બાઈકમાં પાછળ બેસતી વખતે મહિલાઓ ન કરે આ ભૂલ, સુરતમાં ગુમાવ્યો એક યુવતીએ જીવ

Surat News: સુરતના વેસુ રોડ પર મોપેડ પર ઘરે જતી વખતે એક વિદ્યાર્થીનીનો દુપટ્ટો મોપેડના પાછળના વ્હીલમાં ફસાઈ જતા વિદ્યાર્થીની અને ગાડી ચલાવી રહેલ વિદ્યાર્થી રોડ પર પટકાયા હતા. ત્યારબાદ પાછળથી આવી રહેલા ડમ્પરે બીએસસીની વિદ્યાર્થીને (Surat News) કચડી નાખતા, તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અને વાહન ચલાવી રહેલા વિદ્યાર્થીને સામાન્ય ઇજા પહોંચી હતી. આ ઘટના અંગે અલખાણ પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર મૂળ રાજસ્થાનના કોટાની રહેવાસી અને પર્વત પાટિયા ગણેશ નગરમાં રહેતી 21 વર્ષીય અંજલી જૈનને આ અકસ્માત નડ્યો હતો. તે સુરતમાં પોતાની બહેનના ઘરે રહેતી હતી. તે સુરતમાં આવેલી ભગવાન મહાવીર કોલેજમાં બીએસસીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. આ યુવતીના પિતા પોતાના વતનમાં રેલવે સ્ટેશન પર કેન્ટીન ચલાવે છે.

કોલેજ પૂરી થયા બાદ અંજલી સાથી વિદ્યાર્થી દિલસુખ પંકજ રાવ સાથે મોપેડ પર વેસુ ખાતે કોલેજથી ઘરે જવા માટે નીકળ્યા હતા. એવામાં જ વેસુ રોડ ખાટુ શ્યામ મંદિર નજીક ટી પોસ્ટ પાસે રોડ પર મોપેડ માં અંજલીનો દુપટ્ટો ફસાઈ ગયો હતો. આ બંને લોકો રોડ પર પટકાઈ ગયા હતા. અને પાછળથી આવતું ડમ્પર આ યુવતી પર ફરી વળ્યું હતું.

અકસ્માતને લીધે મોટી સંખ્યામાં લોકોનું ટોળું ત્યાં દોડી આવ્યું હતું અને વિદ્યાર્થીનીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ બજાવી રહેલા ડોક્ટરે મૃત જાહેર કરી હતી. જ્યારે દિલસુખને હાથમાં સામાન્ય ઇજા પહોંચી છે.સામાન્ય ઇજાગ્રસ્ત દિલસુખ મૃતક અંજલિની સાથે જ બીએસસીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. અને તેના પિતા એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. અકસ્માત અંગે ડમ્પર ટ્રકચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.