સવારમાં ઠંડી, બપોરે ગરમી, હવે કેવું રહેશે ગુજરાતનું તાપમાન? જાણો લેટેસ્ટ આગાહી

Gujarat Heat Forecast: સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનો શિયાળાનો છેલ્લો મહિનો ગણવામાં આવે છે. જ્યારે ફેબ્રુઆરી મહિનો પણ અડધો થયો છે ફેબ્રુઆરી મહિના (Gujarat Heat Forecast) સાથ શિયાળો પણ અંત તરફ જઈ રહ્યો છે. રાજ્યના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. નલિયામાં પણ તાપમાન ઉચકાઈને 15 ડિગ્રી સુધી પહોંચી ગયું છે અને આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર ન થવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે.

નલિયામાં 15.6 ડિગ્રી લઘુતમ તાપમાન પહોંચ્યું
ગુજરાતમાં હવે શિયાળો અંત તરફ આગળ વધી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે રવિવારે ગુજરાતમાં 15.1 ડિગ્રીથી લઈને 22.7 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં નલિયામાં 15.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતુ. જ્યારે દીવમાં રાજ્યનું સૌથી નીચું 15.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે દ્વારકામાં 22.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ડીસામાં 18.2 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.

અમદાવાદમાં 20 ડિગ્રી નજીક પહોંચ્યું તાપમાન
રાજ્યમાં વધતા જતાં તાપમાન વચ્ચે અમદાવાદ શહેરમાં પણ તાપમાન વધી ગયું છે. અમદાવાદ શહેરમાં બપોરના સમયમાં તો રીતસરનો ઉનાળો આવી ગયો હોય એવો અહેસાસ થાય છે. ત્યારે અમદાવાદમાં તાપમન વધીને 20 ડીગ્રી નજીક પહોંચી ગયું છે. અમદાવાદમાં રવિવારે 19.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગે શું કરી આગાહી?
ગુજરાતમાં ઠંડી ધીમે ધીમે ઘટતી જાય છે અને ઉનાળો હવે આવીને ઊભો હોય એવું લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં તાપમાનમાં કોઈ ફેરફાર ન થવાની શક્યતાઓ સેવી છે. હવે ધીમે ધીમે ગરમી પડવાની શરૂ થઈ જશે. એટલે ઉનાળો હવે એકદમ નજીક છે.

અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, 17-18-19 ફેબ્રુઆરીએ રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. વાદળો આવવાથી જીરા અને ઘઉંના પાકોમાં અસર થશે. ગરમીના વટઘટથી ઘઉંના પાકમાં અસર જોવા મળશે. નબળા વેસ્ટર્ન ડિસ્ટબન સાથે પવન દૂર રહેશે. જેથી ગાંધીનગરના આસપાસના વિસ્તારોમાં પવન આંશિક રહેશે. રાજ્યના કેટલાક ભાગોમાં 17-18-19 તારીખે પવનની ગતિ 20 કિમી પ્રતિ કલાકથી ઉપર રહેશે. કેટલાક ભાગોમાં 18 કિમી પ્રતિ કલાકે રહેવાની શક્યતા છે. ઉત્તર અને પૂર્વ ગુજરાત અને કચ્છના ભાગોમાં પવનનું જોર વધુ રહેશે.

ગરમીની મહાભયંકર આગાહી
પશ્ચિમ અને વાયવ્યના પવનને કારણે બેવડી ઋતુ અનુભવ થઈ શકે છે. ત્યારે આગામી 7 દિવસ વાતાવરણ યથાવત રહેવાના અણસાર છે. હવે ગરમીનો પારો ઊંચકાશે. આગામી 2 દિવસ પછી તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ગરમીના પ્રમાણમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી છે.