શા માટે દર વર્ષ 5 સપ્ટેમ્બરે જ ઉજવવામાં આવે છે શિક્ષક દિવસ? જાણો તેનો ઇતિહાસ

Teacher’s Day 2024: આપણા દેશમાં 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. માતા-પિતા પછી શિક્ષકો જ છે, જે કોઈ પણ સ્વાર્થ વિના આપણા જીવનને હકારાત્મકતા તરફ લઈ જવા માટે શક્ય તેટલા તમામ પ્રયત્નો કરે છે અને આપણને દરેક સારી સલાહ(Teacher’s Day 2024) આપે છે. જેથી આપણે જીવનના દરેક તબક્કે પ્રગતિ પ્રાપ્ત કરી શકીએ અને એક સારા વ્યક્તિ બની શકીએ.ત્યારે આજે દેશના શિક્ષકો માટે આદર અને સન્માનનો દિવસ છે. શિક્ષક, વિદ્વાન અને ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ, સમગ્ર દેશ શિક્ષક દિવસ તરીકે ઉત્સાહથી ઉજવી રહ્યો છે.

શિક્ષકોની આ નિઃસ્વાર્થ ભાવના અને તેમના દ્વારા આપવામાં આવેલા દરેક સારી સલાહ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના હેતુથી દર વર્ષે 5 સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ સવાલ એ છે કે આ માટે 5 સપ્ટેમ્બરની પસંદગી કેમ કરવામાં આવી અને શિક્ષક દિનની ઉજવણીની શરૂઆત કેવી રીતે કરવામાં આવી? આવો જાણીએ ઈતિહાસ-

શિક્ષક દિવસ ઇતિહાસ
ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 5 સપ્ટેમ્બરે થયો હતો. ડૉ. રાધાકૃષ્ણન આઝાદ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ તેમજ એક મહાન શિક્ષક હતા. તેઓ મૈસૂર યુનિવર્સિટીમાં ફિલોસોફીના પ્રોફેસર હતા અને તે દરમિયાન તેમણે વિદ્યાર્થીઓના શિક્ષણમાં ઘણા મોટા યોગદાન આપ્યા હતા.જ્યારે ડો.રાધાકૃષ્ણને 1962 માં ભારતના બીજા રાષ્ટ્રપતિ તરીકેની જવાબદારી સંભાળી હતી, ત્યારે તેમના વિદ્યાર્થીઓએ 5 સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ માટે વિદ્યાર્થીઓ ખાસ રાધાકૃષ્ણન પાસે મંજૂરી માંગવા પહોંચ્યા હતા. ત્યારથી જ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આ દિવસે શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે
શિક્ષક દિવસનો દીવસ ઘણું મહત્વ ધરાવે છે, કારણ કે તમામ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ તેમના તમામ શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા અને આદર દર્શાવે છે. સમાજના વિકાસમાં શિક્ષકોના અવિશ્વસનીય યોગદાન માટે આ દીવસે તેમનું સન્માન કરવામાં આવે છે. દર વર્ષે આ દિવસે શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે.

અન્ય દેશોમાં પણ ઉજવાય છે શિક્ષકદિન
શિક્ષક દિનની ઉજવણી કરવામાં ચીનથી લઈને અમેરિકા, ઓસ્ટ્રેલિયા, અલ્બેનિયા, ઇન્ડોનેશિયા, ઈરાન, મલેશિયા, બ્રાઝીલ અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. જોકે આ દિવસની ઉજવણીની તારીખ દરેક દેશમાં અલગ અલગ છે. ઉદાહરણ તરીકે, શિક્ષક દિવસ ચીનમાં 10 સપ્ટેમ્બર, અમેરિકામાં 6 મે, ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબરનો છેલ્લો શુક્રવાર, બ્રાઝિલમાં 15 ઓક્ટોબર અને પાકિસ્તાનમાં 5 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે.