ગરમી વધશે કે ઘટશે? આગામી 7 દિવસ કેવું રહેશે ગુજરાતનું હવામાન, જાણો આગાહી

Gujarat Weather Forecast: ગુજરાતમાં હવામાનમાં અચાનક પલટો આવતા વહેલી સવારે તથા સાંજના સમયે વાતાવરણ ઠંડું થઈ જતું હતું, આવામાં અમદાવાદ, ગાંધીનગર સહિતના ભાગોમાં (Gujarat Weather Forecast) રાતના સમયે ઠંડક અનુભવાઈ રહી હતી. જોકે, હવે આગામી સમયમાં હવમાનની સ્થિતિ કેવી રહી શકે છે તે અંગે હવામાન વિભાગએ જણાવ્યું છે.

7 માર્ચથી ગરમીનું પ્રમાણ વધવાની સંભાવનાઓ
મહત્તમ તાપમાનમાં વધારો થવાનું પૂર્વાનુમાન છે. આ સાથે રાજ્યમાં ગરમીનો પારો વધવાથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના દરિયાકાંઠાના ભાગોમાં અકળામણનો અનુભવ થવાની સંભાવનાઓ પણ હવામાન વિભાગે તારીખો સાથે વ્યક્ત કરી છે. નોંધનીય છે કે, રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતમાં 7 માર્ચથી ગરમીનું પ્રમાણ વધવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.

મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગએ જણાવ્યું કે, આગામી 7 દિવસ સુધી ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. જેમાં તેમણે મહત્તમ અને લઘુત્તમ બન્ને તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. રામાશ્રય યાદવ જણાવે છે કે, આગામી 5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે.

આ સાથે જ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં મહત્તમ તાપમાનનો પારો 34.6 અને ગાંધીનગરમાં 34.8 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવનાઓ છે.ગુજરાતમાં સૌથી ઊંચું મહત્તમ તાપમાન 37.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ભૂજમાં નોંધાયું છે, ઉત્તરથી ઉત્તર-પશ્ચિમના પવનો ગુજરાતમાં ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગે ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં ગરમીના કારણે 9થી 11 માર્ચ દરમિયાન અકળામણનો અનુભવ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.

રાજ્યમાં અચાનક બરફીલા પવનો છૂટ્યા હોય તેવો અનુભવ મોડી રાત્રે તથા સવારના સમયે બે દિવસ થયો હતો, જોકે, તે પછી ફરી એકવાર તાપમાનમાં વધારો થવાની સભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.