કાળજું કંપાવતો અકસ્માત: રાજકોટમાં માતાની નજર સામે જ સિટી બસે પુત્રને કચડી નાખતાં મોત…

Rajakot Accident: રાજકોટમાં સિટીબસે વધુ એક અકસ્માત સર્જ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે શહેરના કણકોટ રોડ પર આવેલા લાભુભાઈ ત્રિવેણી એન્જીનીયરીંગ કોલેજ સામે અક્સ્માત સર્જાયો હતો. જેમાં માતાની સામે જ સિટીબસની અડફેટે એક બાળકનું મોત થયું હતું. અકસ્માતની (Rajakot Accident) ઘટનાને પગલે 108 અને તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી હતી.જો કે એકના એક વ્હાલસોયાનું નજરની સામે મોત થતા પરિવારમાં હૈયાફાટ રુદન જોવા મળ્યું છે.

એકનો એક દીકરો ગુમાવતા પરિવારના થયા બેહાલ
રાજકોટમાં કણકોટ રોડ પર ગંભીર અકસ્માતમાં માતાની નજર સામે જ 7 વર્ષના વ્હાલસોયા પુત્રનું સિટી બસની અડફેટે મૃત્યુ નીપજ્યું હતું. શહેરની લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજ સામે જ આજે બપોરે 11 વાગ્યા આસપાસ કણકોટ ગામમાં જ રહેતા 33 વર્ષીય હેતલબેન ભરતભાઈ ગોયલ તેના 7 વર્ષના પુત્ર રાજવીરને લઇને જતા હતા, ત્યારે સિટી બસ ચાલકે માસૂમ બાળકને અડફેટે લીધુ હતું. અને બસનું આગળનુ વ્હીલ માસુમ બાળકો પર ફેરવી દીધું હતું જેને કારણે બાળકનું મોત નિપજતાં પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો હતો.

માતાની નજરની સામે વ્હાલસોયાનું મોત
ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જીજે.03.બીઝેડ.0588 નંબરની બસના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. સિટીબસ પૂરપાટ ઝડપે ચાલતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. જોકે માતાની નજર સામે જ પુત્રનુ મોત થતા પરિવારમાં કલ્પાંત ફેલાયો હતો. જે અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પ્રત્યક્ષદર્શીઓએ બસ ઓવરસ્પીડ હોવાનો આરોપ લગાવ્યો
ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધી ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને અધિકારીઓનો કાફળો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.. પ્રત્યક્ષદર્શીઓએ બસ ઓવરસ્પીડ હોવાનો આરોપ લગાવ્યો છે. સમગ્ર ઘટનાને લઇને પોલીસે આરોપીની પૂછપરછ હાથ ઘરી છે.

આ અકસ્માત રવિવારનો રોજ સર્જાયો હતો. ઘટના બાદ લોકોના ટોળાને ટોળા ઘટનાસ્થળે પહોંચ્યાં હતા જેના કારણે ટ્રાફિક પણ અવરોધાયો હતો. લાંબો સમય સુધી રસ્તા પર ટ્રાફિક જામ થયો હતો.