ગાંધીનગર/ ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ મળતા જ 48 કલાકમાં 107 લોકોએ કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા

Gift City Club Membership: ગુજરાતના 63 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત રાજ્યના કોઈપણ ભાગને દારૂબંધીમાંથી મુક્ત કરવાને લઈને નવી ચર્ચા જાગી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત હવે દારૂબંધી હટાવવા તરફ આગળ વધી રહ્યું છે તો બીજી તરફ ચોંકાવનારા તથ્યો સામે આવી રહ્યા છે. ગાંધીનગર સ્થિત ગુજરાત ગિફ્ટ સિટી (ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી)માં દારૂ પીવાની પરવાનગી મળ્યા બાદ અહીંની ક્લબમાં સભ્યપદ મેળવવાની હરીફાઈ ચાલી રહી છે. એક વિગત મુજબ ક્લબમાં મેમ્બરશિપ લેવા માટે હજારો કોલ આવી રહ્યા છે, તો બીજી તરફ દારૂબંધી હટાવ્યાના 48 કલાકમાં ગિફ્ટ સિટી( Gift City Club Membership ) ક્લબના સભ્યોની સંખ્યામાં 107 નવા લોકો જોડાયા છે. ગિફ્ટ સિટીના સભ્ય બનવા માટે, ફી 7 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.તો ક્લબના સભ્યપદ માટેના કોલ્સની સંખ્યા વધી રહી છે. ત્યારે આવી સ્થિતિમાં મેમ્બરશિપમાં પણ વધારો થવાની આશા છે.

7.49 કરોડની કમાણી
એક સાહસિક નિર્ણયમાં, ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની સરકારે ગિફ્ટ સિટીમાં દારૂ પીરસવા અને પીવાની મંજૂરી આપવાની જાહેરાત કરી છે. આ પછી, સુરત, રાજકોટ અને અન્ય શહેરોના કોમર્શિયલ સેન્ટરો અને બિઝનેસ હબમાં પણ આ પ્રકારમાં નિર્ણયની માંગ વધી રહી છે અને આ સાથે ગિફ્ટ સિટી ચર્ચામાં આવી છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા સરકારના આ નિર્ણયને ગેમ ચેન્જર ગણવામાં આવી રહ્યો છે. નિષ્ણાંતોને આશા છે કે, દારૂબંધીને કારણે ઘણી વિદેશી કંપનીઓ ગુજરાતમાં જતી ન હતી, પરંતુ હવે ગુજરાતના ગિફ્ટ સિટીમાં વાઇન અને જમવાની સુવિધા હોવાથી હવે ગિફ્ટ સિટીને લિફ્ટ મળી શકશે. ગાંધીનગર ગિફ્ટસિટી ક્લબમાં સભ્યપદનો ખર્ચ રૂ.7 લાખ છે.ત્યારે માત્ર 48 કલાકમાં 107 લોકોએ ગિફ્ટ સિટી ક્લબની મેમ્બરશિપ મેળવી છે. મળતી માહિતી મુજબ, ગિફ્ટ સિટી ક્લબે એકલા મેમ્બરશિપમાં 7.49 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અત્યાર સુધીમાં ગિફ્ટસિટી ક્લબના સભ્યોની સંખ્યા 2300 સુધી પહોંચી ગઈ છે.

‘ગિફ્ટ સિટી’ ધૂમ મચાવશે
સરકારના નિર્ણય બાદ જે પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આનાથી આશા જાગી છે કે ગિફ્ટ સિટી ટૂંક સમયમાં ગુજરાત માટે આર્થિક હબ બની શકે છે. તાજેતરમાં, અહીં ઘણી મોટી ઓફિસો અને બેંક કેન્દ્રો ખોલવામાં આવ્યા હતા, પરંતુ તે પછી વિદેશી રોકાણકારો અને કંપનીઓ રસ દાખવતા ન હતા, તેનું મુખ્ય કારણ દારૂ પર પ્રતિબંધ હતો. સરકારના નિર્ણયથી હવે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીની સુંદરતા વધી શકે છે. સરકારે કહ્યું છે કે દારૂ પીવાની પરવાનગી આપ્યા બાદ તે આગામી દિવસોમાં માર્ગદર્શિકા જારી કરશે. ગિફ્ટ સિટીમાં દારૂ પીનાર મુલાકાતીને પોલીસ કાર્યવાહીનો સામનો ન કરવો પડે તે માટે કાર્ડ આપવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું છે. ગિફ્ટ સિટી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે.અને ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ આપ્યા બાદ હવે ત્યાં પ્રોપર્ટીના ભાવમાં 10 ટકાનો ઉછાળો આવ્યો છે, એટલું જ નહીં પ્રોપર્ટીની ઇન્કવાયારીમાં પણ 20 ટકાનો ઉછાળો આવ્યો છે.

શંકરસિંહ વાઘેલાએ આ નિર્ણયને આવકાર્યો
હાલમાં ગુજરાત સરકાર દ્વારા ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે દારૂની છૂટ આપવામાં આવતા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ કરી સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. શંકરસિંહ વાઘેલાએ ગિફ્ટ સિટીમાં દારુની છૂટ માટે રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા છે. શંકરસિંહ વાઘેલાએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કચ્છ, ધોલેરામાં પણ દારુબંધી હટાવવાની માંગ કરી છે. શંકરસિંહ વાઘેલાએ દાવો કર્યો છે કે સરકાર સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પણ દારુબંધી હટાવી લેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *