અહિયાં યુવાનો “કોરોના વાયરસ”થી કરે છે પાર્ટી- જેને સૌથી પહેલા અસર થાય તેને મળે છે લાખો રૂપિયા

હાલમાં સમગ્ર દુનિયામાં કોરોનાનો વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે. તેમાં પણ સમગ્ર દુનિયામાં અમેરિકામાં વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે અત્રે ઉલેખનીય છે કે, અમેરિકાના એલબેમા સ્ટેટના કોલેજિયનો ‘કોવિડ-19 પાર્ટીઓ’ નું આયોજન કરે છે. આ સમાચારે સમગ્ર વિશ્વમાં સનસનાટી મચાવી દીધી છે. ત્યાંના ટસ્કાલૂસા સિટીના કાઉન્સિલર સોન્યા મેકિન્સ્ટ્રીએ સત્તાવાર રીતે આ શૉકિંગ પાર્ટીની વિગતો આપી છે. આ ‘કોવિડ-19 પાર્ટી’ના આયોજકો કોરોના પોઝિટિવ વ્યક્તિઓને પાર્ટીમાં આમંત્રણ આપે છે. આ ઉપરાંત પાર્ટીમાં તંદુરસ્ત લોકો પણ હાજર હોય છે. તેઓ પાર્ટીમાં આવતાંની સાથે જ નક્કી થયેલી એક રકમ કાચના બાઉલમાં એકઠી કરે છે. હેતુ એવો કે, પાર્ટી યોજાઈ ગયા પછી તેમાં આવેલી જે વ્યક્તિને સૌથી પહેલો કોરોનાનો ચેપ લાગે તે એકઠા થયેલાં તમામ નાણાં લઈ જાય!

ફાયર ડિપાર્ટમેન્ટે પણ આ વાત સ્વીકારી

રૂપિયાની લાલચમાં યુવકો આવી પાર્ટીનું આયોજન કરે છે. અમેરિકાના ટસ્કાલૂસા સિટીના ફાયર ચીફ રેન્ડી સ્મિથે પણ આ વાત સ્વીકારી છે કે, શરૂઆતમાં અમને લાગેલું કે આવી પાર્ટીઓ ગુપ્ત રીતે યોજાય છે તે માત્ર અફવા જ છે. પરંતુ થોડા રિસર્ચ પછી અમને ખબર પડી કે ખરેખર આવી પાર્ટીઓ યોજાય છે. આ પાર્ટીમાં કેટલાક કોરોના પોઝિટિવ યુવાનોએ પોતે કોરોનાવાઈરસના વાહક છે તે જાણતા હોવા છતાં ઈરાદાપૂર્વક આ પાર્ટીમાં હાજરી આપી હતી. આમેય ટસ્કાલૂસા સિટીમાં યુનિવર્સિટી ઓફ એલબેમા અને બીજી કેટલીયે કોલેજો આવેલી છે, એટલે ત્યાં રહીને ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા પણ સારી એવી છે.

39,000 કેસ હોવા છતાં આવી પાર્ટીઓ યોજાય છે

અમેરિકાના એલબેમા સ્ટેટમાં છેલ્લા સમાચાર પ્રમાણે 39,604 કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. તેમ છતાં અહીના યુવકો જાણી જોઈને કોરોનાનો ચેપ લગાડવાની આવી પાર્ટીઓનું આયોજન કરે છે. એમાંથી 2107 કેસ તો એકલા ટસ્કાલૂસામાં જ છે. 39 લોકોનાં કોરોનાથી મૃત્યુ થયાં છે. ત્યાં પણ મંગળવારે સત્તાવાર રીતે ખરડો પસાર કરવામાં આવ્યો કે જાહેર સ્થળે નીકળતી વ્યક્તિએ ફેસ માસ્ક પહેરવો ફરજિયાત રહેશે.

આવી કોવિડ-19 પાર્ટીઓમાં કોરોના પોઝિટિવ યુવાનોએ હાજરી આપ્યા પછી કેટલા લોકોને ચેપ લાગ્યો અને તેમણે બીજા કેટલા લોકોને આ ચેપ પાસ ઑન કર્યો તેની ચોક્કસ વિગતો હજી જાહેર થઈ નથી. કોરોનાવાઈરસ અશક્તો, વૃદ્ધો, બાળકો અને કો-મોર્બિડિટી એટલે કે અન્ય બીમારીઓ ધરાવતા લોકોને માટે જીવલેણ નીવડે તેવા ચાન્સ વધારે રહે છે. યુવાનો તેમની કુદરતી રોગપ્રતિકારક શક્તિને લીધે કોરોનામાંથી ઊગરી જાય તેની શક્યતાઓ વધારે રહે છે. તેનો લાભ ઉઠાવીને આવા યુવાનો થ્રિલ મેળવવા માટે આવી શૉકિંગ પાર્ટીઓ યોજે છે અને પોતાનો તથા અન્ય લોકોનો પણ જીવ જોખમમાં મૂકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *