ફરી એક વખત હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ રહ્યા છે એવા સમાચાર વહેતા થતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હાર્દિક પટેલને ગુજરાતની નેતાગીરી સામે સખત વાંધો છે અને તેને કામ સોંપવામાં આવી રહ્યું હોવાથી પેટમાં દુખાવો પણ છે. તેણે પાર્ટીની શિસ્ત લાઇનનો ભંગ કરીને મીડિયામાં આવીને આ બધી નિવેદનબાજી કરતા કોંગ્રેસની નેતાગીરીએ હાર્દિક વિરુદ્ધ ફરિયાદોનો ઢગલો કરી દેતા હવે ખુદ રાહુલ ગાંધી પણ હાર્દિક પટેલથી કિનારો કરી રહ્યા છે.
હાલમાં કોંગ્રેસની રાષ્ટ્રીય નેતાગીરી ચિંતન શિબિર કરી રહી છે. જેમાં હાર્દિક પટેલને આમંત્રણ ન મોકલવામાં આવતા અનેક ચર્ચાઓ ઉઠી છે. ઉદયપુરમાં યોજાઇ રહેલી આ ચિંતન શિબિરમાં રાહુલ ગાંધી સોનિયા ગાંધી સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ભાગ લઈ રહ્યા છે. જ્યારે હાર્દિક પટેલની આ નેતાઓમાંથી બાદબાકી થતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.
એક સમય એવો પણ રહી ચૂક્યો છે કે ગુજરાતમાંથી રાહુલ ગાંધી હાર્દિક પટેલ સાથે સીધી વાત કરતા હતા અને મુલાકાત માટે અપોઇમેન્ટ લેવાની પણ જરૂર રહેતી નહોતી. ત્યારે હવે સમય એવો આવ્યો છે કે હાર્દિકનું સ્થાન પ્રથમ હરોળ માંથી બીજી હરોળમાં જતું રહ્યું છે અને હાર્દિક કરતાં પણ જુનિયર નેતાઓના નામ રાહુલ ગાંધી જાહેર સભામાં બોલે છે અને હાર્દિક પટેલ સાથે હાથ મિલાવવાનું પણ ટાળે છે.
કોંગ્રેસના કાર્યકરો ચર્ચા કરી રહ્યા છે કે, હાર્દિક પટેલનો પેટનો દુખાવો ગુજરાત પ્રદેશની નેતાગીરી સામે છે. તે પાંચ નેતાઓમાં ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ અને તુષાર ચૌધરી છે. ભલે હાર્દિક નામ ન લઇ રહ્યો હોય, પરંતુ કોંગ્રેસના દરેક કાર્યકર્તા જાણે છે કે, આ નેતાઓ ગુજરાતના રાજકારણમાં અડીંગો જમાવીને બેઠા છે. ભલે આ નેતાઓ ચૂંટણી જીતી શકતા નથી, પરંતુ કોંગ્રેસને બાનમાં રાખીને પોતાના કામ ભાજપ સરકારમાં પાર પડાવી લે છે.
બીજી તરફ રાહુલ ગાંધી નું માનવું છે કે હાર્દિક પટેલને જે વાંધો હોય તે અમારી સમક્ષ લાવી મૂકે, પરંતુ મીડિયા માં આવીને નિવેદનબાજી કરીને કોંગ્રેસના નુકસાન ન પહોંચાડે. હાઈ કમાન્ડ પણ આ પાંચ નેતાઓ નહોર વગરના વાઘ છે કે સારી રીતે જાણે છે, પરંતુ શા માટે યુવાનોને તક નથી મળી રહી અને યુવાનો શા માટે આ નેતાગીરીથી નારાજ છે તેનું ચિંતન કરે.
હાલમાં તો હાર્દિક પટેલ એકમાત્ર ગુજરાતના નેતા છે, જેને કોંગ્રેસે સૌથી વધુ આપ્યું હોય હાર્દિક પટેલને પ્રચાર અર્થે પ્રાઇવેટ જેટ અને હેલિકોપ્ટર પણ મળ્યા છે. અને દરેક રાજ્યોમાં સ્ટાર પ્રચારક તરીકે નું સ્ટેટસ પણ મળ્યું છે. ત્યારે તેની નારાજગી કોંગ્રેસે કશું આપ્યું નથી તે નહીં પરંતુ કોંગ્રેસમાં તેને કામ કરવા નથી મળતું રહે છે તે સ્વીકારવું રહ્યું. હાર્દિક પણ જાણે છે કે ભાજપમાં જઈને તેની હાલત અલ્પેશ ઠાકોર અને તેના બીજા આંદોલનકારી સાથીઓ જેવી જ થવાની છે. એટલે તે કોંગ્રેસનું શુધ્ધિકરણ કરવા આ બધી બબાલ કરી રહ્યો હોય. આમ નિંજા ટેકનીક થી કોંગ્રેસને નિર્ણય લેવા પ્રેશર ની રાજનીતિ હાર્દિક કરી રહ્યો હોવાનું કાર્યકર્તાઓનું માનવું છે. અને આ રાજકારણ ખોટું પણ ના કહેવાય એમ કોંગ્રેસી કાર્યકરો માની રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.