હવે ઉનાળાની સીજન આવી ગઈ છે. ત્યારે કેરીઓની મૌસમ જામી છે, આમ આદમીથી લઇ વડાપ્રધાન મોદીજી સુધી સહુ કોઈ ને કેરી પર વિશેષ પ્રેમ છે. કેરીની વાત જ નિરાળી છે.કેરી ભારત, પાકિસ્તાન અને ફિલિપાઈન્સનું રાષ્ટ્રીય ફળ છે તો આંબો બાંગ્લાદેશનું સત્તાવાર રાષ્ટ્રીય વૃક્ષ છે. વિશ્વમાં ત્રીજા નંબરનો ફળાઉ પાક કેરી છે અને એની ભેટ પણ વિશ્વને ભારતે જ આપી છે એ ગર્વ લેવા જેવું ખરું જ હો. વર્ષે દહાડે 1500થી વધુ કેરીઓની જાત ભારતભરમાં ઉત્પન થાઈ છે. અને વળી, હોંશે હોંશે ખવાય છે. ભારત જાણે ઉનાળે કેરીમય બની જાય છે.
ભારતમાં 6000થી વધુ વર્ષોથી આંબા વવાય છે. એક આંબો વાવ્યા પછી 4-5 વર્ષે ફળ આપતો થાય છે. સામાન્ય આંબો 50 વર્ષ સુધી ફળ આપે જ્યારે હાફૂસ તો 200 વર્ષ સુધી ફળ આપતો રહે છે. જે હ્યુએનસંગની વાત મોદીજીએ કરી એક વાત એ પણ ઉમેરવાની રહે કે કેરીને પણ હ્યુએનસંગ જ ચીન લઇ ગયા હતા. એલેકઝાન્ડર પોરસને હરાવી પાછા ફરતી વખતે ગ્રીસ કેરીઓના ટોપલા લાદીને લઇ ગયેલો. બાબરથી લઇ ઔરંગઝેબ સુધીના મોઘલો કેરીઓના શોખીન હતા. આમ પન્ના, આમ પુલાવ વગેરે તેમના જ રસોઈયાઓની દેન છે. બેગમો ઠંડા પાણીના તપેલાંમાં કેરીઓ લઇ બેસતી ને મોઘલ બાદશાહો ઘોળી ઘોળી ખાતા હતા.
નુરજહાં શરાબમાં કેરી નો પલ્પ અને ગુલાબ ભેળવી શરાબ પીરસતી. દારા કલમ કરવાનો ખુબ જાણકાર હોવાથી શાહજહાંને એ વિશેષ વહાલો હતો. મોઘલો રોઝાની ઇફતારપાર્ટીમાં પણ કેરીઓની અવનવી વાનગીઓ પણ બનાવડાવતા હતા. અકબરના લાખ આંબો કરતા વધુ આંબો પેશ્વાઓએ વાવેલા અને એમાંથી જ પોર્ટુગીઝોએ કલમ કરી કેરી નરેશ અલ્ફાન્ઝોની શોધ કરેલી. કેરીઓને વિધિવત વેપારમાં સામેલ કરવાનો શ્રેય ચોક્કસ પોર્ટુગીઝોને જાય છે.
હિંદુ ધર્મના દરેક ગ્રંથમાં કેરીનો વિશેષ ઉલ્લેખ છે. વરાહપુરાણમાં તો લખ્યું છે કે, 5 આંબા વાવનાર ક્યારેય નર્કમાં જતો નથી. બૌદ્ધ ધર્મમાં તો શ્રીબુદ્ધને જ્ઞાન જ આંબા નીચે થયેલ. જૈન દેવી અંબિકાનું આસન પણ આંબા નીચે જ છે. કોઈ પણ સારો પ્રસંગ આંબાના તોરણ અને તાંબાના લોટે નારીયેરને આમ્રપર્ણ પર મૂકી કળશ સ્થાપન ન થાય ત્યાં સુધી અધુરો રહે છે. રામ લલ્લા હોય કે ગણેશ દરેક ભગવાનને કેરી પ્રસાદમાંય ચઢે છે. સરસ્વતી આમ્રમંજરીથી રીઝે તો નવજાતોને આંબાનો મોર ચટાડી તેમની રોગપ્રતિકારકશક્તિ વધારવા આપણે ત્યાં પ્રસંગો યોજાય. ગુજરાતમાં ચોબારી ગામે અવશેષ મળ્યા છે કે અહી યજ્ઞ કરીને પાંડવોએ કેરીના રસ–રોટલીની પાર્ટી રાખેલી. સાબિતી માટે ત્યાં પથ્થરની મોટી મોટી કેરીઓ અને રોટલીઓ આજે પણ મોજુદ છે.
ગોપ સંસ્કૃતિના વારસદાર સૌરાષ્ટ્રના ભરવાડો તરણેતરીઆ મેળામાં કે ગોકળ આઠમના દિવસે હુડારાસ રમતા ગાય છે. સોનાની સાંકળે બાંધ્યો હિંચોળો આંબાની ડાળ…રૂપાનાં કડાં ચાર…વાલો મારો હીંચકે રે આંબાની ડાળ…કનૈયો પણ આંબા ડાળે ઝૂલે છે. નારી કેરી આંબલી, દીઠે દાઢ ગળે…અતીશે સેવન કરે એની જુવાની ધૂળે મળે. રૂપની રૂડી પદ્મણિ જેવી નારી, આંબા માથે પાકેલી શાખની કેરી અને પેટમાં આંબલિયા સંઘરીને બેઠેલી આંબલી એને જોતાંની સાથે જ ભલભલા માણસના મોંમાં પાણી છૂટે છે. કહેવત કહે છે, આ ત્રણેયનો ઉપયોગ વિવેકપુરઃસર કરવો જોઇએ. અતિશય ઉપયોગ કરનારની યુવાની ધૂળમાં મળે છે. યુવાન અકાળે નિર્વિર્ય થઇ જાય છે.
કેરીનો મોસમી ધંધો કરનારા વેપારીઓ સાથે પણ કેરીની મજેદાર કહેવતો જોડાયેલી છે. જેમ કે કેરી, કેળાં ને કાંદા એના વેપારી બારે મઈના માંદા. એક ગોટલી ને સો રોટલી. કેરીનો રસ હોય પછી શાકપાંદડું કંઇ ન હોય તોય રસ સાથે ગમે તેટલી રોટલી હોય તોય ખવાઈ જાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news