Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદ(Ahmedabad)ના આંગણે પ્રમુખસ્વામી મહારાજનો ભવ્યાતિ ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ શતાબ્દી મહોત્સવમાં પ્રમુખસ્વામી મહારાજના સેવકોથી લઈ અનેક હરિભક્તો પણ ખડે પગે નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે. દરરોજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. આ પ્રમુખસ્વામી નગર(pramukh swami nagar)ને જોઇને સૌ કોઈ લોકો અભિભૂત અને ભાવવિભોર થઇ રહ્યા છે. આ શતાબ્દી મહોત્સવ 15 જાન્યુઆરી સુધી ચાલશે. તો ગઈકાલે ‘પ્રમુખ સ્વામી મહારાજ’ નગર ખાતે ‘ગુજરાત ગૌરવ દિન’ની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગઈકાલે સંધ્યા કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા કલાકારો દ્વારા ભજન કીર્તનનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.
જાણીતા ગાયક કલાકારો દ્વારા ભજન કીર્તનનો યોજાયો કાર્યક્રમ:
પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં ગઈકાલે પ્રમુખ નગરીમાં જાણીતા ગાયક કલાકાર હેમંત ચૌહાણ, કીર્તિદાન ગઢવી અને રાજભા ગઢવી તેમજ ઓસમાણ મીર દ્વારા ભજન કીર્તનનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. લોક કલાકારો દ્વારા વિરલ સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજની ભૂમિકા અને તેમના પ્રદાનોને આજના કાર્યક્રમની સભામાં વિવિધ પ્રસ્તુતિઓ દ્વારા અંજલિ અર્પણ કરવામાં આવી હતી.
પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ ડાયરાની રમઝટ બોલાવી હતી. લોકસાહિત્યકાર ઓસમાણ મીરે પણ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં આયોજીત ડાયરામાં હાજરી આપી હતી.
પ્રખ્યાત લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવીએ પણ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં હાજરી આપી હતી અને સંબોધન પણ કર્યુ હતુ.
વિશ્વ વિખ્યાત ભજનિક હેમંત ચૌહાણે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં ભજનોની રમઝટ બોલાવી હતી. જગવિખ્યાત ગુજરાતી લોકસાહિત્યકાર કિર્તિદાન ગઢવીએ પણ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં ડાયરાની મોજ કરાવી હતી. લોકસાહિત્યકાર અને હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ પણ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં હાજર રહ્યા હતા.
જાણીતા લોક સાહિત્યકાર અને ગાયક ભીખુદાન ગઢવીએ જણાવતા કહ્યું…
ભીખુદાન ગઢવીએ કહ્યું કે, પ્રમુખસ્વામી મહારાજની હાજરીમાં મેં અનેક કાર્યક્રમો કર્યા છે ત્યારે તેઓ નાના બાળકની જેમ હસતા હતા, તેવું પવિત્ર એમનું હાસ્ય હતું. પ્રમુખસ્વામી મહારાજ નગરને વર્ણવા માટે મારી પાસે શબ્દો નથી, તેવું ભવ્ય અને દિવ્ય આ નગર છે. પ્રમુખસ્વામી મહારાજનું હૃદય એકદમ ઋજુ હતું અને એમના ચરણોમાં વંદન કરીએ એટલે બધું જ આવી જાય.”શાંતિ પમાડે તેને સંત કહીએ , એના દાસના દાસ થઈને રહીએ” એવા શાંતિ આપનારા સંત પ્રમુખસ્વામી મહારાજ હતા અને મહંતસ્વામી મહારાજ છે.’ સંતોનો સ્વભાવ છે એવો , જનેતાની ગોદના જેવો’ આ પંક્તિને ચરિતાર્થ કરતા પ્રમુખસ્વામી મહારાજે સૌને જનેતાની જેમ પ્રેમ આપ્યો છે અને લોકોના દિલોમાં સ્થાન પામ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેવા સંતોના મુખમાંથી નીકળતા વેણ એ મોતી જેવા વેણ છે જેનો ચારો કરી લઈશું તો જીવન બદલાઈ જશે.
હાસ્ય કલાકાર અને સંગીતકાર પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડે જણાવતા કહ્યું…
શાહબુદ્દીન રાઠોડે કહ્યું કે, પ્રમુખસ્વામી મહારાજનું હાસ્ય નાના બાળક સમાન હતું અને તેઓને મારા પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો જો ‘I’ એટલે કે અહંકારને આડો પાડી દઈએ તો ભગવાન સુધી પહોંચવાનો પુલ બની જાય. પ્રમુખસ્વામી મહારાજ આવા અહંશૂન્ય પુરુષ હતા. આ મહોત્સવ ન જોયો હોત તો વસવસો રહી જાત.
પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ માટે તૈયાર કરવામાં આવેલ પ્રમુખસ્વામી નગર કોઈને પણ મંત્રમુગ્ધ કરી દે તેવું છે. જેને જોઇને સૌ કોઈ લોકો અભિભૂત થઇ જાય છે. મહત્વનું છે કે, અહીં નગરમાં અનેકવિધ પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી છે. આધ્યાત્મિક અને વિજ્ઞાનનું મહત્વ સમજાવતી પ્રતિકૃતિઓ સાથે સાથે જીવનમાં વિજ્ઞાન સાથે ધર્મનું મહત્વ સમજાવા માટે રોકેટ, અને આઈન્સ્ટાઈનના સૂત્ર સાથે સાથે સાથિયા, ધૂપ, ૐ જેવી ભારતીય સંસ્કૃતિને દર્શાવતી પ્રતિકૃતિઓ પણ લગાવવામાં આવી છે.
માત્ર એટલું જ નહી પરંત લંડનના એક ગ્રુપે બનાવેલું પ્રમુખ સ્વામી મહારાજનું પેઈન્ટિંગ સૌનું આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યું છે. આ પેઈન્ટિંગને પેકેજિંગ બબલ રેપમાંથી તેયાર કરવામાં આવ્યું છે. આ પ્રમુખ સ્વામી મહારાજનું પેઈન્ટિંગ લંડન મંદિરની મહિલા મંડળ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. નવાઈની વાત તો એ છે કે, આ ઐતિહાસિક કાર્યક્રમમાં હિસ્સો બનવા માટે અમેરિકાથી ગૂગલના સોફ્ટવેર એન્જિનિયર તરીકે ફરજ બજાવી રહેલા અક્ષર મોદી પણ સ્વયંસેવક તરીકે જોડાય ગયા છે. તેઓ બાપાના પ્રસંગ માટે ખાસ 1 મહિનાની રજા લઈને અમદાવાદ આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.