પ્રમુખસ્વામી નગરમાં ધામધૂમથી ઉજવાયો ‘મહિલા દિન’ – સ્મૃતિ ઈરાની સહીત અનેક દિગ્જ્જ મહિલાઓ રહી ઉપસ્થિત

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદ(Ahmedabad)માં પ્રમુખસ્વામી મહારાજનો ભવ્યાતિ ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ શતાબ્દી મહોત્સવમાં પ્રમુખસ્વામી મહારાજના સેવકોથી લઈ અનેક હરિભક્તો પણ ખડે પગે સેવા કરી રહ્યા છે. દરરોજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શને આવી રહ્યા છે. આ પ્રમુખસ્વામી નગર(pramukh swami nagar)ને જોઇને સૌ કોઈ લોકો અભિભૂત થઇ રહ્યા છે. તો ગઈકાલે ‘પ્રમુખ સ્વામી મહારાજ’ નગર ખાતે મહિલા દિન(women’s day)ની ઉજવણી કરવામાં આવી હતી.

ગઈકાલે સાંજે 5 વાગ્યે ધૂન-પ્રાર્થના સાથે સંધ્યા સભાનો પ્રારંભ થયો હતો. સંવાદ, વિડિયો, નૃત્ય દ્વારા પ્રમુખસ્વામી મહારાજના મહિલા ઉત્કર્ષના કાર્યને દર્શાવતી રોચક પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સાથે જ આ સભામાં અનેક મહિલા અગ્રણીઓ દ્વારા આજની સભામાં પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

યુગાન્ડાના રોકાણ અને ખાનગીકરણ- નાણા રાજ્ય મંત્રી એવલિન અનાઈટે જણાવતા જુઓ શું કહ્યું:
એવલિન અનાઈટે કહ્યું કે, પ્રમુખસ્વામી મહારાજે “બીજાના ભલામાં આપણું ભલું” સૂત્ર આપીને સમગ્ર માનવજાતમાં પરોપકારની ભાવના જગાવી છે. મને સૌ ભારતીયોની ‘ નમસ્તે ‘ કહેવાની રીત બહુ ગમી છે કારણકે તેમાં સાચા અર્થમાં આદરભાવ જોવા મળે છે.

ભારતના મહિલા અને બાળ વિકાસ તથા લઘુમતી મંત્રાલયના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જુઓ શું કહ્યું:
સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, હું મુંબઈમાં હતી ત્યારે મને દાદર મંદિર જવાનો મોકો મળ્યો હતો ત્યારે મારા પતિ અને બાળકને પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ મળ્યા હતા. ગુરુના શરણમાં માતૃશક્તિનો સંગમ છે. બાલનગરીમાં બાળકો અને બાલિકાઓની શક્તિ અને સંસ્કારો જોવા મળી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજની સેવા માટે જન્મ પામવો એ પુણ્યનું કાર્ય છે. અમેરિકામાં વસતા એક ભક્તે જ્યારે તેમના પારિવારિક શાંતિ માટે ઉપાય સૂચવ્યો ત્યારે પ્રમુખસ્વામી મહારાજે પરિવાર માટે સામય આપવાની વાત કરી. આપણે આદર્શોના માર્ગમાંથી ભટકી ના જઈએ એટલે પ્રમુખસ્વામી મહારાજે સૂચવેલા પ્રાર્થના અને પુરુષાર્થનો સંગમ કરવો પડશે. આ સંપ્રદાયે રાજનીતિમાં રહેલા વ્યક્તિઓને પણ રાષ્ટ્રનીતિના માર્ગે પ્રેરિત કર્યા છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, સ્વામીશ્રીએ હક અને ફરજોનું સમન્વય કરવાનું શીખવ્યું. ભારતમાંથી સમગ્ર વિશ્વને સંદેશ આપવો હોય તો એ છે કે વિનમ્રતાના માર્ગે ચાલી, મહિલા હોય કે પુરુષ-બંનેએ સાથે મળીને શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરવાનું છે. મેં જ્યારે સુવર્ણા પ્રદર્શનમાં છેલ્લાં 6 મહિનાથી રત બાલિકાઓને પૂછ્યું કે તમે પરિવારથી દૂર છો છતાં કેવી રીતે ખુશ છો ? તેમણે કહ્યું કે, ‘બેન, અમે સેવામાં છીએ.’ એક નાના બાળક શંભુ માટે પ્રમુખસ્વામી મહારાજ ગામડામાં પધાર્યા અને બાળકોનો વિશ્વાસ સંપાદિત કરીને સંદેશ આપ્યો છે કે જ્યારે જ્યારે ભક્ત, ગુરુને યાદ કરે ત્યારે ત્યારે હાજર થઈ જાય છે.

ગુજરાત વિધાનસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યે જુઓ શું કહ્યું:
નીમાબેન આચાર્યે કહ્યું કે, 80,000 થી વધારે સ્વયંસેવકો જે અહી સેવા કરી રહ્યાં છે તેમને મારા શત શત વંદન. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં અંતરિક્ષમાંથી સાક્ષાત્ પ્રમુખસ્વામી મહારાજ સતત આશીર્વાદ વરસાવતા હોય તેવી અનુભૂતિ થાય છે.

પ્રમુખસ્વામી મહારાજ વ્યસનમુક્તિ અભિયાન અને આદિવાસી ઉત્થાનનાં કાર્યો માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે અને અનેક લોકોના જીવન પરિવર્તન કરીને સમાજ પર મોટો ઉપકાર કર્યો છે. પ્રમુખસ્વામી મહારાજ સમયની મર્યાદા જોવા વગર સતત હરિભક્તો ને આશીર્વાદ આપતાં રહ્યાં છે અને તેમના દુઃખો દૂર કર્યા છે. પ્રમુખસ્વામી મહારાજે “ઘર સભા” ની ભેટ આપીને સમગ્ર માનવજાત પર મોટો ઉપકાર કર્યો છે અને મારા ઘરમાં પણ ઘરસભા નિયમિત થાય છે.

વધુમાં કહ્યું હતું કે, સંસ્કૃતિ અને સંસ્કારોનું જતન મહિલાઓ કરે છે માટે પ્રમુખસ્વામી મહારાજે મહિલા સશક્તિકરણ માટે અનેક કાર્યો કર્યાં છે. વિશ્વની અંદર ભારતીય મહિલાઓનો જોટો જડે તેમ નથી કારણકે તેઓ નિઃસ્વાર્થ ભાવે સેવા અને સમર્પણ કરે છે. “જનસેવા એ પ્રભુસેવા” એ પ્રમુખસ્વામી મહારાજની જીવનભાવના રહી છે. ‘વસુધૈવ કુટુમ્બમ’ની ભાવના આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં દર્શાવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *