ભરૂચ (ગુજરાત): ભરૂચના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક આવેલા સારસા ગામના નાળા પાસે ગત મહિને જીપ અને બાઇક વચ્ચે એક અકસ્માત થયો હતો, જેમાં બાઇકસવારના માતાનું ધડ માથાથી અલગ થઇ જતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું, જ્યારે પિતા-પુત્રીને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જે બનાવે રાજપારડી પોલીસ મથકે જીપ અને બાઇક વચ્ચેના અકસ્માત બાબતે ફરિયાદ નોંધી હતી, જ્યારે રાજપારડી પીએસઆઈ જયદિપસિંહ જાદવની પોલીસ તપાસમાં ચોંકીવનારી માહિતી સામે આવી હતી.
અગાઉ 3 વખત કર્યો હતો ગાડીથી મારવાનો પ્રયત્ન
અકસ્માતના ફરિયાદી દિનેશ બિજલ વસાવાને આરોપી અશોક ઉર્ફ વિષ્ણુ જીતુ વસાવાની પત્ની સાથે છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ સંબંધ હતો. જે પ્રેમ સંબંધના કારણે દિનેશ અને આરોપી અશોકની સાથે બોલાચાલી તેમજ ઝઘડો થયો હતો. જે બાબતની અદાવત રાખી આરોપી અશોકે ભૂતકાળમાં ત્રણ વાર છોટા હાથી ટેમ્પો વડે ફરિયાદી દિનેશને જાણી જોઈને અકસ્માત કરી જાનથી મારી નાંખવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે આરોપી અશોક વસાવાને મળતી માહિતી મુજબ પત્ની સાથીના પ્રેમ સંબંધની અદાવત રાખી તેની બોલેરો જીપ લઇ સારસા ગામના નાળા પાસે ફરિયાદી દિનેશ વસાવાની તે પહેલાથી જ રાહ જોઇ ઉભો હતો.
ફરિયાદીની માતાનું માથું ધડથી નોખું થઈ ગયું
આ દરમિયાન ફરિયાદી દિનેશ વસાવા તેની માતા વનિતાને તથા તેની પાંચ વર્ષીય પુત્રી દેવિકાને લઇ બાઇક ઉપર જઈ રહ્યો હતો. આ તકની રાહ જોઇ રહેલા આરોપી અશોકે પોતાની બોલેરો જીપને હંકારી ફરિયાદી દિનેશની બાઇકને પાછળથી જાણી જોઇને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જ્યારે આ અકસ્માતમાં ફરિયાદી દિનેશની માતા વનિતા બેન વસાવાનું માથું તેમના ધડથી અલગ થઇ જતા તેઓનું ઘટનાસ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક સવાર દિનેશ તેમજ તેની પુત્રીને શરીર ઉપર સામાન્ય ઇજાઓ પહોંચી હતી.
બનાવ સંદર્ભે પૂરતી તપાસ બાદ હત્યાના ગુનાને અકસ્માતમાં ખપાવવાના પ્રયાસને રાજપારડી પોલીસે એક માસ બાદ ખુલ્લો પાડ્યો હતો. રાજપારડી પોલીસે હત્યારા આરોપી અશોકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.