હાલના દિવસોમાં શ્રીલંકા(Sri Lanka) ચર્ચાનો વિષય બની ગયું છે. ભીષણ આર્થિક સંકટ (Economic crisis)માં ફસાયેલા શ્રીલંકામાં ભારે ઊથલપાથલ થઈ રહી છે. રાષ્ટ્રપતિ(President) દેશ છોડીને ભાગી ગયા છે અને વડા પ્રધાનના રાજીનામા માટે પ્રદર્શનો થઈ રહ્યાં છે. આ બધી જ ઘટનાઓની પાછળ શ્રીલંકાની કથળી ગયેલી આર્થિક સ્થિતિ જવાબદાર છે. 1948માં બ્રિટનથી સ્વતંત્રતા બાદ શ્રીલંકા તેના સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે અને વિદેશી મુદ્રાકોષના ગંભીર સંકટમાંથી નીકળવા માટે તેને જલદી કમસે કમ ચાર અબજ ડૉલરની જરૂર છે.
શ્રીલંકાના આર્થિક અખબાર ડેલી ફાયનાન્સિયલ ટાઇમ્સે એક લેખમાં લખ્યું છે કે ‘વિદેશી દેવાની ચુકવણીને નિલંબિત કરવી એ નાદાર થવાના સંકેત છે.’ શ્રીલંકામાં હાલ અફરાતફરીનો માહોલ છે. ખાવા-પીવાની વસ્તુઓની કિંમત એટલી વધી ગઈ છે કે તે સામાન્ય લોકોની પહોંચથી બહાર થઈ ચૂકી છે. જરૂરી દવા પણ નથી મળી શકી રહી. જાણવા મળ્યું છે કે, દેશ પર હાલ વિદેશી દેવાનો બોજો 50 અબજ ડૉલર છે. શ્રીલંકાના ચલણ રૂપિયામાં પણ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.
ભારત સાથે સરખામણી:
હાલ જે પરિસ્થિતિમાંથી શ્રીલંકા પસાર થઈ રહ્યું છે, તેવી જ સ્થિતિનો સામનો ભારત 1991માં કરી ચુક્યો છે. તે સમયે ભારતનો વિદેશી મુદ્રા ભંડાર લગભગ ખાલી થઈ ચૂક્યો હતો. જાણવા મળ્યું છે કે, ત્યારે એક અબજ ડૉલરથી ઓછું ભંડોળ બાકી હતું. આ ડૉલર માત્ર 20 દિવસના ઑઇલ અને ફૂડ બિલની ચુકવણીમાં ખતમ થવાના હતા.
મળતી માહિતી અનુસાર, તે સમયે ભારતનું વિદેશી દેવું 72 અબજ ડૉલર સુધી પહોંચી ચૂક્યું હતું. બ્રાઝિલ અને મેક્સિકો બાદ ભારત ત્યારે વિશ્વનું ત્રીજું સૌથી મોટું દેવાદાર હતું. દેશનાં અર્થતંત્ર અને સરકાર પરથી લોકોનો વિશ્વાસ ઊઠતો જઈ રહ્યો હતો.
ભારતની આ સ્થિતિ પાછળ કેટલાક આંતરરાષ્ટ્રીય કારણો પણ જવાબદાર હતા. જેમ કે, 1990માં ગલ્ફ વૉરની શરૂઆત થઈ અને તેની સીધી અસર ભારત પર પડી. વૈશ્વિક સ્તરે ઑઇલની કિંમત વધી અને તેની પકડમાં ભારત પણ આવી ગયું. ભારતમાં એ સમયે રાજકીય અનિશ્ચિતતા વધી ગઈ હતી. 1990થી 91 વચ્ચે રાજકીય અસ્થિરતા ચરમ પર રહી.
આવી સ્થિતિમાં ભારતની અર્થવ્યવસ્થા ખોરવાઈ ચૂકી હતી. NRI પોતાનાં નાણાં કાઢવા લાગ્યા હતા અને નિકાસકારોને લાગવા માંડ્યું કે ભારત તેમનાં નાણાં નહીં ચૂકવી શકે અને ડિફૉલ્ટર જાહેર થઈ જશે. પરંતુ પી. વી. નરસિમ્હા રાવે નાણામંત્રી મનમોહનસિંહ દ્વારા ઘણા સુધારાને અંજામ અપાયો અને ભારતીય અર્થતંત્રમાં માળખાકીય પરિવર્તનને કારણે બધું નિયંત્રિત થઈ શક્યું.
ડૉ. મનમોહનસિંહની ભૂમિકા:
લોકસભાની ચૂંટણી મે 1991માં યોજાઈ હતી. ત્યારે રાજીવ ગાંધીએ નરસિંહ રાવને લોકસભાની ટિકિટ પણ આપી નહોતી અને તેઓ રાજકીય નિવૃત્તિ ભણી જઈ રહ્યા હતા. પરંતુ, ચૂંટણીપ્રચાર દરમિયાન રાજીવ ગાંધીની હત્યા થઈ. કૉંગ્રેસના નેતા તરીકે નરસિંહ રાવની પસંદગી થઈ હતી. બહુમતી માટે જરૂરી સાંસદોનો ટેકો તેમણે મેળવ્યો અને સરકાર બનાવી.
આ પછી નાણામંત્રી તરીકે તેમની પ્રથમ પસંદગી અર્થશાસ્ત્રી આઈજી પટેલ હતા, પરંતુ તેમણે પ્રધાનપદું સ્વીકારવા ના પાડી હતી. તે પછી વડા પ્રધાન રાવની નજર ચંદ્રશેખર સરકારના આર્થિક સલાહકાર મનમોહન સિંહ પર પડી. બાદમાં તેઓ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ચૅરમૅન બન્યા હતા. વરિષ્ઠ પત્રકાર શંકર ઐયરના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય નાણાસંસ્થાઓમાં મનમોહન સિંહની પ્રતિષ્ઠા હતી અને વડા પ્રધાન રાવ તેમને નાણામંત્રી બનાવીને આંતરરાષ્ટ્રીય બૅન્કો પાસેથી સરળતાથી ધિરાણ લેવા માગતા હતા.
મનમોહનસિંહ નાણામંત્રી બનવા તૈયાર થયા અને નરસિંહ રાવે તેમને સતત સાથ આપ્યો:
આ અંગે સૂર્યપ્રકાશ કહે છે, “અર્થતંત્રને મુક્ત કરવાના પ્રયાસો સામે ડાબેરી સાંસદો મનમોહન સિંહ પર પ્રહારો કરતા હતા. નરસિંહ રાવ તેમની પાછળ મજબૂતીથી ઊભા રહ્યા. તેમણે કહ્યું કે અમે તમારી સાથે છીએ, તમે મક્કમ રહેજો. પાંચ વર્ષ નાણામંત્રી તરીકે રહ્યા અને નરસિંહ રાવ તેમને સમર્થન આપતા રહ્યા.”
આ પછી નરસિંહ વર્ષ 1991 24 જુલાઈના રોજ રાવની સરકાર જૂનમાં સત્તામાં આવી અને એક મહિના પછી બજેટ રજૂ થયું તે ઐતિહાસિક સાબિત થયું અને દેશનું નસીબ પલટાયું. સામાન્ય રીતે બજેટ તૈયાર કરવામાં ત્રણેક મહિના લાગી જતા હોય છે, પરંતુ મનમોહનસિંહે માત્ર એક જ મહિનામાં કરી બતાવ્યું હતું.
જેના કારણે નિયંત્રિત અર્થતંત્રના દરવાજા ખોલી દેવાયા, ખાનગી કંપનીઓ આવી, વિદેશી કંપનીઓએ પણ પ્રવેશ કર્યો. આ ફેરફારોનાં પરિણામો ઝડપથી દેખાવાં લાગ્યાં. પૈસો પૈસાને ખેંચીને લાવવા લાગ્યો. કેટલીક સરકારી કંપનીઓનું ખાનગીકરણ થયું. વિદેશી મૂડીરોકાણ આવ્યું. આ સિવાય ભારતીય કંપનીઓનો પણ વિકાસ થવા લાગ્યો. કરોડો નવી રોજગારી ઊભી થઈ અને પહેલી વાર કરોડો લોકો ગરીબીરેખાની ઉપર આવી શક્યા. અને એ વખતે ભારતીય અખબારોમાં મનમોહનસિંહ હીરો બની ગયા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.