ગુજરાતમાં કમરતોડ રોડનો ઈલાજ ક્યારે? રોડમાં ખાડા કે ખાડામાં રોડ! તસવીરોમાં જુઓ વિકાસ

Gujarat Heavy Rain: ગુજરાતમાં રોડ રસ્તાની દયનીય સ્થિતિ છે. રાજ્યના રોડ રસ્તા પરથી પસાર થતાં પહેલા જો તમે વીમો કઢાવ્યો ન હોય તો સૌથી પહેલા એ કામ કરી લેજો કારણ કે આ રોડ તમારી કમર તો તોડશે એ નક્કી છે, સાથે સાથે અહીં ચાલવામાં(Gujarat Heavy Rain) જીવનું જોખમ પણ છે. રાજ્યનો નાનો જિલ્લો હોય કે પછી મોટું મહાનગર. તમામ જગ્યાએ સ્થિતિ એક જેવી જ છે. ભ્રષ્ટ તંત્ર અને કૌભાંડી કોન્ટ્રાક્ટરોને કારણે જાહેર જનતાને કેવી મુશ્કેલી પડી રહી છે તે દ્રશ્યો જોઈને સમજી શકાય છે.

અમદાવાદની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી
અમદાવાદમાં વરસાદ બાદ દેડકાં જોવા મળે કે ના મળે પણ રોડ પર ખાડા તો અવશ્ય જોવા જ મળે છે. ચોમાસા દરમિયાન અમદાવાદના રોડમાં 19626 ખાડા પડી ચૂક્યા છે. આ ઉપરાંત અમદાવાદમાં 10 ઈંચ વરસાદ પડયાને 72 કલાકથી વધુ સમય વીતી ચૂક્યો હોવા છતાં અનેક વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા પણ યથાવત્ છે. આમ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રી મોનસૂન પ્લાન ફરી એક વખત પાણીમાં જ બેસી ગયો છે.

અમદાવાદ મ્યુનિસિપલે કોર્પોરેશન પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ખાડા-ભૂવા પડવા કે રોડ બેસી જવાની સૌથી વધુ 5297 ઘટના ઈસ્ટ ઝોનમાં બનેલી છે. રોડમાં ખાડા પડવાની સૌથી વધુ ઘટનામાં સાઉથ ઝોન 4388 સાથે બીજા, નોર્થ વેસ્ટ ઝોન 3150 સાથે ત્રીજા, નોર્થ ઝોન 2228 સાથે ચોથા સ્થાને છે. આ 19626 પૈકી 19228 રોડ રીપેર પણ કરવામાં આવ્યો હોવાનો દાવો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાયો છે જ્યારે 398 રોડમાં હજુ કામગીરી બાકી જ છે.

વડોદરામાં વાહન ચાલકોની કમર તુટી ગઈ તેવી ફરિયાદો
સંસ્કારી નગરી અને રાજા શાહી સમયે જ્યાંથી રાજ્યનું સંચાલન થતું હતું તે મહાનગર વડોદરાની ભ્રષ્ટ તંત્રએ કેવી દુર્દશા કરી છે તે તમે જુઓ. કોર્પોરેશને જે રોડ બનાવ્યા છે તેમાં કેવા ખાડા પડ્યા છે તે જોઈ શકાય છે. ગોત્રી સેવાસી રોડ પર રોડ પર એટલા ખાડા પડ્યા છે કે ખાડામાં રોડ કે રોડ પર ખાડા તે જ સમજાતું નથી.આ જે ખાડા પડ્યા છે તે વાહન ચાલકો માટે જોખમી બન્યા છે. અનેક વાહન ચાલકોની કમર તુટી ગઈ તેવી ફરિયાદો ઉઠી છે.

સુરતમાં તંત્ર આંખ આડા કાન કરીને કરે છે જલસા
સુરત શહેરમાં ચોમાસાની સાથે સંખ્યાબંધ રસ્તાઓ તૂટી ગયાં છે અને હવે સુરત શહેરના રસ્તા એટલા ખરાબ થઈ ગયાં છે કે વાહન ચાલકોએ અકસ્માત વીમો લઈને વાહન ચલાવવા પડે તેવી હાલત થઈ ગઈ છે. સુરત શહેરના રસ્તા પર પડેલા ખાડા વાહન ચાલકો માટે યમદૂત સમાન બની ગયાં છે. તેમાં પણ રાંદેર ઝોનના પાલનપોર વોકવે પાસેનો રસ્તા વાહન ચાલકો માટે જોખમી બની રહ્યો છે. પાલનપુર થી પાલ વોક-વે તરફ સીસી રોડ-પેવર બ્લોક વચ્ચેનો ગેપના કારણે વાહન ચાલકો સ્લીપ થઈ રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસથી આ સમસ્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન થતાં મોટો અકસ્માત થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.

રાજકોટમાં વાહનચાલકો કંટાળ્યા
રાજકોટનાં 4 દિવસમાં 29 ઈચ વરસાદની રોડ ધોવાઈ જવા પામ્યા છે. શહેરનાં મોટા ભાગનાં રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. માધાપર ચોકડી પાસે રસ્તા પર મસમોટા ખાડા પડ્યા હતા. જેથી શહેરનાં એન્ટ્રી પોઈન્ટ પર ખાડાથી વાહન ચાલકો ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાની ખબાર હાલતથી વાહન ચાલકોને અકસ્માતનો ભય લાગી રહ્યો છે. માર્ગ-મકાન વિભાગનાં અધિકારી રસ્તાનં નિરીક્ષણ કર્યું હતું. તેમજ તાત્કાલીક રસ્તા રિપેર કરવાની અધિકારીએ બાંહેધરી આપી હતી.