ડભોલી સ્વામીનારાયણ સંપ્રદાયનું નામ લજવનાર અને ભગવા પર કાળું કલંક લગાવનાર સાધુ મામલે એક મોટો ખુલાસો થયો છે. સાધુએ યુવતી પર ગુજારેલા બળાત્કાર કેસમાં યુવતીને સાધુ સુધી પહોંચાડવા માટે જે મહિલાએ મદદ કરી હતી, તેનું નામ સામે આવ્યું છે. સાધુ સુધી આ યુવતીને બેરીબેન નામની મહિલાએ પહોંચાડી હતી.
પોલીસે સ્વામીના પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે આ કેસમાં સાધુને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસમાં યુવતીના પરિવારજનોએ સાધુની ધોલાઇ કરતો એક વીડિયો ગુરુવારે સામે આવ્યો હતો, તો બીજી બાજુ આ સાધુને બચાવવા માટે મંદિરના ટ્રસ્ટીઓ પડ્યા છે. અને તેઓ આક્ષેપો લગાવી રહ્યા છે કે, મંદિર અને સાધુને બદનામ કરવા માટે આ કાવતરું ઘડવામાં આવ્યું છે.
આ કેસમાં સાધુના એક દિવસના રિમાન્ડ દરમિયાન સરકારી પક્ષે અનેક ધારદાર દલીલો કરવામાં આવી હતી. આ કેસમાં એક ચોંકાવનારી વાતનો ખુલાસો એ થયો છે કે સાધુ આવી મજબૂર યુવતીઓનો ફાયદો ઉઠાવતો હતો. એટલે કે, અમુક યુવતીઓને પૈસાની જરૂરિયાત હોય તેવીને સાધુ પાસે પહોંચાડવામાં આવતી હતી. આ કેસમાં એવું સામે આવ્યું છે કે, જે મહિલાએ સાધુને યુવતી સુધી પહોંચવામાં મદદ કરી હતી, તે મહિલા સાથે સાધુએ 38 વખત વાતચીત કરી હતી. બંને વચ્ચે શું વાતચીત થતી તેમજ બંને વચ્ચે શું સંબંધ છે તેની પોલીસ તપાસ કરી રહી છે.
તમને જણાવી દઇએ કે, ડભોલી સ્વામીનારાયણ મંદિરના ટ્રસ્ટીઓએ ગુરુવારે સાંજે પત્રકાર કોન્ફરન્સ કરીને સાધુ પર હુમલો થયાના સીસીટીવી જાહેર કર્યા હતા. અને મંદિર અને સાધુ ફસાવવાનો દાવો કર્યો હતો. ટ્રસ્ટ્રીઓએ દાવો કર્યો હતો કે પોલીસ બનીને આવેલા એક વ્યક્તિએ તેમને એવી ધમકી આપી છે કે આ કેસમાં પતાવટ કરો નહીં તો મંદિર બદનામ થઈ જશે.
ટ્રસ્ટી શામજીભાઈ વાનાણીએ કહ્યું હતું કે, યુવતી તેની માતા અને પોલીસની ઓળખ આપી એક યુવાન મંદિર પરિસરમાં આવ્યા હતા. મંદિર પરિસરમાં જ તેમણે સાધુને માર માર્યો હતો. પોલીસ બનીને આવેલા યુવાને સાધુને ધમકી આપતા કહ્યું હતું કે, પતાવટ કરો નહીંતર મંદિર બદનામ થઈ જશે. આ અંગેનો વીડિયો પણ અમે પોલીસને આપ્યો છે. પોલીસની ઓળખ આપનારી વ્યક્તિએ દૂરથી પોતાનું ઓળખકાર્ડ પણ બતાવ્યું હતું.