કોરોના (Corona)ને કારણે સમગ્ર વિશ્વ ચિંતિત છે. હમણાં થોડા સમયથી કોરોનાના ઓછા કેસો હોવાને કારણે લોકોને રાહત મળી હતી, પરંતુ હાલની સ્થિતિ જોતા ફરી પાછું એવું લાગી રહ્યું છે કે, દુનિયામાં કોરોના વાયરસ ફરી ફેલાશે. કારણ કે, માહિતી મળી આવી છે કે, છેલ્લા ૫ દિવસમાં ૫૦ લાખ કેસ નોંધાયા છે.
એક જ દિવસમાં ૧૬ લાખથી વધુ સંક્રમણ થતા પહેલાના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. ભારત (India)માં પણ છેલ્લા કેટલાક સમયથી ઓમિક્રોન વેરિએન્ટ(Omicron variant) સહિતના સંક્રમણ કેસમાં ઝડપથી વધારો થઇ રહયો છે. જો આ બાબત પર વિશેષ ધ્યાન આપવામાં નહિ આવે તો ત્રીજી લહેરને કોઇ રોકી શકે તેમ નથી.
WHOએ ચેતવણી જાહેર કરી છે કે, કોરોનાનો ઓમિક્રોન પ્રકાર ગંભીર સ્વરુપ લઇ રહયો છે. નવો વેરિએન્ટ ઓમિક્રોન કેટલો ખતરનાક છે તે જાણી શકાયું નથી પરંતુ તેનું સંક્રમણ ખૂબ વધારે ઝડપથી થઈ રહ્યું છે એ યૂરોપ અને અમેરિકામાં ફેલાઇ રહેલા સંક્રમણ પરથી જોઇ શકાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું છે કે, કોરોના સંક્રમણના કેસમાં વિશ્વમાં એક જ સપ્તાહ દરમિયાન ૧૧ ટકાનો વધારો થયો છે.
આ વખતે બ્રિટન, અમેરિકા અને ફ્રાંસમાં કોરોના સંક્રમણના દરે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. એક રીપોર્ટ અનુસાર, બ્રિટનમાં ૧.૮૩ લાખ, અમેરિકામાં ૨.૬૫ લાખ અને ફ્રાંસમાં ૨૦.૮ લાખ સંક્રમિત દર્દીઓ નોંધવામાં આવ્યા હતા. દર સેકન્ડે બે લોકો કોરોનાથી સંક્રમિત થઇ રહયા છે તેવું ફાંસના આરોગ્યમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે. આ સિવાય લેટિન અમેરિકી દેશ આર્જન્ટિનામાં પણ ૪૨ હજારથી વધુ કેસ નોંધાયા છે.