ગુજરાત: ખેડા (Kheda) જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ-વડોદરા (Ahmedabad-Vadodara) ના એક્સપ્રેસ હાઇવે (Express Highway) પર અકસ્માતોનું પ્રમાણ સતત વધતું જઈ રહ્યું છે ત્યારે ગત મધરાતે વડોદરાથી અમદાવાદ બાજુ જતાં મહેમદાવાદ (Mahemdavad) નજીકના માંકવા ગામમાં ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. જેમાં 2 ચાલકોને કાળ ભરખી ગયો છે.
પુરપાટ ઝડપે આવતી મીની બસે બંધ પડેલ આઈસર તેમજ ટો કરવા આવેલ આઇસરને પાછળથી ટક્કર મારતાં બન્ને આઈસર ચાલકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતા જયારે મહેમદાવાદ પોલીસ દ્વારા ફરિયાદના આધારે ફેટલ અકસ્માતનો ગુનો નોંધવામાં આવ્યો છે.
મહેમદાવાદ તાલુકામાં આવેલ માંકવા ગામની સીમમાં ગત મધરાત્રે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. અહીંથી પસાર થતાં અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર અમદાવાદ બાજુ જઈ રહેલ આઈસર (GJ-27-T-8851) ટ્રક એકાએક બંધ પડી ગઈ હતી. જેથી આ આઈસરના ચાલક અશોક પ્રતાપ રાઠોડે પોતાના વાહનને રોડની સાઈડમાં થોભાવ્યું હતું.
બાદમાં શરુ કરવાના પ્રયાસો કર્યા હતા પણ વાહન ચાલુ થયું ન હતું. અશોક પાસે વાહનને ટો કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હતો. ભારે જહેમત પછી ટોઈંગ વાહન મળ્યું હતું. અન્ય ટોઈંગ આઈસર ટ્રક (નં. GJ-23-W-7791)ના ચાલકે પોતાનું વાહન આ બંધ પડેલ વાહન આગળ ઊભું કરીને બન્ને આઈસર ચાલકો ટો કરવાનો પટ્ટો બાંધી રહ્યા હતા.
આ સમયે પુરપાટ ઝડપે આવતી મીની બસ (નં. MH-46-J-0190)ના ચાલકે આ બંધ પડેલ આઈસરને પાછળથી ટક્કર મારતા બંધ પડેલ વાહનની ટો કરવાની કામગીરી કરતાં અશોક રાઠોડ (ઉ. વ. 41) અને ટોઈંગ ચાલક પંકજ જયંતિભાઈ ઝાલા એમ બન્નેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે.
એક્સપ્રેસ હાઇવે પરના લોકોને આ ઘટનાની જાણ થતાંની સાથે જ તેઓ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા કે, જે બાદ મૃતકના પરિજનોને તેમજ મહેમદાવાદ પોલીસને જાણ કરી દેવામાં આવી હતી. પોલીસ દ્વારા આ અંગે મરણજનાર અશોકના સગાભાઈ દશરથ રાઠોડની ફરિયાદને આધારે મીની બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.