25 વર્ષની મિત્રતાનો અંત! હાથીના રડ્યાંનો વાયરલ વિડીયો કરી દેશે ઈમોશનલ

Elephant Viral Video: રશિયામાં એક સર્કસના હાથીનો વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતાના સાથીને ગુમાવતા ઊંડા શોકમાં (Elephant Viral Video) ડૂબેલો જોવા મળે છે. જેની અને મેગ્ડા નામના આ બંને હાથીઓ લગભગ 25 વર્ષથી એક બીજા સાથે હતા અને નિવૃત્ત જીવન જીવી રહ્યાં હતા. આ દરમિયાન જેની અચાનક પડી ગઈ અને તેનું મોત થઈ ગયું. આ ઘટના બાદ મેગ્ડાનું વર્તન જોઈને દરેક લોકો નવાઈમાં પડી ગયા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, મેગ્ડાએ પહેલા જેનીને ઉઠાડવાનો ખૂબ પ્રયત્ન કર્યો છે. પરંતુ તે જ્યારે પોતાના સાથીને ઉઠાડવામાં નિષ્ફળ રહે છે ત્યારે મેગ્ડા જેનીને ગળે લગાવે છે અને તેની પાસે ઊભા રહીને અંતિમ વિદાય આપે છે. એવું લાગી રહ્યું છે કે જાણે તે ભાવુક થઈને રડી રહ્યો હોય. આ માર્મિક વીડિયો જોઈ તમે પણ ભાવુક થઈ જશો.

સોશિયલ મીડિયા પર આ વીડિયો જોઈને લોકો ભાવુક થયા
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેગ્ડા ઘણાં કલાકો સુધી જેનીની આસપાસ રહે છે અને વેટરનિટી ડોક્ટરને પણ તેની પાસે જવા દેતો નથી. સોશિયલ મીડિયા પર આ વીડિયો જોઈને લોકો ભાવુક થઈ રહ્યાં છે. એક યુઝરે લખ્યું, પ્રેમની કોઈ સીમા નથી હોતી. અન્ય એક યૂઝર લખે છે કે, સૌથી મોટું દુ:ખ એ છે કે, તમે જેને સૌથી વધુ પ્રેમ કરો છો, તેને ગુમાવી દો. કેટલાક લોકોએ એવું પણ જણાવ્યું કે, હાથી માણસની જેમ જ દફનાવવાની વિધિ કરે છે અને એ જોઈને લોકો ભાવુક થઈ ગયા.

બંને હાથી સરકસમાં પરફોર્મ કરતા હતા
જેની અને મેગ્ડા રશિયાના કાઝાન શહેરમાં સર્કસમાં પરફોર્મ કરતા હતા. પરંતુ 2021માં બે ઘટનાઓ બાદ તેમને રિટાયર કરી દેવામાં આવ્યા. એક શો દરમિયાન બંને હાથીઓ વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ હતી, જેથી દર્શકોમાં નાસભાગ મચી ગઈ હતી.

એક અઠવાડિયા બાદ હાથીઓએ પોતાના માસ્ટર પર હુમલો કરી દીધો હતો. જેથી તેમને ગંભીર ઇજાઓ થઈ હતી. તેની પાંસળીઓ તૂટી ગઈ અને ફેફસામાં ઈજા પહોંચી હતી. ત્યાર બાદ શૉને બંધ કરી દેવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે, ટ્વિટર પર આ વીડિયોને બ્રાયન મેકડોનાલ્ડ (@27khv) નામના અકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.