સુરતમાં બે અકસ્માતમાં 2ને ભરકી ગયો કાળ: અજાણ્યા વાહને ટક્કર મારતા કોર્પોરેટરના ભત્રીજાનું મોત

Surat Accident News: સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં અકસ્માતની બે ઘટના સામે આવી છે. જેમાં બે યુવકોના મોત નીપજ્યાં છે. અકસ્માતના એક બનાવમાં પાલ વિસ્તારમાં (Surat Accident News) મહિલા કોર્પોરેટરના ભત્રીજાનું અજાણ્યા વાહનની અડફેટે મોત નીપજ્યું છે જયારે કતારગામ વિસ્તારમાં આઈસર ટ્રક ચાલકે રસ્તો ક્રોસ કરી રહેલા યુવકને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું.

પહેલો બનાવ
પહેલા બનાવમાં જામનગર જિલ્લાના મોટી બાલુગર ગામના વતની અને હાલમાં પાલનપુર પાટિયા ખાતે આવેલી સંત તુકારામ સોસાયટી વિભાગ 2માં રહેતા 40 વર્ષીય ધર્મેશભાઈ પ્રભુલાલ સાપરિયા બાંધકામ સાઈટમાં સુપર વાઈઝર તરીકે કામ કરીને પત્ની અને પુત્રી અને પુત્રનું ગુજરાન ચલાવી રહ્યા હતા.

તાજેતરમાં તેઓ ધર્મેશભાઈ સાપરિયા ગૌરવપથ રોડ પાસે એક સાઈટ પર સુપરવિઝન કરી રહ્યા હતા. પોતાના નિત્યક્રમ પ્રમાણે ધર્મેશભાઈ કામ પર ગયા હતા. બુધવારે સાંજના સમયે તેઓ મોપેડ લઈને ઘરે આવી રહ્યા હતા ત્યારે પાલ ખાતેના બાગ બાન સર્કલ પાસેના રસ્તા પરથી પસાર થતી વખતે પાછળથી કોઈ વાહન ચાલકે તેઓને ટક્કર મારીને અડફેટે લીધા હતા.

જેમાં ધર્મેશભાઈનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ધર્મેશભાઈ વોર્ડ નંબર 9ના કોર્પોરેટર ગૌરીબેન મગનભાઈ સાપરિયાના ભત્રીજા હતા. હાલ બનાવને લઈને સાપરિયા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બીજો બનાવ
બીજા બનાવમાં સુરતના કતારગામ વિસ્તારમાં ગોટાલાવાડી માનવ ધર્મ આશ્રમ પાસે એક આઇસર ટ્રકે 40 વર્ષના યુવકને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. યુવક રસ્તો ક્રોસ કરતો હતો તે દરમ્યાન આઈસર ટ્રક ચાલકે યુવકને અડફેટે લીધો હતો. મૃતક યુવકની હાલ ઓળખ થઇ નથી. આ મામલે પોલીસે તેના મૃતદેહને સ્મીમેર હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. જયારે અકસ્માત બાદ ટ્રક મૂકીને ભાગી ગયેલા ટ્રક ચાલક ભવાન ચોથાભાઇ કાનમીયાને કતારગામ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.