બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ સંસ્થા(BAPS)ના વડા પ્રમુખ સ્વામી મહારાજની પાંચમી પૂણ્યતિથિ છે. પ્રમુખસ્વામી 13 ઓગસ્ટ,2016ના રોજ અક્ષરનિવાસી થયા હતા. પ્રમુખસ્વામી મહારાજે 95 વર્ષની ઉમરે સાળંગપુર ખાતે અંતિમ શ્વાસ લીધા હતા.
ભક્તો પ્રમુખસ્વામીના અંતિમ દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. લાખો ભક્તોએ ભારે હૈયે અને આંખમાં આંસુ સાથે પ્રમુખસ્વામીના દર્શન કર્યા હતા. પ્રમુખ સ્વામી અક્ષરનિવાસી થયાના સમાચાર સાંભળી લાખોની સંખ્યામાં હરિભક્તો પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન માટે સાળંગપુર ઉમટી પડ્યા હતા.
ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બાપાના અંતિમ દર્શન માટે આવ્યા હતા. બાપાની વસમી વિદાયથી ભક્તોના આંસુ રોકાયા રોકાતા નહોતા અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.
બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ તથા બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના અસ્થિપુષ્પોનો પૂજનવિધિ સમારોહ યોજાયો હતો. સંતો પાલખીયાત્રા કરીને અસ્થિકળશને લઈ ઘાટ પર પધાર્યા હતા. મહંતસ્વામી મહારાજ અને સર્વ સદગુરુ સંતોએ મહાપૂજા કરી હતી.
પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય અસ્થિનું ગોંડલની ગોંડલી નદીના અક્ષરઘાટમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોચાસણવાસી અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામિ મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો અક્ષર મંદિર ઉપસ્થિત રહ્યા હતા.
નવનિર્માણ પામેલ અક્ષરઘાટ પર નિમિતે સભાનું આયોજન થયુ હતું. અસ્થિ કળશનું શાસ્ત્રોક્ત વિધિ-વિધાનો દ્વારા પુજન કરાયું હતું. મહાપ્રસાદિક ગોંડલી નદીમાં સૌએ આરતી અને દીપવિસર્જન કરીને સભાની પૂર્ણાહુતિ કરી હતી.
BAPSના વડા પ્રમુખસ્વામીના અંતિમ સંસ્કાર 17 ઓગસ્ટ, 2016નાં રોજ સાળંગપુર મંદિર પરિસરમાં કરવામાં આવ્યા હતા. બાપાની વિદાયના સમાચાર સાંભળી હરિભક્તો ધ્રુસકે ધ્રુસકે રહી પડ્યા હતા.
સ્વામી બાપાની સાળંગપુરના સ્વામિનારાયણ મંદિરમાં અંતિમ વિધિ કરવામાં આવી હતી. આ દરમિયાન મંદિરમાં હાજર ભક્તો સહિત દેશ-વિદેશમાં વસતા લાખો હરિભક્તો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.
મંગલાચરણથી માંડી મુખાગ્નિ આપવા સુધીની બે કલાકની વૈદિક શાસ્ત્રોક્ત વિધિ દરમિયાન હરિભક્તોની આંખમાંથી સતત આંસુ વહી રહ્યાં હતાં. સંખ્યાબંધ હરિભક્તો બેભાન થયા હતા અને તાત્કાલિક તબીબી સારવાર અર્થે લઈ જવાયા હતા.
પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર:
પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે થયો હતો. પિતા મોતીભાઈ, માતા દિવાળીબા. ખેતી અને પ્રભુભક્તિ સિવાય આ પરિવારને જીવનનું બીજુ કોઈ વિશિષ્ટ પાસું ન હતું. માગશર સુદ 8, સંવત 1978 (7 ડિસેમ્બર, 1921)ના રોજ પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ થયો હતો. પ્રમુખ સ્વામીનું જન્મનું નામ શાંતિલાલ હતું.
16 મે, 1929ના દિવસે તેમના ગામની શાળામાં પહેલા ધોરણમાં ભણવા બેસાડ્યા. શાંતિલાલ સ્વભાવે શાંત પણ શિસ્તબદ્ધ, સમયપાલન સાથે ભણવામાં હોંશિયાર હતા. ઈતિહાસ અને ગણિત એમના પ્રિય વિષયો હતાં. એકથી પાંચ ધોરણ તેમના ગામમાં ભણ્યાં બાદ તેમણે છઠ્ઠા ધોરણ માટે પાદરા ગામની શાળામાં પ્રવેશ લીધો.
ભગવાન સ્વામિનારાયણના તેઓ પાંચમા આધ્યાત્મિક વારસદાર છે. 2-11-1939ના રોજ અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજે કિશોરવયના ભકતરાજ શાંતિલાલને પાર્ષદની પ્રાથમિક દીક્ષા આપી. 10-1-1940ના રોજ ગોંડલમાં ભાગવતી દીક્ષા આપવામાં આવી. ત્યારબાદ તેમનું નામ પડયું નારાયણસ્વરૂપ દાસ સ્વામી.
પેટલાદની સંસ્કૃત પાઠશાળામાં પંડિતો પાસે સંસ્કૃત અભ્યાસમાં લાગી ગયા. અભ્યાસમાં શાસ્ત્રી સુધીનો અભ્યાસ કરીને તેઓ શાસ્ત્રી નારાયણસ્વરુપદાસજી બન્યા. વર્ષ 1950માં શાસ્ત્રીજી મહારાજે દીર્ઘદ્રષ્ટિથી સ્થાપેલી વિકસતી ધર્મસંસ્થા અક્ષરપુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ તરીકે તેઓને નિયુકત કર્યા. ત્યારથી તેઓને પ્રમુખ સ્વામીના હુલામણાં નામથી ઓળખવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.