હિમતનગર(ગુજરાત): રાજ્યમાંથી ઘણીવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના રાજ્યમાં આવેલ હિંમતનગરમાંથી સામે આવી રહી છે. ચિલોડાથી હિંમતનગર બાજુ જતા હાઇવે પર બોપલ વિસ્તારમાં રહેતા મર્સિડીઝ કારચાલકે એક લારી તેમજ એક બાઇકચાલકને ટક્કર મારતાં કુલ 2 લોકોનાં મોત થયા છે.
મળેલ જાણકારી પ્રમાણે, દહેગામ તાલુકામાં આવેલ રણછોડપુરા ગામમાં રહેતા જુગાજી પરમાર અને કલ્યાણ સોલંકી કલર કામ કરતા હતા. સોમવારનાં રોજ રાત્રીના 9 વાગ્યાની આજુબાજુ કામ પતાવીને તેઓ ઘર બાજુ જઈ રહ્યા હતા ત્યારે એક નંબર વિનાની મર્સિડીઝ કાર ગિયોડ અંબાજી મંદિરની નજીક ઊભેલ પૂજાપાની લારીની સાથે અથડાઈ ગઈ હતી. ત્યારપછી કાર બાઇક બાજુ ધસી ગઈ ટક્કર મારી હતી.
બાઇક તથા કાર બંને ડિવાઇડરમાં ઘૂસી જતાં જુગાજી પરમારનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું હતું, જ્યારે કલ્યાણ સોલંકીનું સારવાર દરમિયાન મોત થયું હતું. પ્રાથમિક તપાસમાં કારચાલક યુવકે મંદિરની નજીક લારીને ટક્કર મારતાં એરબેગ ખૂલી ગઈ હતી, જેને લીધે આગળ કશું ન દેખાતાં બાઇકને ટક્કર મારી હોવાનું જાણવા મળી રહ્યું છે.
કોરોના ટેસ્ટ પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે:
આરોપી યુવક મૂળ રાજકોટનો તથા કુલ 5 વર્ષથી બોપલ વિસ્તારમાં રહેતો જિનેશ મુકેશભાઈ ટોડિયા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતને કારણે હાલમાં તો ચિલોડા પોલીસે એની અટકાયત કરી તેનો કોરોના ટેસ્ટ કરાવવાની પ્રક્રિયા હાથ ધરી છે. આની સાથે જ તે ખરેખર દારૂ પીને કાર ચલાવી રહ્યો હતો કે નહીં એની તપાસ માટે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું છે.
આરોપીની સાથે એક યુવતી પણ હતી:
આરોપીએ પૂછપરછમાં જણાવટા કહ્યું હતું કે, એ પોતાનો ફોન ઉદયપુર ભૂલી ગયો હતો એ લેવા જઈ રહ્યો હતો. બીજી બાજુ સ્થાનિકોના જણાવ્યા મુજબ એની સાથે એક યુવતી હતી. બંને હોટલમાં જમવા બેઠાં હતાં ત્યારે બંનેની વચ્ચે રકઝક થતાં યુવતી ગિયોડ મંદિર બાજુ ચાલતી જતી હતી. આ યુવતીને લેવા માટે જિનેશ ફુલ સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.