PSIની 472 જગ્યા માટે લેખિત પરીક્ષા: 1 લાખથી વધુ ઉમેદવારો આપશે એક્ઝામ, જાણો વિગત

Gujarat PSI Exam: આજે રાજ્યમાં PSIની લેખિત પરીક્ષા યોજાઇ છે. જેમાં 3-3 કલાકના બે પેપર હોવાની માહિતી સામે આવી છે. ત્યારે 1 લાખ 2 હજાર 935 ઉમેદવારો પરીક્ષા (Gujarat PSI Exam) આપી રહ્યાં છે. અમદાવાદ, સુરત, વડોદરાના 340 કેંદ્રોમાં પરીક્ષા લેવાઇ રહી છે. આ લેખિત પરીક્ષામાં 3-3 કલાકના બે પેપર હશે.

લેખિત પરીક્ષામાં 3-3 કલાકના બે પેપર
ઉલ્લેખનિય છે કે, ગુજરાત પોલીસ ભરતી માટે જાન્યુઆરી-ફેબ્રુઆરી, 2025માં લેવામાં આવેલી શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો પૈકી બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેકટરની 472 જગ્યા માટેની આજે એટલે કે 13 એપ્રિલે લેખિત પરીક્ષા લેવાઇ રહી છે. 472 જગ્યા છે જ્યારે 1,02,935 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યાં છે એટલે કે 1 જગ્યા માટે 218 ઉમેદવાર ભાવી અજમાવી રહ્યાં છે. પ્રથમ પેપર ત્રણ કલાકનું હશે જે 9:30 શરૂ થયું છે, જે 12:30 વાગ્યે પુર્ણ થશે. પ્રથમ પેપર MCQ આધારિત રહેશે. તો બીજું પેપર ત્રણ કલાકનું હશે જે 3:00થી 6ઃ00 વાગ્યા સુધી લેવામાં આવશે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા સીસીટીવીની વ્યવસ્થા કરાઇ
આ પરીક્ષા પારદર્શક રીતે કોઇપણ ગેરરિતી વગર યોજાય તે માટે 8000 થી વધુ પોલીસ તથા શિક્ષણ વિભાગના અધિકારી / કર્મચારીઓ પરીક્ષાલક્ષી કામગીરી કરશે.દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર એક PI / PSIને ભરતી બોર્ડના પ્રતિનિધી તરીકે નિમણુંક આપવામાં આવી છે. લેખિત પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા સીસીટીવીની વ્યવસ્થા કરાઇ છે.

340 પરીક્ષા કેન્દ્રો તથા વર્ગખંડમાં CCTV કેમેરાથી લાઇવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેર, સુરત શહેર તથા વડોદરા શહેર ખાતેની આ લેખિત પરીક્ષા પોલીસ કમિશનરઓના જનરલ સુપરવિઝન હેઠળ તેમજ IGP / DIGP કક્ષાના સિનિયર પોલીસ અધિકારીઓની અધ્યક્ષતામાં પરીક્ષા સમિતિના સુપરવિઝન હેઠળ યોજવામાં આવી રહી છે.

આ લેખિત પરીક્ષા કોઈપણ જાતની ગેરરીતિ વગર યોજાય તે માટેની તમામ તૈયારીઓ ભરતી બોર્ડ દ્વારા પૂર્ણ કરવામાં આવેલ છે. પરીક્ષાના બન્ને પેપર પહેલા વેરીફીકેશન કરવામાં આવ્યા છે તેમજ પરીક્ષા સાહિત્ય માટે ઉપયોગમાં લેવાનાર તમામ વાહનોને GPS મારફતે મોનીટરીંગ કરવામાં આવ્યું છે.