ટ્રેનો રદ, ફ્લાઇટો રદ…ભારે પવન અને ધોધમાર વરસાદ સાથે ચક્રવાત ‘દાના’ની અસર શરૂ, જુઓ વિડીયો

Dana Cyclone News: બંગાળની ખાડીમાં બનેલું દાના વાવાઝોડું સ્પીડ પકડી રહ્યું છે અને તે ભારતના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે જેની અસર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયા કિનારા પર જોવા મળશે. હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ આ વાવાઝોડું (Dana Cyclone News) આગામી સમયમાં વધુ ખતરનાક બની શકે છે અને હાલ તે 12 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે આપેલી તાજી માહિતી અનુસાર આ વાવાઝોડું ઓડિશાના ધામરાથી 260 કિલોમીટર દૂર છે. જ્યારે તે સાગર આઈલેન્ડથી 350 કિલોમીટર દૂર છે.

બંને રાજ્યમાં NDRFની ટીમ તહેનાત
ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (NDRF)ની ટીમ તહેનાત કરવામાં આવી છે. ભારતીય સેના, ભારતીય વાયુસેના અને ભારતીય નૌકાદળની ટીમોને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. બંને રાજ્યોના દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે. આગામી પાંચ દિવસ માટે શાળા-કોલેજો, આંગણવાડી અને સરકારી કચેરીઓ બંધ રાખવામાં આવી છે. કંપનીઓના કર્મચારીઓ ઘરેથી કામ પર છે અને ડોકટરો, પોલીસ કર્મચારીઓ, CRPF અને સંબંધિત અધિકારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી છે.

તંત્ર દ્વારા કરવામાં આવી આ કાર્યવાહી
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓડિશા સ્થિત ભિતરકાનિકા નેશનલ પાર્ક અને ધર્મા પોર્ટની વચ્ચે ગુરૂવારની રાતથી લઇને શુક્રવારની સવાર દરમિયાન વાવાઝોડું ત્રાટકશે.

પશ્રિમ બંગાળ સરકારે કુલ 282863 લોકોને ખસેડવાનું નક્કી કર્યુ છે. જે પૈકી 114613 લોકોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે.

વાવાઝોડા દાનાને ધ્યાનમાં રાખીને પૂર્વ રેલવેએ સિલદાહ ડિવિઝનમાં ગુરૂવાર રાતે 8 વાગ્યાથી શુક્રવાર સવારે 10 વાગ્યા સુધી 190 લોકલ ટ્રેનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

બીજી તરફ વાવાઝોડા દાનાને ધ્યાનમાં રાખીને કોલકાતા એરપોર્ટ સત્તાવાળાએઓએ ગુરૂવાર સાંજે 6 વાગ્યાથી 15 કલાક સુધી તમામ ફલાઇટ રદ કરવાનો નિર્ણય લીધો છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓના જણાવ્યા અનુસાર યાત્રીઓ, એરલાઇન્સના કર્મચારીઓ, વિવિધ ઉપકરણો, નેવિગેશન સહાય અને ઇન્ફ્રાસ્ટ્રકચરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.