હતો.
આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદમાં આયોજિત રોડ શોને ભગવંત માનના નેતૃત્વમાં અને આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ અને કાર્યકરોઓ સાથે મળીને સફળ બનાવી હતી. જેમાં અમદાવાદના સ્થાનિક લોકોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો અને આમ આદમી પાર્ટી પ્રત્યે પોતાનું સકારાત્મક સમર્થન જાહેર કર્યું હતુ.
પંજાબનાં મુખ્યમંત્રી ભગવંત માન એ રોડ શોમાં દરમિયાન હજારો લોકોને સંબોધતા કહ્યું કે, આ રોડ શો આસપાસના જેટલા પણ ઘરો છે, એ ઘરોની બારીઓથી, છત અને બાલ્કનીથી લોકો અમારા પર ફૂલોની વર્ષા કરી રહ્યા છે. એનો અર્થ સ્પષ્ટ કે ગુજરાતની જનતાએ પરિવર્તન માટે નિર્ણય લઇ લીધો છે. દેશનાં અને ગુજરાતની જનતા પાસે સતત બીજા લોકો ‘અચ્છે દિન’ નું વચન આપી રહ્યા હતા, ‘અચ્છે દિન’ ની તો ખબર નથી, પરંતુ ગુજરાતમાં 8મી ડિસેમ્બરથી ‘સચ્ચે દિન’ ચોક્કસ આવવાના છે. આમ આદમી પાર્ટી સામાન્ય લોકોની પાર્ટી છે અને એટલા જ માટે અમે લોકોના મનની વાત જાણીએ છીએ. હું એક સામાન્ય પરિવારમાંથી આવતો માણસ છું. મારા પરિવારમાંથી કોઈ સરપંચ પણ નહોતું બન્યું, પરંતુ આજે હું મુખ્યમંત્રી બની ગયો છું. આ માત્ર આમ આદમી પાર્ટીમાં જ આ શક્ય બની શકે છે.
પંજાબના કેટલાક લોકો માનતા હતા કે, તેમને કોઈ નહીં હરાવી શકે. પરંતુ તે બધા મોટા-મોટા લોકોને સામાન્ય લોકો એ હરાવ્યા. બાદલ, કેપ્ટન, મજીઠિયા, સિદ્ધુ આ બધા હારી ગયા, આ બધાને અમે નહીં પરંતુ લોકોએ ઘરે બેસાડી દીધા. અમે તો માત્ર એક મોકો માંગ્યો હતો. એકવાર અમને મોકો આપ્યા બાદ, જનતા ક્યારેય બીજાને મોકો આપતી જ નથી. કોંગ્રેસ 1885માં બની હતી અને આમ આદમી પાર્ટી 2013માં બની હતી. આજે દિલ્હીમાં તેમની એક પણ સીટ નથી. 2015માં પણ તેમની પાસે એક પણ સીટ નહોતી.
ગુજરાતમાં 2015 પછી એવું કોઈ પેપર જ નથી કે જે ફૂટ્યું ન હોય. આનાથી યુવાનોના દિલ તૂટી જાય છે. ગુજરાતનો છોકરો મને મળ્યો હતો, તે મારી સામે રડવા લાગ્યો હતો. તેણે કહ્યું કે, તે અડધી રાત સુધી અભ્યાસ કરતો હતો અને સવારે 4-5 વાગ્યે જાગી જતો હતો, પરંતુ પેપર ફુટી ગયું. એ છોકરાએ કહ્યું કે તેને લાગતુ હતુ કે, પુસ્તક તેનું જીવન બદલી નાખશે. પરંતુ દિવસ-રાત અભ્યાસ કર્યા બાદ પણ પેપર ફૂટવાના કારણે તે ખૂબ જ નિરાશ થઇ ગયો હતો. આજે ગુજરાતમાં દરેક વિભાગ આંદોલન કરી રહ્યો છે. અમે પંજાબમાં જૂની પેન્શન યોજના લાગુ કરી દીધી છે. ગુજરાતમાં જૂની પેન્શન યોજના લાગુ નથી કારણ કે અહીંના લોકોને કાયમી નોકરી પર રાખતા જ નથી. જ્યાં જુઓ ત્યાં સરકારી કચેરીઓમાં લોકોને કોન્ટ્રાક્ટમાં કામ આપવામાં આવે છે. મેં સાંભળ્યું છે કે ગુજરાતમાં પોલીસને પણ કોન્ટ્રાક્ટ પર કામ આપવામાં આવે છે. તેમને કોઈપણ સમયે કામમાંથી નિકાળી દે છે.
