સુરતમાં થયો ગંભીર અકસ્માત! રીક્ષામાં જઈ રહેલા પરિવારને વાહને અડફેટ લેતા દંપતી અને પુત્રનું મોત

Surat Accident News (Dinesh Patel Kamrej): રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. તેવી જ એક ઘટના સુરતના નેશનલ હાઈવે પર એક ગંભીર અકસ્માતની ઘટના સામે (Surat Accident News) આવી રહી છે. સુરતના આંબોલી વલથાણ નજીક અજાણ્યા વાહન ચાલકે રિક્ષાને અડફેટે લેતાં નવજાત શિશુ અને માતા- પિતા ત્રણેયનું કરુણ મોત નીપજ્યું છે.

મળતી માહિતી અનુસાર, પલસાણા તાલુકાના જોળવાની આરાધના ગ્રીનલેન્ડ નજીક રહેતા 22 વર્ષીય કલ્પેશભાઈ બચુભાઈ સંગાડા કડીયા કામ કરી પોતાના ઘરનું ગુજરાન ચાલવી રહ્યો હતો. કલ્પેશભાઈ અને તેમની પત્ની ઇન્દિરાબેન અને તેમના 5 મહિનાના બાળક સાથે જોળવાથી રિક્ષા નંબર GJ05CV-9141માં બેસી સામાજિક કામ માટે પોતાના વતન તરફ જઈ રહ્યા હતા.

આ અકસ્માતની ઘટના બપોરના બારેક વાગ્યા આજુબાજુ મુંબઈથી અમદાવાદ તરફ જતા ક્રિષ્ના હોટલ પાસેના વલથાણ કટ પરથી પસાર થઈ રહેલી રિક્ષાને પૂરઝડપે આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે જમણી બાજુથી ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કલ્પેશભાઈ રિક્ષામાંથી બહાર રોડ પર પડી ગયા હતા.

રીક્ષામાંથી બહાર પડેલા કલ્પેશભાઇને માથાના તેમજ કમરના ભાગે ગંભીર ઈજા પોહચી હતી તેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ઇજાગ્રસ્ત ઇન્દિરાબેન તેમજ તેમનું 5 માસના નવજાત શિશુને સ્થળ આવેલી એમ્બ્યુલન્સ દ્ર્રારા સુરતની સ્મીમેર હોસ્પીટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

જ્યાં ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં નવજાત શિશુ તેમજ માતા પિતા સહિત ત્રણેયના મોત અંગે મૃતકના ભાઈ રાજેશભાઈ સંગાડાએ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.