શા માટે લગ્નમાં કરાવવામાં આવે છે હસ્તમેળાપ? જાણો તેનું પૌરાણિક કારણ

Wedding Rituals: દરેક વ્યક્તિના જીવનમાં લગ્ન પ્રસંગને મહત્વનો ગણવામાં આવે છે. લગ્ન સમયે વર અને વધૂ બંનેએ અનેક ભૂમિકાઓ નિભાવવાની રહે છે. પરંતુ શું તમે એ જાણો છો કે પીઠી, મહેંદીથી લઈને સેંથો પૂરવા સુધીના દરેક રિવાજનું મહત્વ શું હોય છે. ગુજરાતી લગ્નમાં (Wedding Rituals) દરેક વિધિને ધામધૂમથી ઉજવવામાં આવે છે.

સનાતન ધર્મમાં લગ્નનું અનેરું મહત્વ
ગુજરાતી લગ્ન હોય એટલે પીઠી, મહેંદી, જયમાલા અને સેંથો પૂર્યા બાદ રિંગ શોધવા સુધીના દરેક રિવાજ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જાણીએ હિંદુ ધર્મના લગ્નમાં દરેક રિવાજ પાછળનું મહત્વ શું હોય છે. ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણના લગ્ન જે પરંપરા અને મંત્રોચ્ચાર સાથે થયા હતા,

તે જ પરંપરાથી આજના સમયમાં યુગલો પણ લગ્નગ્રંથિમાં જોડાઈ રહ્યા છે. ત્યારે લગ્નની દરેક વિધિ જેવી કે કંકોત્રી લેખન, ગણેશ સ્થાપન, માણેકસ્તંભ, પીઠી, ઉકરડી, ગ્રહશાંતિ, મામેરું, હસ્તમેળાપ, કન્યા વિદાય, ગૃહપ્રવેશ વગેરેનું ખૂબ મહત્વ રહેલું છે.

હસ્તમેળાપનું વિશેષ મહત્વ
આમાં હસ્તમેળાપનું વિશેષ મહત્વ રહેલું છે. કારણ કે, હસ્તમેળાપને લગ્ન વિધિનું મુખ્ય અંગ માનવામાં આવે છે. જેમાં કન્યાના પિતા પોતાની દીકરીના હાથમાં કંકુ, અક્ષત, પાન, ફૂલ, દક્ષિણા વગેરે મૂકીને દીકરીનો હાથ વરરાજાના હાથમાં સોંપે છે અને વરરાજા તેનો સ્વીકાર કરે છે. આ સાથે ગોર મહારાજ મંત્રોચ્ચાર દ્વારા આ વિધિ પૂર્ણ કરાવે છે. જેને પાણિગ્રહણ વિધિ પણ કહેવામાં આવે છે.

હસ્તમેળાપ માત્ર હસ્તમેળાપ ન રહેતા તે વર-કન્યા માટે હૈયામેળાપ બની જાય છે. હસ્તમેળાપની વિધિ બાદ કન્યાના માતા-પિતાની કન્યા પ્રત્યેની જવાબદારી પૂરી થાય છે. કહેવાય છે કે, હસ્તમેળાપના સમયે દેવી-દેવતાઓ ચોક્કસપણે વર-કન્યાને તેમનું દાંમ્પત્ય જીવન સુખમય વીતે તે માટે આશીર્વાદ આપવા આવે છે.