આમ આદમી પાર્ટી આવશે અને આઉટસોર્સિંગની સિસ્ટમનો અંત લાવશે. સરકારી નોકરી પણ મળશે અને આજીવન પેન્શન પણ મળશે. તમે વિચારશો કે મોટા લોકો બેંકો લૂંટીને જતા રહે છે અને તેમાં આપણું શું નુકસાન જાય છે? આપણે ટેક્સ ચૂકવીએ છીએ તેથી આપણને પણ નુકસાન થાય છે. જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ, ત્યારે ચા બનાવવા માટે માચીસની દિવાસળી સળગાવીએ છીએ, ત્યાંથી લઇને સિલિન્ડર ચલાવવા સુધી, ચાની પત્તી નાંખવામાં, ખાંડ નાંખવામાં, દૂધ નાંખવામાં, પરાઠા ખાવામાં, કોઈ સંબંધીને ફોન કરવામાં, મોટરસાઇકલ લઇને કોઇને મળવા જવામાં, શાકભાજી ખરીદવા બધી જગ્યાએ ટેક્સ આપીએ છીએ. જ્યારે તમે રાત્રે સૂઈ જાઓ છો અને વિચારો છો કે સદભાગ્યે હવે કોઈ ટેક્સ નથી, તેવું નથી. જો તમે રાત્રે પંખો ચાલુ રાખીને સૂતા હોવ તો તેમાં પણ ટેક્સ લાગે છે.
જનતા 24 કલાક ટેક્સ ભરે છે, સૂતી વખતે પણ ટેક્સ ભરે છે, તો તિજોરી કેવી રીતે ખાલી થાય છે? પોતાના સંબંધીઓ માટે તિજોરીઓ કેમ ખાલી નથી થતી? શું આ માટે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, સુભાષચંદ્ર બોઝે લડાઇ લડી હતી કે, અંગ્રેજો જતા રહે અને આપણાવાળા લૂંટવા માટે આવી જાય. આ તેમના સપનાની આઝાદી નથી, તેમના સપનાની આઝાદી આવશે, જે દિલ્હી અને પંજાબમાં થયું તે ગુજરાતમાં પણ થશે. આ લોકો કહે છે કે, ડબલ એન્જિન છે, જ્યારે એક જ એન્જિન સારું છે તો ડબલ એન્જિનની શું જરૂર છે? ગુજરાતને ડબલ એન્જિનની નહીં પણ નવા એન્જિનની જરૂર છે. જો એન્જીન પ્રમાણિક હોય અને ડબ્બામાં લૂંટ થતી હોય તો આવા એન્જીનનું શું કરવું? એન્જીન ઈમાનદાર છે અને ડબ્બા પણ ઈમાનદાર હોય તેવી આમ આદમી પાર્ટી સરકાર બનાવીશું.
બીજી પાર્ટીવાળાઓને લાગે છે કે તે લોકો પૈસા આપીને જનતાના વોટ ખરીદી લેશે. પરંતુ હું તેમને યાદ અપાવી દઉં કે, જનતા નથી વેચાતી, માત્ર નેતાઓ વેચાય છે, જેવી રીતે કોંગ્રેસ પાર્ટીનાં નેતાઓ વેચાઈ જાય છે. ગુજરાતમાં જ્યારે કોઈને પૂછવામાં આવે કે આ વખતે ગુજરાતમાં શું જોઈએ છે? તો સૌ કહે છે કે આ વખતે માત્ર પરિવર્તન જોઈએ છે અને પરિવર્તનનો અર્થ છે આમ આદમી પાર્ટી. બીજી પાર્ટીઓને વોટ આપવો એ વોટની બરબાદી છે. અન્ય પાર્ટી તમારા વોટનો સોદો કરે છે. આજે આપણી પાસે જે મતદાર કાર્ડ છે તે આપણા દેશની આઝાદી માટે લડનારા શહીદોના કારણે મળ્યું છે. વોટનો સોદો કરવાનો અર્થ એ શહીદોનું અપમાન છે. આ વખતે મને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતની જનતા તેમનો વોટ માત્ર આમ આદમી પાર્ટીને જ આપશે અને આ ચૂંટણીને ઐતિહાસિક ચૂંટણી બનાવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.