રાજ્યમાં આવેલ અમદાવાદ શહેરમાં આજથી 7 દિવસ અગાઉ શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાંથી તાજી જન્મેલ બાળકીનું અડધી રાત્રે અપહરણ થયાની ઘટના બનતા અમદાવાદ પોલીસ માટે ખુબ મોટો પડકાર ઉભો થયો હતો, એમાં પણ સોલા સિવિલ હોસ્પિટલના CCTV બંધ હોવાને લીધે પોલીસ માટે ખુબ મુશ્કેલ ટાસ્ક હતો.
આની સાથે જ પોલીસ પાસે ફક્ત એક મહિલા બાળક લઈને હોસ્પિટલની બહાર નીકળતી હોવાના ફૂટેજ હતા, જેને આધારે સોલા પોલીસ તથા ક્રાઈમ બ્રાન્ચનાં 70 જેટલા પોલીસ જવાનોની ટીમ બનાવીને 200થી વધારે લોકોની પુછપરછ કરીને તથા 500 થી વધારે CCTV ચેક કરીને તેમજ 150 થી વધુ રીક્ષા ચાલકોની પૂછપરછ કરીને 7 મા દિવસે પોલીસે અપહરણ કરનાર મહિલાને શોધી કાઢી હતી.
પોલીસ માટે આ કેસ ખુબ પડકારજનક હતો:
પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ જણાવે છે કે, પોલીસ માટે આ કેસ ખુબ પડકારજનક હતો. સેક્ટર 1 JCP, DCP ઝોન 1 તેમજ સોલા પોલીસ મથકની પોલીસ આ કેસને ઉકેલવા માટે કામે લાગી ગઈ હતી. હોસ્પિટલમાંથી બહાર નીકળતા CCTV ફૂટેજ મળ્યા હતા.
જેને આધારે તમામ રોડ પરના CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે તપાસ શરૂ કરતા જાણવા મળ્યું કે, 2 તારીખે મોડી રાત્રે એક મહિલાએ એક્ટિવા પર જઈ રહેલ ચાલક પાસે લિફ્ટ માગી તો ઇસ્કોન સુધી લિફ્ટ આપી હતી.
ત્યારપછી ઇસ્કોનથી રિક્ષામાં બેસીને સરખેજ સુધી મહિલા ગઈ હતી તેમજ ત્યાંથી પોતાના ઘરે ગઈ હતી. આમ, રોડ પરના અંદાજે 500 CCTV ફૂટેજ ચેક કરીને હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે મહિલાને શોધી કાઢવામાં આવી હતી. સેકટર 1 જેસીપી આર વી અસારી જણાવે છે કે, સોલા પોલીસ સ્ટેશનના PI જે.પી જાડેજાએ PSI સહિત 70 લોકોની ટીમ કામે લગાવી દીધી હતી.
સોલા સિવિલમાં CCTV ચાલુ હોત તો કેસ ઉકેલાઈ ગયો હોત:
શહેરનાં પોલીસ કમિશ્નર સંજય શ્રી વાસ્તવે આ બાળકી મળ્યા પછી પત્રકાર પરિષદનું આઓજ્ન કર્યું હતું કે, જેમા તેમણે કહ્યું હતું કે, બાળકીને લઈ જનાર મહિલાના લગ્ન પછી છુટાછેડા થયાં હતાં. તે પોતાના બાળકનો ઉછેર કરવાનું ઈચ્છતી હતી.
જેથી સિવિલમાંથી માસુમ બાળકીનું અપહરણ કરી ઘરે લઈ આવી હતી. બાળકીને ઘરે લાવ્યા પછી તેને બહારથી દૂધ લાવીને પીવડાવતી હતી. પહેલા તેણે ક્યારેય કોઈ બાળકના અપહરણનો પ્રયત્ન કર્યો નથી. જો સિવિલમાં કેમેરા ચાલુ હોત તો આ કેસ ખુબ ઝડપથી ઉકેલાઈ ગયો હોત. હવે CCTV કેમેરા ફરીથી શરુ કરાવીશું.
પોલીસ કમિશ્નરે બાળકીનું નામ દુર્ગા રાખ્યું
બાળકી મળી આવી હોવાની જાણ થતાંની સાથે જ પરિવારમાં ખુશી છવાઈ ગઈ હતી. પરિવારજનોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી. પરિવારજનો દ્વારા બાળકીનું નામ પોલીસ કમિશ્નર રાખે તેવી ઈચ્છા વ્યક્ત કરતા પોલીસ કમિશ્નર દ્વારા આ બાળકીનું નામ દુર્ગા રાખવામાં આવ્યું છે. હવે પરિવારે બાળકીનું દુર્ગા નામ રાખવા માટે સંમતિ પણ દર્શાવી દીધી છે.
કેવી રીતે ઝડપાઈ મહિલા?
જુહાપુરામાં રહેતી નગમા નામની મહિલાના લગ્ન થયાને 7 વર્ષ થયાં હતાં, જેમાં તેને કોઇ બાળક ન હોવાથી વિવિધ જગ્યાએ હોસ્પિટલમાં નવજાત બાળકને ઉઠાવી જવા માટેની યોજના બનાવી હતી. આ દરમિયાન નગમા ઘટનાના દિવસે સોલા સિવિલ હોસ્પિટલમાં ગઈ હતીકે, જ્યાં એક દિવસની બાળકી મળી આવી હતી.
જેને લઈને ત્યાંથી નીકળી ગઈ હતી. ત્યારપછી બાળકીને શોધવા માટે સ્થાનિક પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને નગમા નામની મહિલા પાસે બાળકી હોવાની બાતમી મળતા પોલીસે તપાસ કરી તો ગુમ થયેલી બાળકી જ હોવાની ખરાઈ કર્યા બાદ તેને બચાવી લેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.