ભરૂચ(Bharuch): શહેરના ઝાડેશ્વર(Zadeshwar) ખાતે આવેલ અરુણોદય બંગલોઝમાં રહેતી મહિલા તેની પુત્રી સાથે એક્ટિવા પર ભોલાવ બ્રિજ ઉપરથી પસાર થઈ રહી હતી. તે સમય દરમિયાન તેના ગળામાં પતંગનો દોરો આવી જતાં તેનું ગળું કપાઇ જવાને કારણે તેમનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ કરુણ ઘટનામાં તેમની બાળકીનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. ઘટનાના સંદર્ભે ભરૂચ એ ડિવિઝન પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉત્તરાયણ(Uttarayan) પર્વને હજી અઠવાડિયાની વાર છે. જોકે તે પહેલાં જ પતંગના દોરાએ ભરૂચમાં એક માનવજીવ લીધો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલા અરુણોદય બંગલોઝમાં રહેતી અંકિતા હિરેન મિસ્ત્રી શનિવારના રોજ સાંજના સમયે તેના ઘરેથી એક્ટિવા પર 9 વર્ષની પુત્રી સાથે ભોલાવ નજીકના ભૃગુઋષિ બ્રિજ પર થઇને શક્તિનાથ અને ત્યાંથી વેજલપુર ખાતે તેની સાસરીએ કામ માટે જવા નીકળી હતી. આ દરમિયાન ભૃગુઋષિ બ્રિજ પરથી પસાર થતા સમયે પતંગનો દોરો તેના ગળાના ભાગે આવતા તેની બાઇક સ્લિપ મારી ગઈ હતી. આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા તેને બચાવવા માટેનો પ્રયાસ કરતાં તેના ગળામાં પતંગના દોરાને કારણે જીવલેણ ઘા થયો હોવાનું જાણવા મળ્યું હતું.
બીજી બાજુ, તેની પુત્રી પણ માતાને લોહીલુહાણ જોઇને ખુબ જ રડવા લાગી હતી. ગંભીર રીતે ઘાયલ થયલ અંકિતાને તાત્કાલિક 108 મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે તેને સારવાર મળે એ પહેલાં જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. હોસ્પિટલમાં માતાના મૃતદેહ પાસે હેબતાઇ ગયેલી 9 વર્ષની પુત્રીના આક્રંદથી વાતાવરણમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. આ ઘટનાની જાણ કરવામાં આવતા પરિવારજનો હોસ્પિટલમાં દોડી આવ્યાં હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.