ગુજરાતમાં આગામી સાત દિવસ કેવું રહેશે વાતાવરણ, જાણો હવામાન વિભાગની આગાહી

Gujarat Weather Update: ગુજરાતમાં હાલ શિયાળા અને ઉનાળાની મોસમ સાથે ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે. સવારે અને રાત્રે ઠંડક અને બપોરે ગરમીનો (Gujarat Weather Update) અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આવી મિક્સ ઋતુમાંથી ગરમીનો પારો ત્રણથી ચાર ડિગ્રી વધ્યો છે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીને વટાવી ગયું છે. જ્યારે ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રીને પાર છે. ત્યારે આગામી સાત દિવસ ગુજરાતમાં હજી કેટલી ગરમી વધશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે તે જોઈએ.

તાપમાન ધીરે ધીરે ઉંચુ જશે
હવામાન વિભાગે જણાવ્યું કે,ગુજરાતમાં હાલ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. આગામી પાંચ દિવસ સુધી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય પરંતુ તાપમાન ધીરે ધીરે ઊંચું જશે.હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં પોરબંદર 15.5 ડિગ્રી સાથે સૌથી ઠંડો જિલ્લો રહ્યો હતો.

આ સાથે નલિયામાં હવામાન 16 ડિગ્રીને પાર પહોંચ્યું હતું. આ ઉપરાંત રાજકોટમાં 19, ભાવનગરમાં 19.7, ડીસામાં 18.2, ગાંધીનગરમાં 17.5, અમદાવાદમાં 19.2, વડોદરામાં 17.6, સુરતમાં 19.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 34 ડિગ્રી અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 34.5 જ્યારે રાજ્યમાં સૌથી વધુ ભાવનગરમાં મહત્તમ તાપમાન 35.8 ડિગ્રી નોંધાયું છે.

મહત્તમ તાપમાન 35 ડિગ્રી જવાની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ સ્પષ્ટ રહેશે. આ સાથે આજે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી રહેવાની શક્યતા છે. આ સાથે મહત્તમ તાપમાન 35 ડિગ્રી જવાની આગાહી છે. હાલ તાપમાનમાં પરિવર્તન થઈ રહ્યું છે. પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમની જે હવા આવી રહી છે જેના બે દિશાના પવનથી આવેલી રહેલી હવા મિક્સ થવાના કારણે પવનો મિક્સ ફૂંકાઈ રહ્યા છે.

મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્યથી ઉપર છે. પવનની દિશાને કારણે તાપમાન થોડું વધારે છે. નોંધનીય છે કે, હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે સવારે હળવી ઠંડીનો અહેસાસ થાય છે. બપોરના સમયે સૂકું હવામાન જોવા મળે છે.