અમદાવાદની ટેક્સીએ યુવકને ઉલાળ્યો: સુરેન્દ્રનગરમાં કારે ટક્કર મારતાં ચાલીને જતો યુવક થાંભલે અથડાઇને ‎ઢળી પડ્યો

Surendranagar Accident: સુરેન્દ્રનગરના જોરાવરનગર શહેરી વિસ્તારમાં કારચાલકે સ્ટેયરંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં એક રાહદારી યુવકને અડફેટે (Surendranagar Accident) લેતા ગંભીર ઈજા બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ટક્કરથી આસપાસના બે થાંભલા સાથે કાર અથડાતા થાંભલા પણ પડી ગયા હતાં, જેના કારણે વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી.

પૂરપાટ ઝડપે આવતી કારે યુવકને અડફેટે લીધો
જોરાવરનગર શહેરના અંડરબ્રીજ પાસે કંભારપરા તરફથી પૂરપાટ ઝડપે આવતી કારે અચાનક અંડરબ્રીજ પાસે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કારે ધડાકાભેર રસ્તા પર ચાલતા વિજય પાડડિયાને અડફેટે લીધા હતાં. આ ટક્કરના કારણે યુવકને ગંભીર ઈજાઓ થઈ હતી.

બાદમાં આ કાર રોડના થાંભલા સાથે અથડાતા થાંભલાને પણ નુકસાન પહોંચ્યુ હતું. આ બનાવના કારણે લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતાં. તેમજ ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે રાજકોટ ખસેડવાયા હતાં. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું.

પોલીસે હાથ ધરી તપાસ
અકસ્માત બાદ સ્થળ પરથી આરોપી માહિર ગેડિયાને ઝડપી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ સીસીટીવીમાં જોવા મળી શકે છે કે, પૂરપાટ ઝડપે આવી રહેલી કારે અચાનક એક વ્યક્તિને અડફેટે લે છે. સમગ્ર મામલે પોલીસે સીસીટીવીના આધારે આગળ વધુ તપાસ હાથ ધરી છે.